Thursday, October 22, 2026
HomeGeneral‘દિનુ-શિવા સોલંકીના ત્રાસથી કોડીનારની જનતા નારાજ’: પૂર્વ ધારાસભ્ય જેઠા સોલંકીની કોંગ્રેસમાં ઘરવાપસી

‘દિનુ-શિવા સોલંકીના ત્રાસથી કોડીનારની જનતા નારાજ’: પૂર્વ ધારાસભ્ય જેઠા સોલંકીની કોંગ્રેસમાં ઘરવાપસી

- Advertisement -

Jetha Solanki Congress : કોડીનારના રાજકારણમાં ફરી હલચલ મચી છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સાંસદીય સચિવ જેઠા દાના સોલંકીએ કોંગ્રેસમાં ઘરવાપસી કરી છે. રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે યોજાયેલી કોંગ્રેસની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક દરમિયાન પ્રદેશ પ્રભારી રણદીપ સુરજેવાલાએ તેમને કોંગ્રેસનો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. આ પ્રસંગે સૌરાષ્ટ્રના કોંગ્રેસના અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસમાં પાછા ફર્યા બાદ જેઠા સોલંકીએ કોડીનારની સ્થિતિ અંગે ભાજપના નેતાઓ દિનુ બોઘા સોલંકી અને શિવા સોલંકી સામે આક્ષેપો કર્યા હતા.

જેઠા સોલંકીએ મીડિયાને જણાવ્યું હતું કે કોડીનારમાં અસામાજિક તત્ત્વોનો પ્રભાવ વધી ગયો છે અને તેમના ત્રાસને કારણે સામાન્ય લોકોનાં કામ થતાં નથી. તેમના કહેવા પ્રમાણે, લોકોને મદદ મળવાને બદલે હેરાનગતિનો સામનો કરવો પડે છે. તેમણે દાવો કર્યો હતો કે દિનુ બોઘા સોલંકી અને શિવા સોલંકીના ત્રાસથી કોડીનારની જનતા નારાજ છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેમને વ્યક્તિગત રીતે કોઈ હેરાન કરતું નથી, પરંતુ વિસ્તારના લોકોનાં કામ ન થતાં હોવાની નારાજગીને કારણે તેમણે ભાજપ છોડવાનો નિર્ણય લીધો હતો.

- Advertisement -

કોંગ્રેસમાં જોડાવા અંગે જેઠા સોલંકીએ જણાવ્યું હતું કે તેમણે કોઈ વ્યક્તિગત કમિટમેન્ટના આધારે નહીં, પરંતુ વિસ્તારના લોકો અને આગેવાનોની લાગણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. તેમણે કોડીનારમાં ખેડૂતોની મુશ્કેલીઓ, બિયારણ અને ખાતરના વધતા ભાવ જેવા મુદ્દાઓ પણ ઉઠાવ્યા હતા. વધુમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે તેમના પૂર્વજોએ ઊભી કરેલી સંસ્થાઓ કોડીનારની જનતાને પૂછ્યા વિના IPL કંપનીને સોંપી દેવામાં આવી છે.

જેઠા સોલંકીએ વર્ષ 2012માં ભાજપમાં જોડાયા બાદ ધારાસભ્ય તરીકે જીત મેળવી હતી અને સંસદીય સચિવ તરીકે પણ ફરજ બજાવી હતી. વર્ષ 2017માં તેમણે ભાજપના ધારાસભ્ય પદ સહિતના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું હતું. ત્યારથી તેઓ કોંગ્રેસમાં જોડાશે તેવી ચર્ચાઓ ચાલતી હતી. હવે રાજકોટમાં યોજાયેલી કોંગ્રેસની બેઠક દરમિયાન તેમણે સત્તાવાર રીતે પક્ષમાં ઘરવાપસી કરી છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular