Wednesday, December 11, 2024
HomeGujaratAhmedabadજસપ્રિત બુમરાહની જાદુઈ બોલિંગનું રહસ્ય શું છે?

જસપ્રિત બુમરાહની જાદુઈ બોલિંગનું રહસ્ય શું છે?

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ઇન્ડિયા 20ટ્વેન્ટી વર્લ્ડ ચેમ્પિયન (ICC Men’s T20 World Cup) બન્યું, અને હવે તેની સફળતાની કહાનીઓ બયાન થઈ રહી છે, પરંતુ આ કહાનીમાં સૌકોઈ જે ખેલાડીનું નામ લઈ રહ્યું છે; તે જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) છે. વર્લ્ડ કપ ટીમ ઇન્ડિયાએ (Indian Team)જીત્યો છે અને તેમાં એકેએક ખેલાડીનું યોગદાન છે, પરંતુ ટીમ ઇન્ડિયા જ્યારે-જ્યારે કટોકટીમાં આવી ત્યારે જસપ્રિત બુમરાહે પૂરી ટુર્નામેન્ટ દરમિયાન ટીમ કે ફેન્સને નિરાશ કર્યા નથી. વર્લ્ડ ક્રિકેટમાં જસપ્રિત બુમરાહનો ડંકો વાગી રહ્યો છે અને તેની આ જાદુઈ બોલિંગનું રહસ્ય શું છે તેનો અભ્યાસ હરિફો સતત કરતાં હોવા છતાં ઓન-ગ્રાઉન્ડ તેનો જવાબ વાળવામાં બેટ્સમેનો નિષ્ફળ જાય છે. 20ટ્વેન્ટી વર્લ્ડકપમાં જસપ્રિતને ‘પ્લેયર ઑફ ટુર્નામેન્ટ’નો ખિતાબ મળ્યો છે. તેની બોલિંગના આંકડા જોઈએ તો તે 20ટ્વેન્ટી નહીં, પણ તે આજકાલની વન-ડેના પણ નથી લાગતા. પંદર વિકેટ ઉપરાંત સૌથી કિફાયતી બોલિંગ બુમરાહે કરી છે. ઓવરદીઠ બુમરાહે માત્ર ચાર રન આપ્યા છે! આ આંકડો અદ્વિતિય છે અને એટલે પણ બુમરાહની વાહવાહી થઈ રહી છે.

Jasprit Bumrah Ahmdabad
Jasprit Bumrah Ahmdabad

અમદાવાદમાં શીખ પરિવારમાં જન્મેલો જસપ્રિતની ક્રિકેટ કારકિર્દી અહીંની જ નિર્માણ સ્કૂલથી શરૂ થઈ અને તે પછી આ સફર આગળ વધતી ગઈ. આજે બુમરાહની બોલિંગ એક્શન પર ક્રિકેટની દુનિયા ઓળઘોળ થઈ રહી છે, તે એક્શનના જ કારણે એક સમયે તે ‘ગુજરાત ક્રિકેટ એસોશિએશન’ના અન્ડર-19ના ટીમમાંથી બહાર રહ્યો હતો. ડોમેસ્ટિક ક્રિકેટમાં સરેરાશ દેખાવથી બુમરાહનો પ્રવેશ થયો, પરંતુ તેની સાચી પ્રતિભા પારખનારા ઇન્ડિયન ક્રિકેટ ટીમના પૂર્વ કોચ જોહન રાઇટ હતા. 2013માં રમાયેલી ‘આઈપીએલ’માં મુંબઈ ઇન્ડિયન્સના હેડ કોચ જોન રાઇટ હતા. તેમણે નેટમાં બુમરાહની બોલિંગ જોઈ અને રાઇટ તેનાથી ઇમ્પ્રેસ થયા. તત્કાલ મુંબઈ ઇન્ડિયન્સે બુમરાહને સાઇન કર્યો. એ પછી ક્રિકેટ ગ્રાઉન્ડ્સ પર બુમરાહ ઇતિહાસ બનાવતો ગયો.

- Advertisement -
Jasprit Bumrah
Jasprit Bumrah

ક્રિકેટનું ઝનૂન આપણે ત્યાં સદી ઉપરાંતથી બરકરાર રહ્યું છે અને તેનો મહત્ત્વનો હિસ્સો બેટ્સમેનને ફાળે ગયો છે. ઇન્ડિયન ક્રિકેટ ટીમ પહેલાંથી શ્રેષ્ઠ બેટ્સમેન માટે ઓળખાતી આવી છે. કપિલ દેવ, અનિલ કુમ્બલે, આર. અશ્વિન, ઝાહિર ખાન, ઇશાંત શર્મા, હરભજનસિંઘ અને અન્ય અનેક બોલર્સ ઇન્ડિયન ક્રિકેટ ટીમ વતી રમ્યા, પણ બેટ્સમેનોમાં જે ખોફ બુમરાહએ ઊભો કર્યો છે, તેવું અગાઉ ક્યારેય ઇન્ડિયન બોલર્સથી થયું નહોતું. એટલે જ તો વિશ્વના એક સમયના મહાન બોલર અને હાલમાં કોમેન્ટરી કરનારા વસીમ અકરમે 2019માં જ કહી દીધું હતું કે, ઇન્ટરનેશન ક્રિકેટમાં હાલમાં રમી રહેલાં બોલર્સમાં બુમરાહ સૌથી શ્રેષ્ઠ અને ઇફેક્ટિવ યોર્કર નાંખવામાં સક્ષમ છે. 20ટ્વેન્ટી વર્લ્ડ કપ પછી ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ વોઘનને વ્હાઇટ બોલ માટે સૌથી શ્રેષ્ઠ બોલર ગણાવ્યો છે. પછી વોઘને ઉમેર્યું કે, ‘મને જો પૂછવામાં આવે કે શ્રેષ્ઠ સીમ બોલર કોણ છે. તું હું જાણું છું કે વસીમ અકરમ સ્પેશિયલ છે, અને સિવાય પણ ઘણાંનો ઉલ્લેખ કરી શકાય, પરંતુ બુમરાહ એક્શન મને અદ્વિતિય લાગે છે અને તેની પાસે ગતિ પણ છે. ઉપરાંત તેની પાસે જુદી જુદી સ્કીલ સેટ્સ છે અને હંમેશા તેના પર દબાણ હોય છે. માત્ર વર્લ્ડ કપની બે-ત્રણ મેચની વાત નથી. મોટા ભાગની મેચમાં એવું હોય છે. ઓસ્ટ્રેલિયા સામેની મેચની જ વાત લઈ લો ને. ટ્રેવિસ હેડે પાવરપ્લે દરમિયાન બુમરાહને ફટકાર્યો, પરંતુ ઇનિંગ્સમાં મોડે તેણે એક સ્લોવર બોલ પર ટ્રેવિસ હેડને આઉટ કરીને ઇન્ડિયાને ફરી ગેમમાં લાવી આપી. જો તેની પાસે એક ઓવર છે, તેમ છતાં તે પૂરતી સ્કીલનો ઉપયોગ કરે છે. તેને કેવી રીતે રમવો અને કેવી રીતે તેના બોલે રન મારવા, તે અંગે મને કશુંય સૂઝતું નથી. ઘણાંએ તેની બોલિંગમાં રન મારવાના પ્રયાસ કર્યા છે, પરંતુ તેઓ સફળ થયા નથી. તે જિનિયસ છે.’

Jasprit Bumrah Cricketer
Jasprit Bumrah Cricketer

બુમરાહના નામે આજે જે સફળતા લખાઈ રહી છે, તેની પાછળ પરિશ્રમ તો હોય જ, પણ નિષ્ફળતાય હતી. 2016નો ભારતમાં રમાયેલો ટ્વેન્ટી વર્લ્ડ કપમાં તેમાંનો એક હતો. આ વર્લ્ડકપની બાંગ્લાદેશ સિવાયની તમામ મેચમાં બુમરાહને વિકેટ મળી હતી. પરંતુ સેમિફાઈનલમાં બુમરાહનું પર્ફોમન્સ ખૂબ ખરાબ રહ્યું. ક્રિસ ગેઇલની વિકેટ લીધી હોવા છતાં બુમરાહે ચાર ઓવરમાં 42 રન આપ્યા હતા. આ મેચ ભારત હાર્યું હતું અને પૂરા ટુર્નામેન્ટ દરમિયાન તેની ઓવરમાં રન આપવાની સરેરાશન 7.65 રહી હતી. એ રીતે છેલ્લા આઠ વર્ષમાં બુમરાહનું 20ટ્વેન્ટી ગેમમાં પ્રદર્શન સતત સુધરતું ગયું. બુમરાહને આજે 20ટ્વેન્ટીના બોલિંગ બાદશાહ તરીકે ઓળખાય છે, પરંતુ વન-ડે અને ટેસ્ટ મેચમાં પણ ટીમ ઇન્ડિયાનો તે હુકમનું પત્તું બની ચૂક્યો છે. 36 ટેસ્ટ મેચમાં તેની વિકેટ 159 છે અને 89 વનડેમાં વિકેટનો આંકડો 149એ પહોંચ્યો છે. ટેસ્ટ અને વનડેમાં પણ તેના નામે રેકોર્ડ બન્યા છે. જેમ કે, ટેસ્ટ ક્રિકેટમાં ભારત વતી સૌથી ફાસ્ટેટ દોઢસો વિકેટ ઝડપનારો બુમરાહ છે અને વનડેમાં સો વિકેટ ઝડપથી પાર કરનારો તે બીજા ક્રમનો બોલર છે. આશ્ચર્યની વાત એ છે કે આઈસીસી પ્લેયર રેકિંગમાં બુમરાહ એક માત્ર એવો બોલર છે, જે ક્રિકેટના ત્રણે-ત્રણ ફોર્મેટમાં અવ્વલ રહી ચૂક્યો છે. એટલું જ નહીં ટેસ્ટ મેચમાં બેટિંગની બાબતમાં એક રસપ્રદ રેકોર્ડ બુમરાહના નામે છે. 2022ની બર્મિંગહામ ટેસ્ટ મેચમાં સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં બુમરાહે 35 રન માર્યા હતા. આ ઓવરમાં ઇંગ્લેન્ડના લિજેન્ડ બોલર સ્ટુઅર્ડ બ્રોડને ચાર ફોર અને બે સિક્સ બુમરાહે ફટકારી હતી. એ પછીનો રેકોર્ડ બ્રાયન લારાનો છે. બ્રાયન લારાએ આ રીતે સાઉથ આફ્રિકાના રોબિન પિટરસનની બોલિંગમાં 28 રન માર્યા હતા. અત્યારે એ રીતે બુમરાહનો રેકોર્ડ શાશ્વત ટકશે તેમ લાગે છે.

બુમરાહની મળેલી સફળતાથી તેની તમામ વિશેષતાઓને જોવાનો પ્રયાસ ક્રિકેટ એક્સપર્ટ કરી રહ્યા છે. પરંતુ તેનામાં એક બાબત સૌ કોઈ જોઈ શકે છે અને તે છે કે તેણે ક્યારેય વિકેટ લીધા પછી ભાગ્યે જ આક્રમક રીતે વર્ત્યો હોય. ક્રિકેટમાં ફાસ્ટ બોલરનું એક એગ્રેસન હોય છે, જે તેના વ્યક્તિત્વમાં પણ જોવા મળે. પરંતુ બુમરાહ એ રીતે શાંત લાગી શકે, તેની આક્રમકતા તેની બોલિંગમાં જોવા મળે છે. શરૂઆતમાં જ્યારે બોલ સીમ થતો હોય ત્યારે તેને રમવો સૌથી પડકારભર્યું છે. ફાઇનલમાં પ્રથમ જ ઓવરમાં તેણે રીઝા હેન્ડ્રીકને બોલ્ડ કર્યો તે અનપ્લેયબલ બોલ હતો. માર્કો જેન્સનને પણ કટોકટીના સમયે બોલ્ડ કરીને બુમરાહે ટીમને જીત તરફ દોરી ગયો. 2023ના વન ડે વર્લ્ડ કપમાં પણ બુમરાહનું પર્ફોમન્સ અનબિલિવબલ રહ્યું હતું. પૂરા ટુર્નામેન્ટ દરમિયાન તે સૌથી વધુ વિકેટ લેનારો બોલર બન્યો હતો. 2019માં સચિન તેન્ડુલકર કહ્યું હતું કે બુમરાહ હાલનો દુનિયાનો શ્રેષ્ઠ બોલર છે અને હજુય તેનું બેસ્ટ આપશે. આ બેસ્ટ પર્ફોમન્સ 20ટ્વેન્ટી વર્લ્ડ કપમાં જોવા મળ્યું. એ રીતે ઓસ્ટ્રેલિયાના મહાન ફાસ્ટ બોલર ડેનિસ લીલીએ પણ બુમરાહની બોલિંગ જોતા નોધ્યું હતું કે, ‘જસપ્રિત બુમરાહ ખૂબ રસપ્રદ રીતે બોલિંગ કરે છે. તે ખૂબ ટૂકું રન-અપ લે છે. તેના હાથ સીધા જાય છે. તેની બોલિંગ કોઈ પણ રીતે ટેક્સબુકમાં જોવા ન મળે. તે અન્ય ફાસ્ટ બોલર કરતાં ખાસ્સો વેગળો છે. તે મારા યુગના જેફ થોમસનની યાદ અપાવે છે, જે અન્ય બોલર કરતાં ખાસ્સો અલગ હતો. આ રીતે દુનિયાભરના અચ્છા અચ્છા ખેલાડીઓની બુમરાહને પ્રશંસા મળી છે. જોકે બુમરાહ પોતે કોનો પ્રશંસક છે તે પણ જાણવું રહ્યું. તેણે એક વખત કહ્યું હતું કે, ‘મારા ફેવરિટ બોલર્સમાં મિશેલ જોહસન, વસિમ અકરમ અને બ્રેટ લી છે. હું તેમના વિડિયો જોઈને ઘણું શીખું છું. હું જોહસન અને મલિંગા પાસેથી પણ ઘણું શીખ્યો છું. એ તમામ આંતરરાષ્ટ્રિય બોલર પાસેથી હું ઘણું શીખ્યો છું.’ ક્રિકેટ હોય કે કોઈ પણ અન્ય ક્ષેત્ર શીખવું એ જ તમને ટકાવી શકે છે, પરંતુ બુમરાહની ખાસિયત એ છે કે તે ઝડપભેર શીખીને ખૂબ આગળ વધીને વર્લ્ડનો નંબર વન બોલર બન્યો છે.

- Advertisement -

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular