કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): કુંભમાં (Mahakumbh 2025) અખાડાઓની ચર્ચા છે અને અખાડાઓમાં શું થાય છે તે વાત જાણવાની સૌને ઉત્સુકતા પણ છે. ગત્ અઠવાડિયે અભિનેત્રી મમતા કુલકર્ણીએ (Mamta Kulkarni) કિન્નર અખાડામાં (Kinnar Akhara) મહામંડલેશ્વરના પદે આવી ત્યારે અખાડાઓને લઈને ફરી એક વખત સર્વત્ર છેડાઈ. અખાડા શું છે અને તે કેમ સ્થપાયા તે અંગે તો ઘણી માહિતી મળે છે. પરંતુ આ અખાડાઓનું કાર્ય શું અને કુંભ કે તે સિવાયના ધાર્મિક કાર્યક્રમો સિવાય તેઓ શું કરે છે અને તેમનો પાવર ક્યાં સુધી પહોંચે છે; તે અંગે થોડી છણાવટ કરી તો તેમાંથી રસપ્રદ બાબતો મળી આવી. આ અખાડાઓ એટલે એક સંગઠન જ છે, જેના નિયમો છે અને જો તે નિયમો તૂટે તો તેની સજા પણ છે.

આ અખાડાઓનો જન્મ થયો તેમાં અનેક તર્કવિતર્ક છે; પણ જે એક સામાન્ય બાબત સામે આવે છે – તેમાં એવું કહેવાય છે કે સદીઓ અગાઉ આદિ શંકરાચાર્યએ બૌદ્ધ ધર્મના વધતા પ્રભાવ અને તે પછી મુઘલોના આક્રમણ સામે હિંદુ સંસ્કૃતિને સુરક્ષા મળે તે હેતુથી અખાડાઓની સ્થાપના કરી હતી. એક અન્ય ઠેકાણે અખાડાની સ્થાપના વિશે એવી પણ માહિતી મળે છે કે જે-તે વખતે આદિ શંકરાચાર્યને લાગ્યું કે માત્ર પૂજા-પાઠ દ્વારા ધર્મનો વિકાસ કે પ્રસાર નહીં થઈ શકે. તે માટે હિંદુ ધર્મના અનુયાયીઓએ કસરત અને કુશ્તીનો સહારો લઈને માનસિક રીતે પણ મજબૂત થવું પડશે. તે માટે સાધુઓ માટે મઠ બનાવવામાં આવ્યા; જ્યાં તેમને યુદ્ધ સ્તરની દીક્ષા પણ આપવામાં આવતી. શંકરાચાર્યએ આવા સાત અખાડાઓની સ્થાપના કરી હતી – જેમાં, ‘મહાનિર્વાણી’, ‘નિરંજની’, ‘જૂના’, ‘અટલ’, ‘આહવાન’, ‘અગ્નિ’ અને ‘આનંદ’ – અખાડા સામેલ છે. આ તમામ ‘શૈવ સંન્યાસી’ સંપ્રદાયના અખાડા છે. સમય જતાં તેમાં ‘બૈરાગી વૈષ્ણવ’ સંપ્રદાયના ત્રણ વધુ અખાડા સામેલ થયા – તેમનું નામ ‘દિગમ્બર અની અખાડા’, ‘નિર્વાની આની અખાડા’ અને ‘પંચ નિર્મોહી અની અખાડા’ છે. તે ઉપરાંત ‘ઉદાસીન સંપ્રદાય’ના અન્ય ત્રણ અખાડા પાછળથી નિર્માણ થયા- જેમાં ‘બડા ઉદાસીન અખાડા’, ‘નયા ઉદાસીન અખાડા’ અને ‘નિર્મલ પંચાયતી અખાડા’ છે. આમ કુલ મળીને હાલમાં તેર અખાડા હતા. હવે તેમાં કિન્નર અખાડા પણ છે તેવું અમુક સ્થાને દર્શાવાય છે. એટલે અખાડાની સંખ્યા 14 પર પહોંચી છે.

અખાડાઓ વિશે અલગ-અલગ સંદર્ભોથી અનેક પુસ્તકો લખાયા છે. તેમાં ઇતિહાસના ઠોસ સંદર્ભ દેખાતા નથી. પણ આ વિશે જે કોઈએ થોડું ઘણું કામ કર્યું છે અને વિસ્તારથી તે વિશે લખ્યું છે તેમાં એક પુસ્તક શોભા ત્રિપાઠીનું છે. આ પુસ્તકનું નામ ‘તપ ઔર તપસ્યા’ છે. તેમાં લેખિકા લખે છે કે, “ભારતીય સનાતન ધર્મની વર્તમાન સ્વરૂપનો પાયો આદિગુરુ શંકરાચાર્યએ નાંખ્યો હતો. તેમનો જન્મ આઠમી સદીમાં થયો હતો, જ્યારે ભારતીય જનમાનસ અને ધાર્મિક અવસ્થા છિન્નભિન્ન થઈ ચૂકી હતી. ભારતની સંપત્તિ લૂંટવા માટે તમામ આક્રમણકારીઓ ભારત તરફ આવી રહ્યા હતા.” ઇતિહાસના સંદર્ભ સાથે વાત કરવાની હોય ત્યારે આઠમી સદીમાં આપણે દેશ તરીકે હજુ સ્થાપિત થયા નહોતા તે લખવું જોઈએ. પરંતુ ધાર્મિક ઇતિહાસમાં મહદંશે આ રીતે વિગત સમાવવામાં આવતી નથી. આગળ પુસ્તકમાં એવું લખવામાં આવ્યું છે અને અન્ય સ્થાને પણ એવાં સંદર્ભ મળે છે કે ‘જૂના’ અખાડો સૌથી પહેલાં સ્થપાયો હતો. એક સ્થાને તો ગુજરાતી ભાષામાં ‘જૂના’નો સંદર્ભ આપીને તેને સૌથી પહેલાં સ્થપાયેલો ગણવામાં આવ્યો છે. એવું કહેવાય છે કે ‘જૂના અખાડા’માં સાધુઓની સંખ્યા સાઠ લાખથી વધુ છે અને તેમાં સૌથી વધુ નાગા સાધુઓ છે.

આ ‘જૂના’ અખાડામાં રોજબરોજની પ્રવૃત્તિનો ઉલ્લેખ મળે છે તેમાં લખ્યું છે કે આ અખાડામાં સામેલ થયા બાદ તમારે આધ્યાત્મિક ઉન્નતિ માટે રોજબરોજ અભ્યાસ કરવાનો રહે છે. જેમાં ધ્યાન, શારીરિક તંદુરસ્તી અને કેટલાક પૂજાપાઠ સામેલ છે. મતલબ કે અહીંયા તમે સાધુ બનીને પણ નિયમિત જીવનશૈલી અપનાવેલી હોવી જોઈએ. ધ્યાન અને યોગ કરવા માટે રોજબરોજ સમય આપવો તે જૂના અખાડાનો નિયમ છે. સવારે પૂજા વિધિ અને તે સિવાય દિવસભર અભ્યાસ દ્વારા જ્ઞાન મેળવવાની પ્રવૃત્તિ પણ તેમાં સમાવિષ્ટ છે. જેમાં મહદંશે વેદ, ઉપનિષદ જેવાં ધાર્મિક ગ્રંથોનું પઠન કરવાનું હોય છે. સાધુ બન્યા એટલે સેવા સર્વોપરી ધર્મ બને છે – તેવું જૂના અખાડામાં માનવામાં આવે છે અને તેથી જ સમાજ સેવાથી ‘કર્મયોગ’ સાધવો તે તેમનો નિયમ છે. જૂના અખાડા એક આયોજનબદ્ધ રીતે સંચાલિત થાય છે. તેનો અધ્યક્ષનો કાર્યકાળ છ વર્ષનો હોય છે. બીજા ક્રમે તેમાં મહંત હોય છે અને તેમનો કાર્યકાળ પણ છ વર્ષનો હોય છે. આ ઉપરાંત, તેમના સંગઠનમાં સેક્રેટરીનું કાર્ય કરનારા ‘અષ્ટ કૌશલ’ અને આર્થિક વ્યવસ્થા જોનારા ‘ધનાપતિ મહંત’ હોય છે.
અખાડાઓ વિશે વિગતે જાણીતા પત્રકાર પ્રભાષ જોશીએ તેમના પુસ્તક ‘હિંદુ હોને કા ધર્મ’માં લખ્યું છે. તેમણે આ વિશે અનેક સંદર્ભો ટાંક્યા છે. તેઓ લખે છે : “દશનામી સંપ્રદાયોમાં અખાડા હતા, જેમાં નાગા સંન્યાસી રહેતા હતા. અખાડા પોતાની રીતે એક અલગ સંસ્થાની જેમ કાર્યરત હતા, અને નાગા સંન્યાસી આ સંસ્થાના ગણાતા, સંપ્રદાયના નહીં. અખાડાને સૈનિક શબ્દ રેજિમેન્ટ કહેવું વધુ યોગ્ય ગણાશે. છ મુખ્ય અખાડા છે – એક જૂનો અખાડો જેનું અધિકૃત નામ ભૈરવ અખાડા છે. આ અખાડાના ઇષ્ટદેવ દત્તાત્રેય છે. આ અખાડાનું મુખ્ય કેન્દ્ર વારાણસીમાં છે અને તેની અન્ય શાખાઓ પ્રયાગ, હરદ્વાર, ઉજ્જૈન વગેરે સ્થળે છે. તેનાથી જ આહવાન અખાડો પણ જોડાયેલો છે, જે પણ ખૂબ સમય અગાઉનો અખાડો છે. જદુનાથ સરકારે આ અખાડાને 1547માં સ્થાપિત કર્યો હતો. ત્રીજો અખાડો નિરંજની છે. આ કચ્છના માંડવીમાં સ્થાપિત થયો હતો. તેના ઇષ્ટદેવતા સેનાપતિ અને શિવ-પાર્વતીના દીકરા કાર્તિકેય છે. હવે તેનું મુખ્ય કેન્દ્ર પ્રયાગ છે અને તેની શાખાઓ ત્ર્યબંક, ઓમકારેશ્વર, ઉજ્જૈન, હરદ્વાર, વારાણસી અને ઉદયપુરમાં છે. ચોથો અખાડો આનંદ છે, જેના ઇષ્ટદેવ અગ્નિ છે. મહાનિર્વાણી પાંચમો અખાડો છે અને તેની સ્થાપના ઝારખંડના કુંડાગઢના સિદ્ધેશ્વર મંદિરમાં થઈ હતી. તેના સંન્યાસીઓની લડાઈ ઔરંગઝેબના સેના વચ્ચે થઈ હતી. વારાણસીને ઔરંગઝેબથી સુરક્ષિત રાખવાનો શ્રેય પણ આ અખાડાને આપવામાં આવે છે. તેના ઇષ્ટદેવ કપિલ છે. કુંભ અને સિંહસ્થ મેળાઓમાં આ અખાડાઓને આગળ જગ્યા આપવામાં આવે છે. વૈષ્ણવ બૈરાગીયો એટલે કે અખાડાઓના ધ્વજ અને નિશાની હોય છે.”
પ્રભાષ જોશીએ આ અખાડોમાં ચાલતા વિવાદો વિશે પણ લખ્યું છે. પહેલાં સ્નાન કરવાને લઈને અખાડાઓ એકબીજા સાથે ઝઘડતા રહ્યા છે. પ્રભાષ જોશી લખે છે : “આ તમામ મેળાઓમાં કયા અખાડાનું જૂલુસ આગળ રહેશે અને તેમનો સ્નાન ક્રમ કયો હશે તે નિર્ધારીત છે. શૈવ સંન્યાસીઓમાં નાગા સાધુઓ સૌથી આગળ રહીને સ્નાન કરે છે. પરંતુ શૈવ સંન્યાસીઓના પહેલા વૈષ્ણવ બૈરાગીમાંથી કોણ આગળ રહે તે માટે વિવાદ થતા રહ્યા છે. મહત્ત્વ યોગ્ય સમય અને જગ્યાનો છે. અખાડો કોઈનાથી પાછળ રહી જાય તો તે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની જાય છે.” મતલબ કે સાધુ બન્યા પછી પણ શાંતિ નથી, પહેલાં કોણ નહાય તે માટે અહીંયા પણ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બને છે. એવું કહેવાય છે કે 1760માં શૈવ સંન્યાસીઓ અને વૈષ્ણવ બૈરાગીઓ વચ્ચે એટલો ઉગ્ર વિવાદ થયો હતો કે તેમાં અઠાર હજાર સાધુ માર્યા ગયા હતા. આ અંગે કેસ ચાલ્યો અને પરિણામ શૈવ સંન્યાસીઓના તરફેણમાં આવ્યું. તે પછી અંગ્રેજોએ હથિયારોના કાયદા વધુ કડક કર્યા અને સાધુઓ પાસેના શસ્ત્રો પર અંકુશ લગાવી દીધો.
અખાડની પરંપરાની વાત પ્રભાત જોશી ટાંકતા લખે છે કે, “બે અખાડા જો આમને સામને આવી જાય તો એક સેનાની જેમ લડાઈ કરે છે. હિંસા ન થાય તે માટે સિંહસ્થના સ્નાન વખતે તેમને અલગ-અલગ સમય અને રસ્તા આપવામાં આવે છે. ઘણી વાર તો તેમનાથી આયોજકો અને આવનારા લોકોને પણ ડર લાગે છે.” જોકે આખરે તેઓ એક વાત ટાંકે છે કે કોઈ પણ અખાડાનો સાધુ કોઈ વિશેષાધિકાર ન ભોગવી શકે, તેને દેશના અન્ય નાગરિક જેટલી જ ફરજો અને જવાબદારીઓ મળે છે. તે કાયદો હાથમાં લે છે તો તે સજા થવાને પાત્ર છે. આમ તો આ લખવાની જરૂર નથી પણ ફરી ફરીને આવી વાતો યાદ ન કરાવીએ તો ‘સાધુત્વ’ના નામે વિશેષાધિકાર લેવામાં કોઈને સંકોચ થતો નથી.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796