3 criminals arrested in Ahmedabad with heroin and MD drugs worth Rs 25.50 crore : અમદાવાદ અને સુરત ક્રાઈમ બ્રાંચ (Surat Crime Branch) ના એક સંયુક્ત ઓપરેશનમાં 25.50 કરોડની કિંમતનું હેરોઇન અને MD ડ્ર્ગ્સ જપ્ત થયું છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે (Ahmedabad-Vadodara Expressway) ના સીટીએમ ટોલનાકા પાસેથી એક કારમાં 4.5 કિલો હેરોઇન અને 2.5 કિલો MD ડ્ર્ગ્સ સાથે મૂળ દિલ્હી અને UPના 3 શખસોને પોલીસે ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓ પાસેથી 6 મોબાઈલ ફોન મળી આવ્યા છે. આરોપીઓની પૂછપરછમાં ડ્રગ્સ સૌરાષ્ટ્ર તરફ પહોંચાડવાનું હોવાનું સામે આવ્યું છે. પોલીસે કબજે લેવાયેલા મોબાઈલ ફોન નંબરના આધારે આરોપીઓના ગુજરાતના સંપર્કો તેમજ સપ્લાયરની માહિતી મેળવવા તપાસ આગળ ધપાવી છે.
સુરત ક્રાઈમ બ્રાંચને ઠોસ માહિતી મળી હતી કે, ત્રણેક શખસો એક કારમાં ડ્રગ્સનો મોટો જથ્થો ગુજરાતમાં ઘૂસાડવાના છે. જે માહિતીના આધારે સુરત અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે (Ahmedabad Crime Branch) સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. દિલ્હી પાસિંગની એક કારને અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ-વે પાસેના CTM ટોલનાકા ખાતે ક્રાઈમ બ્રાંચની ટીમોએ આંતરી કારની તલાશી લીધી હતી. તલાશી દરમિયાન 4.531 કિલો હેરોઇન અને 2.497 કિલો MD ડ્ર્ગ્સ (કુલ કિંમત 25.50 કરોડ) મળી આવતા તિફેલ નોખેજ (ઉં. 44), કફીલ અહેમદ (ઉ.59 બંને રહે. નવી દિલ્હી) અને મોહમ્મદ ઈમરાન અલ્વી (ઉં. 38 રહે. મેરઠ, UP) ને અટકમાં લેવાયા હતા. આ ત્રણેય શખસો સહિત અન્ય સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
પકડાયેલા આરોપીઓમાં તિફેલ વર્ષ 2014માં અમૃતસરમાં 100 ગ્રામ હેરોઇન અને વર્ષ 2019માં 300 કિલો હેરોઇનની દાણચોરીમાં પાયલોટિંગ કરવાના ગંભીર ગુનાનો આરોપી છે. કફીલ અહેમદ ભૂતકાળમાં જયપુરમાં 18.5 કિલો ચરસ, અમદાવાદમાં 100 ગ્રામ MD અને રાજસ્થાનમાં પેરોલ પર છૂટતી વખતે 3 કિલો એલ્પાઝોલમ સાથે પકડાયાનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જ્યારે મોહમ્મદ ઈમરાન અલ્વી છેડતી, માનવ તસ્કરી અને છેતરપિંડી જેવા અન્ય ગુનાઓ આચરી ચૂક્યો છે.








