Sonarda Bank Fraud Dabhoda Police: ગાંધીનગર જિલ્લાના સોનારડા ગામની જના સ્મોલ ફાઇનાન્સ બેંકમાં તિજોરીની સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જ ₹23.39 લાખની ઉચાપત થયાનો કિસ્સો સામે આવ્યો છે. બ્રાંચ ઓપરેશન મેનેજર અને કેશિયરે પરસ્પર મેળાપીપણું કરીને બેંકની રોકડનો અંગત ઉપયોગ કર્યો હોવાના આક્ષેપ સાથે ડભોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. બેંકની તિજોરી બે અલગ-અલગ ચાવીઓ એકસાથે લગાવ્યા પછી જ ખૂલે છે, છતાં આટલી મોટી રકમ ગાયબ થતાં સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે.
અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં રહેતા અને જના સ્મોલ ફાઇનાન્સ બેંકમાં લીગલ મેનેજર તરીકે ફરજ બજાવતા યશસ્કર શર્માએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં સોનારડા શાખાના બ્રાંચ ઓપરેશન મેનેજર વિજય બારોટ, જે દહેગામના બારિયા ગામના રહેવાસી છે, અને અમદાવાદના બાપુનગરમાં રહેતા કેશિયર નિકુંજ પટેલનાં નામ છે. બેંકની વ્યવસ્થા મુજબ તિજોરીની એક ચાવી મેનેજર પાસે અને બીજી કેશિયર પાસે રહેતી હતી. બંને ચાવીઓ એકસાથે લગાવવામાં આવે ત્યારે જ તિજોરી ખૂલી શકતી હતી.
ફરિયાદ અનુસાર, 22 જાન્યુઆરીથી 6 માર્ચ, 2026 દરમિયાન બંને કર્મચારીઓએ કથિત રીતે તિજોરીમાંથી નાણાં ઉપાડ્યાં હતાં. માર્ચ મહિનામાં કેશ મેનેજમેન્ટ સર્વિસિસના મેનેજર કુમોદરાજને સોનારડા શાખામાંથી ₹8 લાખ અને ત્યારબાદ ₹10 લાખ અન્ય બેંક શાખાઓમાં જમા કરાવવા વિજય બારોટને સૂચના આપી હતી. જોકે, વિજય બારોટે સર્વર ડાઉન હોવાનું કારણ આપીને નાણાં જમા કરાવવાનું ટાળ્યું હતું. આથી શંકા જતાં કેશ મેનેજમેન્ટ સર્વિસિસના મેનેજરે શાખાની મુલાકાત લઈને તપાસ કરી હતી. તપાસમાં તિજોરીમાંથી કુલ ₹23,39,013 ગાયબ હોવાનું સામે આવ્યું હતું. ફરિયાદમાં જણાવ્યા મુજબ, પૂછપરછ દરમિયાન બંને કર્મચારીઓએ આ રકમ અંગત ઉપયોગમાં વાપરી હોવાની કબૂલાત કરી હતી.
ઘટના બાદ ફ્રોડ એન્ડ રિસ્ક મેનેજર કિશોર થારવાની દ્વારા શાખાનું વિશેષ ઓડિટ કરવામાં આવ્યું હતું. ઓડિટમાં ઉચાપતની વિગતો સામે આવ્યા બાદ આરોપીઓએ રકમ પરત કરવાની ખાતરી આપી હતી. તેમાંથી વિજય બારોટે બે હપ્તામાં કુલ ₹7 લાખ બેંકમાં જમા કરાવ્યા હતા, પરંતુ બાકીના ₹16,39,013 પરત કર્યા નહોતા. ત્યારબાદ બેંક અધિકારીઓએ વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હોવા છતાં વિજય બારોટનો મોબાઇલ બંધ આવતો હતો અને તે ઘર છોડીને જતો રહ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. બેંકની કાયદાકીય ટીમની સૂચનાને પગલે બંને સામે વિશ્વાસઘાત અને ઉચાપતના આક્ષેપસર ડભોડા પોલીસમાં ગુનો નોંધાયો છે.








