પ્રશાંત દયાળ (નવજીવન.અમદાવાદ) : તા 9 જાન્યુઆરી દાહોદ જિલ્લાના લીમખેડામાં તસ્કરોની એક ગેંગ ત્રાટકી હતી અને લીમખેડાનાના મુખ્ય બજારમાં રહેતા અનીલ જાનીના ઘરનો દરવાજો તોડી તે માંથી પચાસ કિલો ચાંદી અને સોનાના દાગીના ચોરી ગયા હતા. આ મામલો લીમખેડા પોલીસમાં નોંધાતા પોલીસ ઈન્સપેકટર એમ જી ડામોરે તપાસ શરૂ કરી હતી. મામલો ત્રીસ લાખની ચોરીનો હોવાનો કારણે ડીવાયએસપી ડૉ કાનન દેસાઈએ ઘટના સ્થળની મુલાકાત કરતા જાણકારી મળી હતી પાંચથીસાત લોકોની ગેંગ આવી તેમણે ઘટનાને અંજામ આપ્યો હતો. આ વિસ્તારમાં આ પ્રકારની ઘટના બહુ સહજ છે. આ પ્રકારની ગેંગને પોલીસ પકડે અને આરોપી જામીન મેળવી ફરી લૂંટ અને તસ્કરીના ધંધામાં આવી જાય છે.
આ ગેંગને ઝડપી લેવા માટે ડૉ કાનન દેસાઈએ પોતાના બાતમીદારોને એલર્ટ કરતા તેમની પાસે જાણકારી આવી હતી કે આ બનાવ બનતા પહેલા એક સ્ત્રીની આ વિસ્તારમાં શંકાસ્પદ અવરજવર હતી. આ માહિતીને આધારે તેમણે ટેકનીકલ ટીમને કામે લગાડતા જાણકારી મળી કે અંધારી વેલાણી ફળીયામાં રહેતી મંગીબહેન ભાભોરની આ વિસ્તારમાં હતી જેના આધારે લીમખેડા પોલીસે મંગીબહેનને શોધી કાઢી હતી. પોલીસને માહિતી મળી કે મંગીબહેન અને વડોદરા જેલમાં ખુનના ગુનામાં સજા કાપી રહેલા રસુલને સંબંધ છે, અને દસ દિવસની રજા ઉપર આવેલા રસુલે આ પ્લાન બનાવ્યો હતો.
જો કે કયા ઘરને નિશાન બનાવવાનું અને જયા ત્રાટકીએ ત્યાંથી મોટો માલ મળશે તેની જાણકારી મેળવવાની કામગીરી મંગીબહેને કરવાની હતી આથી તે લીમખેડાના વિવિધ ઘરોની રેકી હતી. જેમાં મંગીને અનીલ જાનીના ઘરમાં માલ મળશે અને ઘર બંધ હોવાની જાણકારી મળતા તેણે રસુલને આ માહિતી પહોંચી હતી. મધ્ય પ્રદેશની સરહદે અડીને આવેલા ગુલબાર ગામની ગેંગ હોવાની માહિતી પણ મંગીએ આપતા લીમખેડા પોલીસે કાફલા સાથે આરોપીને ઝડપી લેવા માટે ગુલબાર પહોંચી હતી. જો કે પોલીસના વાહનો અને કાફલો જોતા ગામમાં નાસભાગ શરૂ થઈ હતી.
પોલીસે વિવિધ ઘરોમાં તપાસ કરતા કોઈ વસ્તુ હાથ લાગી ન્હોતી. પરંતુ માહિતી પાકી હોવાને કારણે પોલીસે ગામના ઘરોમાં ખોદકામ કરવાની શરૂઆત કરતા પોલીસ ચૌંકી ઉઠી હતી કારણ ચોરીનો માલ જમીનમાં દાટી દેવામાં આવ્યો હતો. પોલીસે ચાર કરતા વધુ ઘરોમાં ખોદી 46 કિલો ચાંદી અને સોનાના દાગીના શોધી કાઢયા હતા. આ ઘટનાને અંજામ આપી રસુલ પાછો વડોદરા જેલમાં હાજર થઈ ગયો હતો. આમ જો પોલીસ મંગી સુધી પહોચી ના હોત તો રસુલે તસ્કરી કરી છે તે વાતનો કયારેય પત્તો લાગતો નહીં.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.