પ્રશાંત દયાળ (શતરંજ-19, નવજીવન ન્યૂઝ): નિઝામ સત્તર વર્ષનો થયો ત્યાં સુધીમાં સારો મિકૅનિક બની ગયો હતો. ગમે તેની કાર તે રિપૅર કરવા લાગ્યો હતો. પાંચ રૂપિયા પગારથી નોકરીની શરૂઆત કરી હતી, પણ હવે તેનો પગાર પંદરસો રૂપિયા થઈ ગયો હતો. પહેલાં કરતાં તેનો ગુસ્સો ઓછો થયો હતો, પણ ગુસ્સો આવે ત્યારે શું કરી બેસે તેની તેને જ ખબર પડતી ન હતી. બપોરનો સમય હતો. તે દિવસે તે રોજ પ્રમાણે કારનું રિપૅરિંગ કરી રહ્યો હતો. તે જ વખતે તેનો એક પડોશી દોડતો દોડતો કહેવા આવ્યો કે રામને કોઈ મારી રહ્યું છે. રામ નિઝામનો જિગરજાન દોસ્ત હતો. રામને કોઈ મારી રહ્યું છે, તેવું સાંભળતાં જ તેના હાથમાં જે ડિસમિસ હતું તે લઈ દોડ્યો. તેના શેઠે તેને રોકાઈ જવા માટે બૂમ પણ પાડી પણ તે રોકાયો નહીં. ગામની વચ્ચે પહોંચ્યો ત્યારે તેણે જોયું કે ચાર છોકરાઓ રામને લાકડીએ લાકડીએ મારી રહ્યા હતા. રામ જમીન ઉપર પડ્યો હતો. તેના માથામાંથી લોહી વહી રહ્યું હતું છતાં પેલા તેને નિર્દયતાપૂર્વક મારી રહ્યા હતા. તેણે દૂરથી જ ત્રાડ પાડી. પેલા મારી રહેલા છોકરાઓ નિઝામને જોતાં ત્યાંથી ભાગ્યા, પણ જમીન ઉપર પડેલા રામે ભાગી રહેલા એક છોકરાનો પગ પકડી લીધો. તે તેના હાથમાંથી છૂટે તે પહેલાં નિઝામ ત્યાં પહોંચી ગયો. રામ કંઈ સમજે તે પહેલાં તો ગુસ્સામાં લાલચોળ થયેલા નિઝામે પોતાના હાથમાં રહેલા ડિસમિસના એક પછી એક ઘા પેલા છોકરાના પેટમાં મારવાની શરૂઆત કરી. પેલા છોકરાના પેટમાં જાણે લોહીનો નળ મૂક્યો હોય તેમ તેનું લોહી નીચે પડેલા રામ ઉપર પડવા લાગ્યું. રામ લોહીથી લથપથ થઈ ગયો અને પેલો છોકરો પણ ત્યાં જ ઢળી પડ્યો.
આ દૃશ્ય જોઈ નાસભાગ મચી ગઈ. નિઝામનાં કપડાં અને હાથ લોહીવાળાં હતાં. હજી રામ જમીન ઉપર પડેલો હતો. ઊઠી શકતો ન હતો. નિઝામ દોડ્યો. રસ્તા તરફ તેણે એક રિક્ષાવાળાને રોક્યો. રામની આંખો, તેના શરીર અને કપડાં ઉપર રહેલું લોહી જોઈ રિક્ષાવાળો કંઈ જ બોલી શક્યો નહીં. તે રિક્ષા લઈ રામ જ્યાં પડ્યો હતો ત્યાં આવ્યો. રિક્ષાવાળાની મદદ લઈ નિઝામે રામને રિક્ષામાં નાખ્યો અને સીધો બાડમેર સરકારી હૉસ્પિટલમાં પહોંચ્યો. ત્યાં તેની સારવાર ચાલતી હતી. રામને આઠ ફ્રૅક્ચર હતાં. રામને પોતાને પણ ખબર ના પડી કે તેનાથી શું થઈ ગયું. નિઝામના ભાઈ નૂરુ અને તેના અબ્બા ત્યાં આવી પહોંચ્યા. તેમણે નિઝામના શરીર ઉપર લોહી જોતાં પહેલાં તો તેના આખા શરીરે હાથ ફેરવી ખાતરી કરી લીધી કે તેને તો કંઈ વાગ્યું નથી ને! નિઝામના પિતાના ચહેરા ઉપર ડર હતો. તેમણે નિઝામને પૂછ્યું : “બેટા, તૂને ક્યા કર ડાલા?” નિઝામ કંઈ બોલ્યો નહીં. તે વારેઘડીએ પોતાના માથાના વાળમાં હાથ ફેરવી રહ્યો હતો. નૂરુએ આવી ધીમા અવાજે નિઝામને કહ્યું : “વો લડકા મર ગયા હૈ.” નિઝામને તેનો અંદાજ હતો. હવે તેના ચહેરા ઉપર પણ ગભરાટ આવી ગયો હતો. નૂરુએ તેને બાજુમાં લઈ જઈ કહ્યું : “મામલા બિગડેગા. તૂ અભી યહાં સે ચલા જા. બાદ મેં સબ ઠીક હો જાય તબ આ જાના.” પણ તે શક્ય બન્યું નહીં. ત્યાં બાડમેર પોલીસની એક જીપ આવી. તેમણે નિઝામની સ્થિતિ જોતાં જ તે સમજી ગઈ કે આ જ નિઝામ હોવો જોઈએ. જીપમાં દોડી આવેલા સબ-ઇન્સ્પેક્ટરે નિઝામને બાવડેથી પકડી જીપની પાછળની સીટમાં હડસેલી દીધો. બીજા દિવસે કોર્ટમાં તેને રજૂ કર્યો ત્યારે તેણે કોર્ટ સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો એટલે કોર્ટે તેને જેલમાં મોકલી આપ્યો. તે ક્યારેય સ્કૂલમાં ગયો ન હતો. તેના જન્મનો દાખલો પણ ન હતો તેના કારણે તે અઢાર વર્ષ કરતાં નાનો હોવાથી કોર્ટને બહુ મુશ્કેલી પડી. નિઝામની ઉંમર માટે એક મહિનાની લાંબી દલીલો બાદ નિઝામની ઉંમરને ધ્યાનમાં લેતાં તેને બાળ-આરોપી ગણવામાં આવ્યો અને બે મહિના સુધી તે ઑબ્ઝર્વેશન હોમમાં રહ્યો. જોકે હવે તેની ઉપર ખૂની હોવાનો સિક્કો વાગી ગયો હતો.
એક મહિનો જેલમાં રહ્યો ત્યારે તેની સાથે જયપુરનો ગૅંગ્સ્ટર મુસ્તાક પણ હતો. મુસ્તાક ઉપર એક ડઝન કરતાં વધારે ખૂન, મારધાડ, અપહરણ અને ખંડણીના ગુનાઓ નોંધાયેલા હતા. નિઝામ સૌથી નાનો હોવાને કારણે મુસ્તાક તેનું ખૂબ ધ્યાન રાખતો હતો. જ્યારે નિઝામને મુસ્તાકના ગુનાઓની ખબર પડી ત્યારે તેને સાચું લાગતું ન હતું કે પોતાની આટલી સંભાળ લેનાર માણસ આટલો ખૂંખાર હોય. બીજી તરફ રામની તબિયત સુધરતાં તેને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. તે જ્યારે પહેલી વખત નિઝામને મળ્યો ત્યારે તેને વળગી રડી પડ્યો હતો. ઑબ્ઝર્વેશન હોમમાંથી બહાર આવ્યા પછી નિઝામને લાગતું કે લોકો, તેના પડોશીઓ અને બજારમાં દુકાનદારો કંઈક જુદી જ નજરથી તેને જુએ છે. જે પહેલાં તેને નિઝામડા કહેતા હતા, તે હવે નિઝામ કહેતા અથવા ભાઈ કહેતા થઈ ગયા હતા. આ કંઈ અજુગતું લાગી રહ્યું હતું. તે જે ગૅરેજમાં નોકરી કરતો હતો ત્યાં પહોંચ્યો. તેણે રોજની ટેવ પ્રમાણે પોતાના ગૅરેજનાં મેલાંઘેલાં કપડાં પહેર્યાં અને પાનાં-પક્કડ ઉપાડ્યાં… ત્યાં શેઠે તેને બોલાવ્યો. સંકોચ સાથે શેઠે તેને કહ્યું : “દેખ નિઝામ! તૂ એકદમ છોટા થા, તબ મેરે ગૅરેજ મેં આયા થા, મૈંને તુઝકો રખ લિયા.” પછી બીજી તરફ નજર ફેરવી લેતાં કહ્યું : “બેટા! અબ તેરી બાત બદલ ગઈ હૈ, મૈં જાનતા હૂં કિ તેરે હાથોં સે રામ કો બચાને મેં ગલતી હુઈ હૈ, લેકિન અબ મેરે ગૅરેજ પે તેરે કારણ પોલીસ કા આના-જાના હોગા. મૈં વેપારી… મુઝે પોલીસ કે જમેલે મેં નહીં પડના.” તે જ ક્ષણે નિઝામ ઊભો થયો. તેણે પોતાના ગૅરેજનાં કપડાં બદલી નાખી પોતાનાં કપડાં પહેરી નીકળી ગયો. જ્યારે રામને આ વાતની ખબર પડી ત્યારે તે ગુસ્સે પણ થયો અને દુ:ખી પણ થયો. તેને લાગતું હતું કે તેના કારણે આ બધું નિઝામ સાથે બની રહ્યું. નિઝામનો પરિવાર તેને સમજી રહ્યો હતો, પણ તે તેને આશ્વાસન આપે તો શું આપે? તે બજારમાં જતો તો વેપારી મોટા ભાગે તેની પાસેથી પૈસા લેવાની ના પાડતા હતા. આ બધી વાતો તેને ખટકતી હતી. કામ વગર ત્રણ મહિના થઈ ગયા. તેને લાગ્યું કે કદાચ તેની સમસ્યાનો હલ મુસ્તાકભાઈ પાસે હશે. તે તેને મળવા માટે જેલમાં ગયો.
જેલમાં મુસ્તાકને પોતાની મુશ્કેલી કહેતાં તે રડી પડ્યો. મુસ્તાકે તેના માથે હાથ મૂકતાં તેને કહ્યું : “જબ તૂ જેલ મેં આયા તબ સે મૈં સમજ ગયા થા. અબ તેરી જિંદગી ખલ્લાસ, લોગ ન તો તુઝે જીને દેંગે ઔર ન મરને ભી દેંગે. તૂઝે જો બૂરા લગતા હૈ વો બાત નિકાલ દે, જો હુઆ ઉસે તેરી તકદીર સમજ. એક બાત યાદ રખ… કોઈ હમેં પ્યાર નહીં કરતા. લોગ ડરતે તો ડરા ઔર ઉસી કો તેરી રોજી બના લે.” નિઝામને તેની વાત સમજાઈ નહીં, પણ તે ત્યાંથી નીકળી રહ્યો હતો ત્યારે મુસ્તાકે કહ્યું : “એકાદ મહિને મેં મેરી જમાનત હો જાયેગી, ફિર મુઝે મિલના. કુછ હલ નિકાલેંગે.” તેણે જ્યારે રામને મુસ્તાકભાઈએ કરેલી વાત કરી ત્યારે રામ પણ વિચારતો રહ્યો, પછી તે બોલ્યો, “મુસ્તાકભાઈ ગલત ક્યા બોલે?” પછી તે ગુસ્સાથી બોલ્યો : ‘લોગોં કો ડરના નહીં પડેંગા.’ નિઝામ હજી તેના માટે તૈયાર ન હતો. વીસ દિવસ પછી મુસ્તાકે કહેવડાવ્યું : “જમાનત હો ગઈ હૈ. જયપુર આ જાના.” જ્યારે રામને મુસ્તાકના સંદેશાની ખબર પડી ત્યારે તેણે નિઝામને આગ્રહ કર્યો અને બંને જયપુર પહોંચ્યા. મુસ્તાકનું ઘર આલીશાન હતું… હવેલી જેવું. રામ તો ચારે તરફ જોતો જ રહી ગયો. ક્યારેક તે નિઝામ સામે જોતો તો ક્યારેક બંગલા સામે. બંગલાની બહાર હટ્ટાકટ્ટા ચાર માણસો બેઠા હતા. તેમનું ધ્યાન નિઝામ અને રામ ઉપર પડ્યું. તેમાંથી પઠાણી ડ્રેસ પહેરેલી એક વ્યક્તિએ બૂમ પાડી પૂછ્યું : “યે ક્યા દેખ રહા હૈં?” નિઝામે તરત તેમની સાથે સલામદુઆ કરતાં નમ્રભાવે કહ્યું : “સલામ આલેકુમ! મૈં નિઝામ… બાડમેર સે હૂં… ભાઈને બુલાયા હૈ.” નિઝામની સલામદૂઆની અસર પેલી વ્યક્તિના ચહેરા ઉપર દેખાઈ. તેણે પણ ‘આલેકુમસલામ કરીને કહ્યું : “ભાઈ કો પૂછ કે આતા હૂં.” તે અંદર ગયો અને તરત બહાર આવ્યો. તેના ચહેરા ઉપર જાણે આદરભાવ હોય તેમ તેણે નિઝામને કહ્યું : “આવો ભાઈ.” નિઝામ અને રામને પણ તેનું આશ્ચર્ય લાગ્યું. તે તેમને અંદર સુધી સાથે લઈ ગયો. બંગલાની અંદર પણ તેના જેવા પહાડી લોકોની અવરજવર હતી. બંગલાની વચ્ચોવચ એક મોટો હૉલ હતો. તેની બરાબર વચ્ચે સિંહાસન જેવી મોટી ખુરશી હતી, જેની ઉપર મુસ્તાક બેઠો હતો. માથા ઉપર નમાઝી પહેરે તેવી ટોપી હતી. પઠાણી જેવું ઉપરનું પહેરણ હતું અને નીચે લુંગી હતી. નિઝામને જોતાં જ તે પોતાની ખુરશીમાંથી બેઠો થઈ ગયો અને સામે ચાલી નિઝામને મળવા ચાર ડગલાં ચાલ્યો. નિઝામને છાતીસરસો ચાંપી બોલ્યો : “આ મેરે બચ્ચે, કિતના સુખ ગયા હૈ?” નિઝામને સારું પણ લાગ્યું અને સંકોચ પણ થયો. રામ તો આંખો ફાડી જોતો જ રહ્યો. તેને લાગ્યું કે નિઝામને આટલા મોટા ગૅંગ્સ્ટર સાથે ઘરોબો છે. રામ સામે મુસ્તાકની નજર પડતાં નિઝામે તરત તેનો પરિચય કરાવતાં કહ્યું : “ભાઈ, મેરા દોસ્ત હૈ, રામ.” મુસ્તાકે રામને પણ છાતીસરસો ચાંપ્યો. પછી તેનાથી અળગો થતાં જાણે કંઈ યાદ આવ્યું હોય તેમ મુસ્તાક બોલ્યો : “રામ… અરે યે તો વહી લડકા હૈ ના જિસકો બચાને કે લિયે તૂને છોકરે કો માર ડાલા, રામબાબુ!’ નિઝામ કંઈ જવાબ આપે તે પહેલાં રામે જ ડોકું ધુણાવી ‘હા’ પાડી. તે અંદરથી ખુશ થતો હોય તેવા તેના ચહેરા ઉપર ભાવ હતો. તેને લાગ્યું કે મુસ્તાકભાઈ તેને નામથી ઓળખે છે. રામને રામબાબુ તરીકે બોલાવવાની શરૂઆત મુસ્તાકે કરી હતી.
મુસ્તાકે તેમના હાલચાલ પૂછ્યા, પછી બંનેને જે વ્યક્તિ અંદર લઈ આવી હતી, તેને આદેશ આપતાં કહ્યું : “બચ્ચોં કે ખાનેપીને કા ઇંતેજામ કરો. થક કે આયે હૈં.” તે તેમને મહેમાનો માટેનો અલાયદો રૂમ હોય તેવી જગ્યામાં લઈ ગયો. તે રૂમને અડોઅડ સરસ બગીચો હતો. રામ તો અભિભૂત થઈ ગયો હતો. જ્યારે નિઝામ શાંત હતો. તેના ચહેરા ઉપર કોઈ જ ભાવ ન હતો. રામે તેની સામે જોતાં કહ્યું : “નિઝામ, તૂ મત બોલ ના.” નિઝામે તેની સામે જોયું. તેને કંઈ સમજાયું નહીં. રામે ફોડ પાડતાં કહ્યું : “ભાઈ, જો કામ બોલે હમ કર લેંગે.” નિઝામે કોઈ જવાબ આપ્યો નહીં. તેમને નાસ્તામાં મટન, ખીમા અને બ્રેડ આપવામાં આવ્યાં. પછી ચા આવી. પેલી વ્યક્તિએ તેમને કહ્યું : “ભાઈ બુલાયેંગે તબ તક આરામ કરો, કોઈ ચીજ કી જરૂરત હો, તો મુઝે આવાઝ દેના.”
છેક સાંજે ભાઈનું તેડું આવ્યું. મુસ્તાકે સીધી વાતની શરૂઆત કરતાં કહ્યું : “કામ કરોગે મેરે સાથ?” રામે તરત કહ્યું : “હા ભાઈ, હા.” નિઝામે રામ સામે જોયું. રામે તેને આંખોમાં સમજાવ્યું કે હમણાં ચર્ચા કરવાનો સમય નથી. મુસ્તાકે નિઝામ સામે જોતાં કહ્યું : “કોઈ તેરે કો નોકરી તો દેગા નહીં, યહી રાસ્તા બચા હૈ.” નિઝામ તેની સાથે સંમત હતો તેવું તેની આંખો બોલતી હતી. મુસ્તાક આંખો વાંચી શકતો હતો… તે સમજી ગયો કે નિઝામ કામ કરશે. તેણે બાજુમાં ઊભા રહેલા એક યુવાનને બૂમ પાડી : “ઇરફાન.” તરત પેલો યુવાન નજીક આવ્યો. તેણે પોતાના ખિસ્સામાંથી એક ફોટો કાઢ્યો અને મુસ્તાકને આપ્યો. ફોટો પકડતા મુસ્તાકે નિઝામ અને રામને કહ્યું : “યે અજમેર કા શેઠ રહીમ શેખ હૈ, બહુત માલ કમાયા હૈ. જો કમાતા હૈ વો ડરતા હૈ… કિસીને એક કરોડ કમા લિયા… સમજો ઉસકા ડરના શુરૂ હો ગયા. મૈંને ઉસકો ફોન કર કે પચાસ પેટી ભેજને કો બોલા થા, લેકિન પોલીસ પે ઉસકો બહુત ભરોસા હૈ, પૈસા નહીં ભેજા. ઉસકો મારના નહીં હૈ, સિર્ફ ડરાના હૈ.” પછી ઇરફાન તરફ ઇશારો કરતાં કહ્યું : “યે તુમે કામ સમજા દેંગા, તુમ્હેં ભી અચ્છા માલ મિલેગા.”
રામ તો એટલો ઉત્સાહિત હતો કે તેને લાગ્યું કે તે હમણાં જ અજમેર જતો રહે. ઇરફાને નિઝામને કામ સમજાવ્યું, એક પિસ્તોલ આપી. નિઝામ પહેલી વખત હાથમાં પિસ્તોલ પકડી રહ્યો હતો. તેણે પિસ્તોલ પકડતાં તેના આખા શરીરમાં ધ્રુજારી પસાર થઈ ગઈ. તેણે પિસ્તોલ ચારે તરફ ફેરવી જોઈ. અને ઇરફાનને કહ્યું : “મૈંને કભી ચલાઈ નહીં.” ઇરફાન જાણે પતંગ ઉડાડવાનું શિખવાડતો હોય તેમ કહ્યું : “અરે ભાઈ, ઇસમેં કુછ શીખને કા ભી નહીં.” તેમ કહી પોતાના હાથમાં પિસ્તોલ પાછી લેતાં તેણે ડેમોન્સ્ટ્રેશન આપતો હોય તેમ પિસ્તોલનું બેરલ નિઝામ તરફ રાખતાં પિસ્તોલને લોડ કરવા માટે પાછળનો ઘોડો ખેંચતાં કહ્યું : “યે ખીંચને કા.” અને પછી ટ્રિગર દબાવતાં કહ્યું : “બસ યે દબાને કા.” એક ક્ષણ માટે જ્યારે ઈરફાન ટ્રિગર દબાવી રહ્યો હતો, ત્યારે નિઝામ ડરી ગયો. તે પાછો પણ ખસ્યો. તેને જોઈ ઇરફાને કહ્યું : “ખાલી હૈ, ગોલી નહીં; તુમ અજમેર પહોંચ જાવ.” પછી પિસ્તોલ તરફ ઇશારો કરતાં કહ્યું : “મેં ઘોડા લે કે અજમેર આ જાઉંગા.” તેણે પોતાના ખિસ્સામાં હાથ નાખી પાંચ હજાર રૂપિયા ગણીને આપતાં કહ્યું : “ખર્ચે-પાની કે લિયે રખો, બાકી મૈં વહાં આકે સમજાઉંગા.”
રામ અને નિઝામ પહેલી વખત એક સામટા પાંચ હજાર રૂપિયા જોઈ રહ્યા હતા. પાંચ હજાર રૂપિયા ખિસ્સામાં હોવાને કારણે નિઝામના ચહેરા ઉપર પણ તેજ આવ્યું હતું. પહેલી વખત તેમણે જયપુરથી અજમેર જતી ઍરકંડિશન બસની ટિકિટ ખરીદી હતી. અજમેર ગયા પછી એક હોટલમાં રોકાયા અને ઇરફાનના આવવાની રાહ જોઈ રહ્યા હતા.
(ક્રમશ:)








