ઉર્વિશ પટેલ (નવજીવન ન્યૂઝ): સામાન્ય રીતે જેમનો આપણે તિરસ્કાર કરીએ છીએ તેમની સામે આપણને વ્યકિતગત કોઈ વાંધો હોતો નથી. ઘણી વખત આપણને કોઈ જાતિ-કોઈક જ્ઞાતિ અને ધર્મના લોકો પસંદ હોતા નથી. આવી જ સ્થિતિ જેલમાં રહેલા કેદીઓની પણ છે. જેલ આપણા સમાજનો જ હિસ્સો હોવા છતાં જેલને આપણે અછુત રાખી છે. અમદાવાદ શહેરના વચ્ચે એક નગર છે જેનું નામ સાબરમતી જેલ છે. આ જેલમાં 3200 કેદીઓ રહે છે તેવુ આપણે કહીશું નહીં કારણ કે કોઈ ઈચ્છાથી આવ્યા નથી. જીવનની કોઈક ભુલ કે સંજોગો તેમને અહિયા લઈ આવ્યા છે.
અમદાવાદની સાબરમતી જેલના એક કેદીના જીવનના આધારે નાદાન નામની ધારાવાહીકનું સર્જન થયું છે. આપણે જેને કેદી કહી ધુતકારી કાઢીએ છીએ તે આપણા પૈકીનો જ એક છે. જેના જીવન અને તેના હ્રદયની ગડમથલની આ કથા છે, સાબરમતી જેલમાં કેદીઓના શિક્ષણ અને પુન:સ્થાપન માટે છેલ્લાં સાત વર્ષથી પત્રકાર પ્રશાંત દયાળ નવજીવન ટ્રસ્ટના સહયોગથી તેમની ગાંધી વિચાર સંસ્થાના નેઝા હેઠળ કામ કરી રહ્યા છે. પ્રશાંત દયાળે કેદીઓની જીવન અને તેમની સમસ્યાઓને બહુ નજીકથી જોઈ છે અને અનુભવી છે. પત્રકારત્વનો હેતુ માત્ર વેદનાને વાચા આપવાથી પુરો થાય છે તેવું મોટા ભાગના પત્રકારો માને છે પણ પ્રશાંત દયાળ તેના કરતા એક ડગલુ આગળ ચાલ્યા અને કેદીઓની વેદનાને પોતાની વેદના સમજી તેમાં કઈ રીતે ઘટાડો થઈ શકે તેવા પ્રયાસ કર્યા છે.
આ પ્રયાસ દરમિયાન નાદાન ધારાવાહિકનો સુત્રધાર ગોપાલ તેમના સંપર્કમાં આવ્યો, ગાંધી આજે પણ જીવે છે તે ગોપાલે સાબિત કરી બતાવ્યું. સાબરમતી જેલમાં ચાલતા પત્રકારત્વના અભ્યાસક્રમનો ગોપાલ હિસ્સો બન્યો, ગુજરાત હાઈકોર્ટમાં પોતાના બચાવમાં કેસના ગુણ દોષની વાત કરવાને બદલે તેણે સત્ય સાથે ઊભા રહેવાનું પસંદ કર્યુ અને હાઈકોર્ટે પણ તેના વલણની કદર કરી અને તેની પાંચ વર્ષની સજા માફ કરી, ગોપાલ જેલમાંથી છુટયો અને આજે નવજીવન ટ્રસ્ટમાં જ કાર્યરત છે. પ્રશાંત દયાળ કહે છે જ્યારે વિદ્યાર્થી પરિક્ષા આપે છે ત્યારે પાસ નાપાસ તો શિક્ષક થાય છે. કારણ કે શિક્ષણ આપી શિક્ષક પોતાની જવાબદારીમાંથી છટકી શકતો નથી. પોતાનો વિદ્યાર્થી પોતાના જીવનમાં એક માણસ તરીકે પણ કેટલો સફળ થાય છે તે પણ એટલુ જ મહત્વનું છે.
ગોપાલના પ્રયાસ અને સંઘર્ષને કારણે જે પરિણામ આવ્યું પ્રશાંત દયાળ કહે છે ગોપાલે અમને પાસ જાહેર કર્યા છે.
ગોપાલના જીવનની સત્ય ઘટના આધારિત ‘નાદાન’ ધારાવાહીકના 3,36,140 વાંચકોનો અમે આભાર માનીએ છીએ જેમણે રોજબરોજ અમને લખવાની ફરજ પાડી છે. આ દિવસો દરમિયાન ‘નાદાન’નો વાચક ગોપાલ સાથે વ્યથીત થયો, ગોપાલ સાથે ખુશ થયો, અને ગોપાલ સાથે રડયો પણ છે જેની અમને ખબર છે. આ તમામ વાચકોના અમે હ્રદયપુર્વ આભારી છે. નાદાનનો છેલ્લો હપ્તો આવ્યો ત્યારે અમે લખ્યું કે સમાપ્ત ત્યારે પુર્ણેન્દ્ર નામના એક વાચકે લખ્યું સમાપ્ત નહીં એક નવી શરૂઆત, વાત સાચી છે. આ ધારાવાહિક ચાલુ હતી તે દરમિયાન એક દુખદ વાત પણ જાણવા મળી કે, પ્રશાંત દયાળના જબરા ફેન એવા પત્રકાર ધનરાજ વસંતાણી નવજીવનની તમામ સ્ટોરી પંચમહાલના ગ્રૃપમાં શેર કરાતી ત્યારે ઘણીવાર આગ્રહ કરતા કે પ્રશાંત દયાળની સ્ટોરીઝ પર્સનલમાં મોકલજો.
વાંચવાની મજા આવે છે. બે દિવસ ભાગ શેર કરવાનું ભુલી ગયા તો રાતે ફોન કર્યો અને વિનમ્રતાથી કહેતા આજે “નાદાન”ના ભાગ નાખવાનું ભુલી ગયા, પણ તેમની નાદાન કથા વાંચવાની ઇચ્છા અધૂરી રહી ગઈ, બધાની વચ્ચેથી અનંતની વાટે ચાલ્યા ગયા. તેમને શ્રદ્ધાંજલિ. આવા બીજા ઘણાં અનુભવો થયા સારા, પ્રેમાળ, તે તમામને અહી સમાવી શક્યા નથી પણ ગોપાલે એક નવી જીંદગીની સફર શરૂ કરી છે, ગોપાલ ખુદ પણ હવે સાબરમતી જેલના કેદીઓના શિક્ષણ અને પુન:સ્થાપનના કામનો હિસ્સો છે, કારણ કે એક ગોપાલ માટે કામ કરી અટકી જવુ યોગ્ય નથી, આપણી જેલોમાંથી અનેક ગોપાલ આ રીતે બહાર નીકળે અને સારું જીવન જીવે તે જરૂરી છે. સમાજનો દ્રષ્ટીકોણ હજી બદલાયો નથી. તેના કારણે અનેક અવરોધો પણ છે, છતાં તે તરફ બેધ્યાન થઈ કામ કરવું છે, તેવું પણ પ્રશાંત દયાળ હૃદયથી માને છે.
નાદાન વાચકોનો ખુબ ખુબ આભાર અમે બહુ જલદી એક નવા વિષય સાથે નહીં એક નવી સંવેદના સાથે ફરી મળીશું.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો
૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.