કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ):“કલ્પના કરો કે તમે એક મોટા સમૂહના સભ્ય છો. એ પણ કલ્પના કરો કે તે સમૂહની કેટલીક વિશેષતાઓ છે, તે સમૂહના લોકો એકબીજાથી ઘણાં અલગ છે. તેમની અલગ-અલગ ધાર્મિક આસ્થા છે. તેમાંના કેટલાંક હિંદુ, કેટલાંક મુસલમાન અને ઇસાઇ છે. અને કેટલાંક એવાં પણ છે, જેઓ કોઈ ધર્મને માનતા નથી. તેઓ અન્ય માપદંથી પણ ભિન્ન છે – જેમ કે તેઓ વેગવેગળા વ્યવસાય કરે છે, તેમની જુદી જુદી યોગ્યતા છે, તેમનાં અલગ-અલગ શોખ છે. સિનેમાથી માંડિને પુસ્તકો સુધી તેમની પસંદગી વેગળી છે, તેમાંનાં કેટલાંક શ્રીમંત છે, તો કેટલાંક સાવ ગરીબ છે. આ સમૂહમાં વૃદ્ધો અને યુવાનો પણ છે. હવે કલ્પના કરો કે આ સમૂહના સભ્યોમાં જીવનનાં વિવિધ પાસાંને લઈને વિવાદ પણ છે, જેમ કે – કોઈ વ્યક્તિ પાસે કેટલી સંપત્તિ હોવી જોઈએ? શું તમામ બાળકોને શાળાએ મોકલવા અનિવાર્ય છે અથવા તો આ નિર્ણય તેમનાં માતા-પિતાએ જ લેવો જોઈએ? આ સમૂહ પોતાની સુરક્ષા પાછળ કેટલો ખર્ચ કરશે? અથવા તો તેની જગ્યાએ ઘણાં બધાં બગીચા બનાવવા જોઈએ? શું આ સમૂહમાં કેટલાંક સભ્યો પ્રત્યે ભેદભાવ રાખવો જોઈએ? આ બધાં જ પ્રશ્નોના જવાબ સમૂહનો દરેક વ્યક્તિ અલગ-અલગ આપશે. જોકે તેમનામાં આ ભેદ હોવા છતાં તેમને એક સાથે રહેવાનું છે. આ સભ્યો અનેક રીતે એકબીજા પર આશ્રિત છે. તેમને એકબીજા સાથેના સહયોગની આવશ્યકતા છે. હવે આ તમામને એક સાથે રાખવા માટે શું કરવું જોઈએ?”

આ ઉદાહરણ ‘નેશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગ’[એનસીઇઆરટી]ના અગિયારમાં ધોરણના પુસ્તક ‘ભારત કા સંવિધાન : સિદ્ધાંત ઔર વ્યવહાર’માંથી મૂકી છે. લોકસભાની ચૂંટણીમાં ‘ઇન્ડિયા’ બ્લોક્સની દ્વારા બંધારણનો મુદ્દો ખૂબ ચર્ચામાં રહ્યો. સંસદમાં શપથવિધિ દરમિયાન પણ રાહુલ ગાંધી સહિત વિપક્ષના અનેક સાંસદોએ બંધારણની પુસ્તિકા પોતાના હાથમાં રાખી હતી. આવનારાં સમયમાં પણ બંધારણ ચર્ચામાં રહેશે. ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ના એક અહેવાલ મુજબ છેલ્લા ત્રણ મહિનામાં બંધારણના પુસ્તકનું વેચાણ વધ્યું છે. ‘ઇબીસી’ નામના એક પ્રકાશક સુમિત મલિકે સ્વીકાર્યું છે કે ગત વર્ષે બંધારણની કુલ કૉપીઓનું વેચાણ આ વર્ષે માત્ર ત્રણ મહિનામાં થઈ ચૂક્યું છે! બંધારણની ચર્ચા ખૂબ થઈ રહી છે અને તેને સમજવા માટે ‘એનસીઇઆરટી’નું આ પુસ્તક ખૂબ ઉપયોગી થાય એવું છે. ખાસ તો આ પુસ્તકની ચર્ચા એ માટે પણ થવી જોઈએ; કારણ કે તેના મુખ્ય સલાહકાર રહેલા પ્રોફેસર સુહાશ પળશીકર અને યોગેન્દ્ર યાદવે હાલમાં જ તેમનું નામ ‘એનસીઇઆરટી’ના પુસ્તકોમાંથી કાઢી નાંખવા માટે અરજી કર્યા બાદ પણ પ્રકાશિત થયું હતું. ‘એનસીઇઆરટી’ના પુસ્તકોમાં જે રીતે ફેરફાર થઈ રહ્યા છે તેને લઈને સુહાશ પળશીકર અને યોગેન્દ્ર યાદવ સંમત નથી અને એટલે તેમનું નામ પુસ્તકોમાં ઉલ્લેખિત ન થવા જોઈએ – તેવી અરજી કરી હતી.

હવે વાત બંધારણની. પહેલાં ફકરામાં સમૂહને લઈને પ્રશ્નો મૂકવામાં આવ્યા હતા, તે અંગે ‘ભારત કા સંવિધાન : સિદ્ધાંત ઔર વ્યવહાર’માં આગળ લખાયું છે કે, “આ સમૂહના લોકો સાથે રહી શકે છે, જો તેઓ કેટલાંક પાયાનાં નિયમોને લઈને સહમત થઈ જાય. આ સમૂહને આવા નિયમોની શું જરૂર છે? પણ આવાં પાયાના નિયમો ન હોય તો તેની ગેરહાજરીમાં શું થશે? આ કિસ્સામાં સમૂહનો દરેક સભ્ય અસુરક્ષિતતાની અનુભૂતિ કરશે. કારણ કે તેને ખ્યાલ નહી હોય કે સમૂહના સભ્ય એકબીજા સાથે કેવી રીતે વર્તન કરશે અને કંઈ બાબતનો અધિકાર કોના પર હશે. કોઈ પણ સમૂહને જાહેર રીતે માન્યતા પ્રાપ્ત કેટલાંક પાયાનાં નિયમોની આવશ્યકતા હોય છે, જેને સમૂહના સભ્ય જાણતા હોય, જેથી એકબીજા સાથે એક ન્યૂનત્તમ સમન્વય નિર્માય. પરંતુ આ નિયમોની જાણકારી માત્ર પૂરતી નથી, તેનો અમલ પણ થવો જોઈએ. અને જો નાગરિકોને એ વિશ્વાસ ન હોય કે અન્ય નાગરિક પણ તે નિયમનું પાલન કરશે તો તેમની પાસે પણ એ નિયમો પાળવાનો કોઈ આધાર નહીં હોય. પરંતુ જ્યારે એમ કહેવામાં આવે કે આ નિયમોને ન્યાયાલયમાં લાગુ કરવામાં આવશે, તો તેનાથી સૌને વિશ્વાસ ઊભો થાય છે કે અને લોકો પણ તે નિયમોનું પાલન કરશે. કારણ કે એમ ન કરવાથી તેમને દંડ થશે. બંધારણનું પ્રથમ કાર્ય એ છે કે તે પાયાનાં નિયમો ઘડીને સમૂહ સામે મૂકે જેથી સમાજના સભ્યોમાં એક ન્યૂનત્તમ સમન્વય અને વિશ્વાસ નિર્માણ થાય.”
આ પુસ્તકમાં બંધારણ સમજવા માટે પૂરતાં દાખલા આપ્યા છે, જેથી બંધાણરણની એકેએક વાતને સરળતાથી સમજી શકાય. જેમ કે, ભારતીય બંધારણમાં અધિકારના પ્રકરણમાં નાગરિકોને મળનારાં અધિકારોની વાત કરવામાં આવી છે. અહીં એક દાખલો ‘શોષણના વિરુદ્ધ’ મળેલાં મૌલિક અધિકારને લઈને મૂક્યો છે, તે આ છે : “1982માં એશિયાઈ રમતો અગાઉ થયેલા નિર્માણકાર્ય માટે સરકાર દ્વારા કેટલાંક કોન્ટ્રાક્ટરોને કામ સોંપવામાં આવ્યું હતું. અનેક ફ્લાઇઓવર અને સ્ટેડિયમનું નિર્માણ કાર્ય થવાનું હતું અને તે માટે આ કોન્ટ્રાક્ટરોએ દેશભરમાંથી અનેક મજદૂરોને ભરતી કર્યા. પરંતુ આ મજદૂરોની કામ કરવાની સ્થિતિ દયનીય હતી. સરકાર દ્વારા નિયત કરવામાં આવેલી મજૂરીથી પણ ઓછું તેમને વેતન મળતું હતું. આ અંગે સમાજશાસ્ત્રીઓની એક ટીમે અભ્યાસ કર્યો અને તેમણે નોંધેલી વિગતથી સુપ્રિમ કોર્ટમાં એક અરજી દાખલ કરી. તેમના દ્વારા દલીલ કરવામાં આવી કે ન્યૂનત્તમ વેતનથી ઓછું વેતન આપવું તે ‘શોષણ વિરુદ્ધ’ મળેલાં મૌલિક અધિકારોનો ભંગ છે. સુપ્રિમ કોર્ટે આ દલીલનો સ્વીકાર્ય કર્યો અને સરકારને નિર્દેશ કર્યો કે આ હજારો મજૂરોને તેમના કામ પ્રમાણે નિર્ધારીત કરેલું વેતન આપવામાં આવે.”
પુસ્તકમાં બંધારણ રચવાની પ્રક્રિયા અને તેને પ્રચલનમાં લાવવાની વાત પણ મૂકાઈ છે. તે પ્રચલનમાં કેવી રીતે આવ્યું તે અંગે પુસ્તકમાં લખાયું છે કે, “અનેક દેશોમાં બંધારણ એટલાં માટે નિષ્પ્રભાવી થઈ જાય છે કારણ કે સૈનિક શાસકે અથવા અલોકપ્રિય આગેવાનો દ્વારા બનાવવામાં આવે છે, જેમની પાસે લોકોને પોતાની સાથે રાખવાની ક્ષમતા હોતી નથી. વિશ્વમાં સૌથી સફળ બંધારણ ભારત, દક્ષિણ આફ્રિકા અને અમેરિકાનું છે. આ એવાં બંધારણો છે, જેને સફળ રાષ્ટ્રીય આંદોલન પછી બનાવવામાં આવ્યા હતા. ભારતીય બંધારણને ઘડવાનું કાર્ય ડિસેમ્બર 1946થી નવેમ્બર 1949 સુધી બંધારણ સભા દ્વારા થયું, આ સભાને બંધારણ ઘડવામાં દેશમાં થયેલાં રાષ્ટ્રીય આંદોલનની લાંબી પૃષ્ઠભૂમિથી ખૂબ પ્રેરણા મળી છે. રાષ્ટ્રીય આંદોલનમાં સમાજના તમામ વર્ગોને એક સાથે રાખવાની વિલક્ષણ ક્ષમતા હતી. બંધારણને એટલે જ સ્વીકાર્યતા મળી કારણ કે તેને એવાં લોકોએ બનાવ્યું છે, જેમનામાં સમાજને અતૂટ વિશ્વાસ હતો અને જેમની પાસે સમાજના વિભિન્ન વર્ગો સાથે સીધો સંવાદ કરવાનો અને તેમનું સન્માન પ્રાપ્ત કરવાની ક્ષમતા હતી. બંધારણ નિર્માતા લોકોને એવું સમજાવવામાં સફળ રહ્યા હતા કે બંધારણ તેમની વ્યક્તિગત શક્તિ વધારવાનું કોઈ સાધન નથી. એ જ કારણે બંધારણને સ્વીકાર્યતા મળી.”
આમાં એક મુદ્દો સરકારની શક્તિઓ પર મર્યાદાનો છે, જેમાં લખ્યું છે કે, “એવું માની લઈએ કે તમે નક્કી કરી લીધું કે નિર્ણય કોણ કરશે. પરંતુ જ્યારે શાસકે કાયદો બનાવ્યો અને તમને એમ લાગ્યું કે કાયદો પૂર્ણ રીતે અયોગ્ય છે. ઉદાહરણની રીતે તમને તમારા ધર્મને અનુસરવાથી અટકાવી દેવામાં આવે અથવા તો તમને કોઈ વિશેષ રંગના કપડાં ન પહેરવા દેવામાં આવે અથવા કોઈ નિશ્ચિત ગીત ન ગાવા દેવામાં આવે. આવી અસંખ્ય બાબત હોઈ શકે. સ્વાભાવિક છે કે તમને આ રીતના બધા કાયદા અન્યાયી લાગશે. જોકે આ તમામ કાયદા એ સરકારે બનાવ્યા છે, જે એક વિશેષ પ્રક્રિયાનો અમલ કરતી હતી.” આ કિસ્સામાં શું થઈ શકે તે આપણે દેશમાં થયેલાં કિસાન આંદોલન વખતે જોયું. ખેડૂત અંગેના કાયદા ખેડૂતવર્ગને અન્યાયી લાગ્યા એટલે સરકારે તેને પાછાં લઈ લેવા પડ્યા. બંધારણની આવી અનેક બાબત છે, જે જાગ્રત નાગરિક તરીકે આપણે જાણવી જોઈએ અને તેને સરળતાથી સમજાવી શકે તેવાં જૂજ પુસ્તકો છે, તેમાંનું એક સુહાશ પળશીકર અને યોગેન્દ્ર યાદવ માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલું ‘ભારત કા સંવિધાન’ છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








