Thursday, October 22, 2026
HomeGujaratગુજરાતમાં માતૃત્વ સહાય માટે મહિલાઓના ધક્કા: આધાર, બેંક ખાતાં અને પોર્ટલની ખામીઓથી...

ગુજરાતમાં માતૃત્વ સહાય માટે મહિલાઓના ધક્કા: આધાર, બેંક ખાતાં અને પોર્ટલની ખામીઓથી અરજીઓ નામંજૂર: સર્વેક્ષણ

- Advertisement -

Gujarat Maternity Benefits PMMVY JSY Survey : ગુજરાતમાં સગર્ભા મહિલાઓને કેન્દ્ર સરકારની બે મહત્ત્વની યોજનાઓનો લાભ મેળવવામાં દસ્તાવેજોની અડચણો અને ટેક્નિકલ ખામીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના (PMMVY) અને જનની સુરક્ષા યોજના (JSY) હેઠળ મળતી આર્થિક સહાય મેળવવામાં મહિલાઓને પડતી મુશ્કેલીઓ અંગે રાઇટ ટુ ફૂડ કેમ્પેઇનની ગુજરાત એકમ અને અન્ન સુરક્ષા અધિકાર અભિયાન-ગુજરાતે સર્વેક્ષણ કર્યું હતું. જૂન અને જુલાઈ 2026 દરમિયાન નવ જિલ્લાઓમાં આશા વર્કર, સહાયક નર્સ મિડવાઇફ (ANM) અને આંગણવાડી કાર્યકરો સહિત 28 લોકો સાથે વાતચીત કરીને આ તારણો રજૂ કરવામાં આવ્યાં હતાં.

સર્વેક્ષણમાં આધાર કાર્ડ ન હોવું અથવા જૂનું થઈ જવું, બેંક ખાતાં સંબંધિત સમસ્યાઓ, અલગ-અલગ દસ્તાવેજોમાં નામની વિસંગતતા અને જરૂરી કાગળો એકત્ર કરવામાં પડતી મુશ્કેલીઓને મુખ્ય અવરોધ ગણાવવામાં આવ્યા હતા. સર્વેમાં સામેલ 28માંથી 13 કાર્યકરોએ આધાર કાર્ડની સમસ્યાને મુખ્ય મુશ્કેલી ગણાવી હતી, જ્યારે 12-12 કાર્યકરોએ બેંક ખાતાંની ખામીઓ, જરૂરી દસ્તાવેજોની અછત અને અલગ-અલગ રેકોર્ડમાં નામ ન મળવાની સમસ્યાનો ઉલ્લેખ કર્યો હતો. નબળું ઇન્ટરનેટ, ઓટીપી ન આવવો કે કામ ન કરવો, સર્વર બંધ થવું અને સરકારી પોર્ટલમાં ટેક્નિકલ ભૂલોને કારણે પણ અરજીઓની પ્રક્રિયામાં વિલંબ થતો હોવાનું સર્વેક્ષણમાં જણાવાયું છે.

- Advertisement -

આ સર્વેક્ષણમાં દાહોદ, પંચમહાલ, સાબરકાંઠા અને બનાસકાંઠા સહિત નવ જિલ્લાઓનો સમાવેશ થયો હતો. અન્ય જિલ્લાઓમાં મોરબી, ભાવનગર, વડોદરા, સુરેન્દ્રનગર અને પાટણનો સમાવેશ થાય છે. સર્વેમાં સામેલ દસ કાર્યકરોએ જણાવ્યું હતું કે યોજનાઓ અંગે પરિવારોમાં પૂરતી જાણકારી ન હોવાને કારણે પણ મહિલાઓ સહાયથી વંચિત રહી જાય છે. સાત કાર્યકરોએ સ્થળાંતરને કારણે અરજીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં મુશ્કેલી પડતી હોવાનું જણાવ્યું હતું. અન્ન સુરક્ષા અધિકાર અભિયાન-ગુજરાતનાં સેજલ દાંડના જણાવ્યા મુજબ, મહિલાઓને યોજનાનો લાભ અપાવવામાં મદદ કરતા જ પાયાના કાર્યકરોને પણ પ્રોત્સાહન રકમની ચુકવણીમાં વિલંબ થાય છે અથવા કેટલીકવાર ચુકવણી મળતી નથી.

અરજી ભરવાની પ્રક્રિયા સરળ હોવા છતાં મંજૂરી મેળવવી સહેલી નથી, એવું સર્વેક્ષણના તારણો દર્શાવે છે. 13 કાર્યકરોએ જણાવ્યું હતું કે તેઓ દર મહિને એક કે બે અરજીઓ નામંજૂર થતી જુએ છે, જ્યારે પાંચ કાર્યકરોએ દર મહિને ત્રણથી પાંચ અરજીઓ નામંજૂર થતી હોવાનું કહ્યું હતું. એક કાર્યકરે દર મહિને પાંચથી વધુ અરજીઓ નકારાતી હોવાની માહિતી આપી હતી. બીજી તરફ, આઠ કાર્યકરોએ જણાવ્યું હતું કે તેમની કોઈ અરજી નામંજૂર થઈ નથી. સર્વેમાં 16 કાર્યકરોએ ઓનલાઇન પ્રક્રિયાને સરળ અથવા ખૂબ સરળ ગણાવી હતી, જ્યારે 12 કાર્યકરોએ તેને મુશ્કેલ અથવા ખૂબ મુશ્કેલ ગણાવી હતી. આમ, અરજી ઝડપથી ભરાઈ જાય તેનાથી સહાય મંજૂર થવાની ખાતરી મળતી નથી.

રિપોર્ટમાં યોજનાઓનો લાભ ખરેખર પાત્ર મહિલાઓ સુધી પહોંચે તે માટે દસ્તાવેજી અડચણો દૂર કરવા, યોજનાઓ અંગે પરિવારોમાં જાગૃતિ વધારવા અને અરજી નામંજૂર થવાની પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવાની ભલામણ કરવામાં આવી છે. સાથે જ પાયાના કાર્યકરોને સમયસર પ્રોત્સાહન રકમ ચૂકવવા, આંગણવાડી કેન્દ્રો માટે પૂરતું ભંડોળ, માળખાકીય સુવિધાઓ અને કર્મચારીઓ ઉપલબ્ધ કરાવવા પર ભાર મૂકાયો છે. અભિયાને તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ સુધી પીએમ પોષણ યોજના વિસ્તારવાની, આંગણવાડીઓમાં પૂરક પોષણ હેઠળ ઈંડાં અને દૂધ આપવાની તથા દૂરના વિસ્તારોમાં નવા આંગણવાડી કેન્દ્રો શરૂ કરવાની પણ માંગ કરી છે. આંગણવાડી કાર્યકરો અને સહાયિકાઓને નિયમિત કર્મચારીનો દરજ્જો, યોગ્ય વેતન અને સામાજિક સુરક્ષા સુવિધાઓ આપવાની માગણી પણ કરવામાં આવી છે. (અહેવાલઃ દ વાયર)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular