પ્રશાંત દયાળ (શિવા. ભાગ-22): મારો મિત્ર અને દિવ્ય ભાસ્કરનો એડિટર, પ્રણવ ગોલવલકરે મને અને શિવાનીને (Shivani Dayal)સમજાવવાનો પ્રયત્ન કર્યો. પણ હું મારા નિર્ણય પર અડગ રહ્યો. મારી લડાઈને શિવાનીએ પીઠબળ પૂરું પાડ્યું. આમ મજેઠિયા પગારપંચના મુદ્દે મારે લડાઈ પડતી મૂકવી જોઈએ તેવા પ્રયાસો ભાસ્કર તરફથી ભરપૂર થયા, પણ તેનું કોઈ પરિણામ આવ્યું નહીં. હવે આ મામલે દિવ્ય ભાસ્કર શું કરશે? તેની મને કલ્પના નહોતી. બીજા દિવસે સાંજે મને દિવ્ય ભાસ્કર (Divya Bhaskar) અમદાવાદ (Ahmedabad) ઑફિસના એચ.આર. મૅનેજર રાહુલ ખીમાણીનો ફોન આવ્યો. તેમણે મને કહ્યું, “તમે થોડીવાર પછી મારી કૅબિનમાં આવી શકો?”
હું એક સ્ટોરી ફાઇલ કરી રહ્યો હતો. મેં કહ્યું, “સ્ટોરી પૂરી થાય એટલે હું આવું.”
તેમણે કહ્યું, “ઠીક છે.”
પણ મને એચ.આર. મૅનેજરે બોલાવ્યો તે વાત મારી આસપાસ રહેલા રિપોર્ટર્સને ખબર પડી ગઈ હતી એટલે તેઓ તર્ક લગાવી રહ્યા હતા કે, મને બોલાવવાનું કારણ શું હોઈ શકે? હું મારું કામ કરી રહ્યો હતો. મારી સ્ટોરી પૂરી થતાં મેં મારા સાથીઓને કહ્યું, “તમારાં અનુમાન લગાવવાનું બંધ કરો. હું ખીમાણીને મળવા જાઉં છું. જે હશે તે હવે ક્લિઅર થઈ જશે.”
હું એચ.આર. મૅનેજર રાહુલ ખીમાણીની ચેમ્બરમાં ગયો. ત્યાં જઈ જોયું તો રાહુલ ખીમાણીની ચેમ્બરમાં પહેલાંથી મારા મિત્ર અને એડિટર મનિષ મહેતા અને અજય નાયક હાજર હતા. ખીમાણી સહિત બધાના ચહેરા એકદમ ગંભીર હતા. મને પહેલાં સમજાયું નહીં કે, મામલો ગંભીર કેમ છે? ખીમાણીએ મને કહ્યું, “બેસો.”
હું સામેની ખુરશીમાં બેસ્યો. બધા મારી સામે જોતા હતા અને પછી નજર ફેરવી લેતા હતા. આ બધા જ દિવ્ય ભાસ્કરના સિનિયર અધિકારીઓ હોવાની સાથે મારા મિત્રો પણ હતા. તેઓ જે કરી રહ્યા હતા, તે તેમની સત્તાવાર ફરજ હતી. બીજી તરફ હું તેમનો મિત્ર છું એટલે તેમને અંદરથી ખરાબ પણ લાગી રહ્યું હતું. એકાદ મીનિટ સુધી કોઈ કંઈ જ બોલ્યું નહીં એટલે મેં પુછ્યું, “ખીમાણીજી બોલો. મને કેમ બોલાવ્યો છે?”
ખીમાણીએ સંકોચ સાથે મારી સામે એક કવર મુકતાં કહ્યું, “તમારી બદલી ધનબાદ કરવામાં આવે છે.”
હું વિચાર કરવા લાગ્યો, ધનબાદ! ખીમાણીએ કહ્યું, “ઝારખંડ.”
મારા માટે આ કોર્સ બહારની ઘટના હતી. હું તેના માટે માનસિક રીતે જરા પણ તૈયાર નહોતો.
ખીમાણીએ એક રજિસ્ટર મારી તરફ મુકતાં કહ્યું, “એક સહી કરી આપશો?”
મારો ટ્રાન્સફર ઑર્ડર મેં સ્વીકાર્યો છે; તેની રિસિવ પર મારે સહી કરવાની હતી. મેં એક ક્ષણ વિચાર કર્યો અને કહ્યું, “મારા વકીલની સલાહ પછી હું નિર્ણય કરીશ.”
તેમણે કહ્યું, “ભલે.”
સાચું પૂછો તો મારું મગજ સન્ન થઈ ગયું હતું. હું મારો ટ્રાન્સફર ઑર્ડર લઈ રિપોર્ટિંગ રૂમ તરફ આવી રહ્યો હતો. મગજમાં એક સાથે ઘણી બધી ઘટનાઓ દોડી રહી હતી. કંઈ સમજાઈ રહ્યું નહોતું. હું રિપોર્ટિંગ રૂમ સુધી પહોંચ્યો તે પહેલાં મને એક ફોન આવે છે. મેં ફોનની સ્ક્રીન પર એક નંબર જોયો. મને આખી ઑફિસમાં જેની પર સૌથી વધારે ભરોસો હતો, તેવા એક સાથીનો ફોન હતો. તે મારી લડાઈનો એક સેનાપતિ હતો. મને લાગ્યું કે મારી ટ્રાન્સફર થઈ તે સમાચાર તેના સુધી પહોંચી ગયા હશે. મેં ફોન ઉપાડ્યો, હું તેને કંઈ કહું તે પહેલાં તેણે મને કહ્યું, “સોરી દાદા. હું લડાઈમાં વિડ્રો થાઉં છું. મારી પત્ની મને આ લડાઈ લડવાની ના પાડી રહી છે.”
મારા પગ નીચેથી રીતસર ધરતી ખસી રહી હોય તેવું મને લાગ્યું. હું અટકી ગયો, મારા પગ જમીન સાથે ચીપકી ગયા. મને જ્યારે ટ્રાન્સફર ઑર્ડર આપ્યો ત્યારે આઘાત અને ડર નહોતો લાગ્યો. તેના કરતાં પણ આ વધારે આઘાતજનક ઘટના હતી. જેમ મધદરિયે તમારી બોટનું શઢ તૂટી જાય અને તમારી બોટ દરિયાનાં મોજામાં ફંગોળાવા લાગે તેવી મારી મનોદશા થઈ. મને અચાનક પ્રણવ ગોલવલકરની વાત યાદ આવી. તેણે મને કહ્યું હતું— જેમના માટે લડે છે તે તને છોડી જતા રહેશે. પણ મને નહોતી ખબર કે, પ્રણવની ધારણા આટલી જલદી સાચી પડશે! હું અંદરથી તૂટી ગયો, પણ હવે યુદ્ધભૂમિના એવા મુકામ પર આવીને ઊભો હતો, જ્યાંથી પાછું ખસી શકાય તેમ નહોતું અને લડવું અનિવાર્ય થઈ ગયું હતું.
આમ અમારી સેનામાં પહેલી વિકેટ પડી હતી. ભાસ્કરનું આક્રમક વલણ જોઈ રિપોર્ટર ડરી ગયા હતા. કારણ કે રાજ્ય બહાર બદલી થાય તો સામાન્ય પગાર પરવડે તેમ પણ નહોતો. આ તો શરૂઆત હતી, મારી બદલીનો બીજો દિવસ થયો અને સવાર પડતાં એક મોટો જથ્થો લડાઈમાંથી ખસી ગયો. અમદાવાદમાંથી હવે લડાઈ માટે માત્ર પાંચ-છ સૈનિકો જ રહ્યા હતા. મારી બદલી થઈ છે, તેવા સમાચાર ગુજરાત અને બહારના રાજ્યોની એડિશન સુધી પહોંચતાં ત્યાં પણ લડાઈના મંડાણ કરનારે પોતાનાં હથિયાર હેઠાં મૂકી દીધાં હતાં. હવે શું કરવું? તેની સલાહ લેવા અમે ગુજરાત હાઇકોર્ટના સિનિયર કાઉન્સિલ ગિરીશ પટેલ પાસે પહોંચ્યા.
ગિરીશ પટેલ જ્યાં સુધી જીવતા હતા, ત્યાં સુધી ગરીબ અને વંચિતોને લાગતું કે હાઇકોર્ટમાં અમારો એક પ્રતિનિધિ છે! અમે અમારા કેસની વાત ગિરીશ પટેલને કરી. તેમણે અમારા કેસના કાગળો અને ટ્રાન્સફર ઑર્ડર જોયા. મારી સાથે બહાર આવેલા જુજ સાથીઓની પણ હવે અલગ અલગ રાજ્યમાં બદલી કરી દેવામાં આવી હતી. પણ આ દરમિયાન એક સારા સમાચાર મળ્યા કે, કચ્છથી પાંચ રિપોર્ટર અમારી લડાઈનો હિસ્સો બનવા માગે છે. અને આ પાંચ રિપોર્ટર અમદાવાદ આવ્યા. તેમણે કહ્યું, “દાદા! અમે તમારી સાથે છીએ.”
અમારા કેસનો અભ્યાસ કર્યા પછી કાઉન્સિલ ગિરીશ પટેલે કહ્યું, “હું તમારો કેસ લડીશ. અમે ખૂબ ખુશ થયા. અમારે એક ઍડવોકેટની જરૂર હતી, જે અમારો કેસ લડે અને હારી જાય તો પણ ચાલે. પણ ભાસ્કર જેવાં મોટાં અખબાર જૂથ સાથે મળી જાય તે અમને પરવડે તેમ નહોતું. મેં ગિરીશ પટેલને ડરતાં ડરતાં પુછ્યું, “સર, આપ કેટલી ફી લેશો?”
આ પ્રશ્ન સાંભળી ગિરીશ પટેલ હસી પડ્યા. તેમણે કહ્યું, “મેં બધા પત્રકારોની પૅ સ્લીપ જોઈ છે. બોલો કેટલી ફી આપશો?”
તેમણે કહ્યું, “ફીનો પ્રશ્ન નથી. તમે પત્રકારો છો, લોકો માટે લડો છો. આજે તમારો પ્રશ્ન છે તો હું ફી વગર લડી આપીશ.”
મેં વિનંતીના સ્વરમાં કહ્યું, “સર! તમારી વાત સાચી છે. મારા સાથીઓનો પગાર ઓછો છે, પણ મારો સારો છે. હું મારી હેસિયત પ્રમાણે તમને આપીશ. તમે ના પાડતા નહીં.”
તેમણે મને કહ્યું, “જોઈશું.”
હવે અમારી લડાઈ ગુજરાત હાઇકોર્ટ સુધી પહોંચી હતી. દિવ્ય ભાસ્કરે ગુજરાતના મોંઘા અને મોટા વકીલ સૌરભ સોપારકર રોક્યા હતા. મેં જ્યારે ઘરે જઈ શિવાનીને કહ્યું, મારી બદલી ઘનબાદ થઈ છે ત્યારે તેના ચહેરા પર નિર્લિપ્ત ભાવ હતો. તેણે કહ્યું, “ચિંતા કરતા નહીં, સારું થશે. તમને જે સાચું લાગે છે, તે જ કરજો.”
શિવાની પાસે આવી ઠંડક ક્યાંથી આવતી હશે? તેવો મને કાયમ પ્રશ્ન થતો હતો. હવે પછીની આ લડાઈ કેટલી લાંબી ચાલશે? તેની કોઈને જ ખબર નહોતી. આ દરમિયાન દિવ્ય ભાસ્કરના વકીલો, સી.એ. સહિતના મોટા અધિકારીઓ અમદાવાદ આવી ગયા હતા. તેઓ અમારી સાથે વાટાઘાટો કરી રહ્યા હતા. પરિણામ શું આવશે તેની કોઈને ખબર નહોતી. પણ કોઈ પત્રકાર અખબાર સામે લડે અને મામલો કોર્ટ સુધી જાય; તેવી આ પહેલી ઘટના હતી. જેના કારણે માત્ર ભાસ્કરના સ્ટાફની નહીં તમામ ગુજરાતી પત્રકારોની નજર અમારા તરફ હતી.
ક્રમશઃ
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796
it’s a amazing story sir, please upload whole story in a book i am so much interest
Yes Yes coming soon in book format …