Thursday, October 22, 2026
HomeGujaratવડોદરામાં યુસુફ પઠાણને ₹20.53 કરોડની જમીન ₹5.52 કરોડમાં આપવાની પ્રક્રિયા શરૂ, 14...

વડોદરામાં યુસુફ પઠાણને ₹20.53 કરોડની જમીન ₹5.52 કરોડમાં આપવાની પ્રક્રિયા શરૂ, 14 વર્ષ જૂનો વિવાદ ફરી ચર્ચામાં, કોંગ્રેસ લાલઘૂમ

- Advertisement -

Vadodara Congress on Yusuf Pathan land Issue: વડોદરામાં પૂર્વ ક્રિકેટર અને સાંસદ યુસુફ પઠાણ સાથે જોડાયેલા જમીન વિવાદમાં ગુજરાત સરકારે તાંદલજા વિસ્તારમાં આવેલા 978 ચોરસ મીટરના પ્લોટની ફાળવણી માટે મંજૂરી આપી છે. આ જમીનની કુલ કિંમત ₹20.53 કરોડ હોવાનું જણાવાયું છે. પ્રસ્તાવ મુજબ, 500 ચોરસ મીટર જમીન મફતમાં આપવાની છે, જેની કિંમત આશરે ₹10.50 કરોડ થાય છે. બાકીની 478 ચોરસ મીટર જમીન માટે નિર્ધારિત કિંમતના 55 ટકા મુજબ આશરે ₹5.52 કરોડ ચૂકવવાના રહેશે. જોકે, પ્લોટની માલિકી મેળવવા માટે હજી અંતિમ મંજૂરી બાકી છે તેવી જાણકારી સામે આવી છે પણ અહીં ગુજરાત કોંગ્રેસે નારાજગી વ્યક્ત કરી છે. આ અંગે ગુજરાત કોંગ્રેસે આખા વિવાદને લઈને એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં ગુજરાત સરકાર પર ભારે ગંભીર આરોપ લગાવ્યા છે. આગામી સમયમાં ગુજરાત સરકાર કે વડોદરાના તંત્ર દ્વારા આ મામલાને લઈને યોગ્ય પ્રતિસાદ કે ખુલાસો કરવામાં આવે તેવી માગ ઉઠી છે.

આ જમીન યુસુફ પઠાણના તાંદલજા સ્થિત નિવાસસ્થાન નજીક શુભમ પાર્ટી પ્લોટ પાસે આવેલી છે. પઠાણે વર્ષ 2012માં વડોદરા મહાનગરપાલિકાના કમિશનરને પત્ર લખીને આ પ્લોટની માગણી કરી હતી. વિવાદ એવો છે કે, ત્યાર બાદ મહાનગરપાલિકાની બેઠકોમાં જમીન આપવાનો પ્રસ્તાવ આગળ વધ્યો હતો અને 99 વર્ષના ભાડાપટ્ટે, જાહેર હરાજી વિના જમીન આપવાની તૈયારી કરવામાં આવી હતી. જોકે, 9 જૂન, 2014ના રોજ ગુજરાત સરકારે આ પ્રસ્તાવને મંજૂરી આપી નહોતી. ત્યારથી જમીન ફાળવણીનો મુદ્દો અટકી ગયો હતો.

- Advertisement -

વર્ષ 2024માં મહાનગરપાલિકાએ પ્લોટ પરના કથિત ગેરકાયદે કબજા અંગે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. પઠાણે આ નિર્ણયને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ 21 ઓગસ્ટ, 2025ના રોજ તેમની અરજી ફગાવી દેવામાં આવી હતી. ત્યારબાદ તેમણે 4 ફેબ્રુઆરી, 2026ના રોજ સિંગલ જજના નિર્ણય સામે ડિવિઝન બેન્ચમાં અપીલ કરી હતી. આ વર્ષે 8 જૂને સુનાવણી દરમિયાન હાઈકોર્ટે જમીનની કાયદેસરની ફાળવણી અને ચુકવણી વિના તેના પર કબજો કેવી રીતે મેળવાયો તે અંગે સવાલો ઉઠાવ્યા હતા. આ બધું ચાલતું હતું ત્યાં અચાનક 31 ઓગસ્ટ, 2026ના રોજ પઠાણે પોતાની અપીલ પાછી ખેંચી લીધી હતી.

હવે, 18 જૂન, 2026ના રોજ મહાનગરપાલિકાએ શહેરના સાત પ્લોટની હરાજી માટેનો પ્રસ્તાવ સ્થાયી સમિતિ સમક્ષ મૂક્યો હતો. તેમાં તાંદલજાનો આ 978 ચોરસ મીટરનો પ્લોટ પણ સામેલ હતો. જમીનનો ભાવ પ્રતિ ચોરસ મીટર ₹2.10 લાખ નક્કી કરાયો હતો, જેના આધારે કુલ કિંમત ₹20.53 કરોડ થતી હતી. હવે રાજ્ય સરકારની મંજૂરી બાદ મહાનગરપાલિકા કમિશનરે ફાળવણીનો પ્રસ્તાવ સ્થાયી સમિતિ સમક્ષ મૂક્યો છે. સમિતિની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ જમીનના હક અંગે અંતિમ નિર્ણય સ્પષ્ટ થશે. જે મામલાને લઈને કોંગ્રેસે ભાજપ સરકારને આડે હાથ લીધી છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular