Monday, January 20, 2025
HomeGujaratAhmedabadહિંદુજા ગ્રૂપ : સંપત્તિમાં અવ્વલ ગ્રૂપ વિવાદમાંય પાછળ નથી

હિંદુજા ગ્રૂપ : સંપત્તિમાં અવ્વલ ગ્રૂપ વિવાદમાંય પાછળ નથી

- Advertisement -

કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): આંતરરાષ્ટ્રિય મીડિયામાં અને ખાસ કરીને યુરોપમાં અત્યારે હિંદુજા પરીવાર ફરી એક વિવાદના ચર્ચામાં ઘેરાયું છે. હિંદુજા પરિવાર ‘હિંદુજા ગ્રૂપ’ની (Hinduja Group) માલિકી ધરાવે છે અને હાલમાં તેઓ અનેક બિઝનેસમાં છે. મુખ્યત્વે બેંકિગ, ફાઇનાન્સ, ઓટોમોટિવ અને ઇંધણ. તદ્ઉપરાંત હવે આ પરિવાર સાયબર સિક્યૂરિટી, હેલ્થકેર, ટ્રેડિંગ, ઇન્ફ્રાસ્ટ્ર્કચર અને મીડિયામાં પણ એક્ટિવ છે. હિંદુજા પરિવારની નેટવર્થ ડોલરમાં 32 બિલિયન છે અને એ રીતે તેઓ બ્રિટનના સૌથી શ્રીમંત પરિવારોમાં સ્થાન આવે છે. એક સદી ઉપર સમયથી સ્થપાયેલાં હિંદુજા ગ્રૂપ બિઝનેસમાં તેમની અદ્વિતિય સફળતા માટે જાણીતું છે, પરંતુ હાલમાં તેમના પર જે આરોપ લાગ્યો છે તેનાથી તેમની શ્રીમંતાઈ ધૂળધાણી થઈ ચૂકી છે. વાત એમ છે કે હિંદુજા પરિવારમાંથી એક ભાઈ સ્વિઝર્લેન્ડના તેમના ઘરમાં કામ કરી રહેલાં લોકોનાં શોષણ કરવાનો આરોપ લાગ્યો છે; અને હવે વાત ત્યાં સુધી પહોંચી છે કે પરિવારના ઓછામાં ઓછા ચાર સભ્યોને તેની સજા થવા જઈ રહી છે. આ પૂરો કેસ સ્વિઝર્લેન્ડની અદાલતમાં ચાલ્યો હતો અને તેમાં હિંદુજા પરિવારના પ્રકાશ હિંદુજા અને તેમની પત્ની કમલ હિંદુજા, તેમના દીકરા અજય અને પુત્રવધુ નમ્રતા પર આ રીતે ઘરકામ કરવાના શોષણનો આરોપ છે.

Hinduja Group
Hinduja Group

હિંદુજા ગ્રૂપ શરૂ થયું હતું 1914માં અને તે વખતે તેનું હેડક્વાર્ટર મુંબઈ અને તત્કાલિન પાકિસ્તાનના શિખરપુરમાં હતું. આ કંપનીનો બિઝનેસ ઇરાનમાં પણ ઠીકઠીક ચાલતો હતો. પરંતુ 1980ના અરસામાં ઇસ્લામિક ક્રાંતિ થઈ ત્યારે હિંદુજા પરિવાર પોતાનો પૂરેપૂરો બિઝનેસ સમેટીને યુરોપ લઈ ગયા. એટલે તેમના મૂળીયા ભારતીય હોવા છતાં તેમની ઓળખ ભારતીય તરીકેની પ્રસ્થાપિત થતી નથી. અને હાલમાં આ ગ્રૂપના પ્રકાશ હિંદુજા પર આરોપ લાગ્યો છે તેમણે તેમની કંપનીનું મુખ્યાલય સ્વીઝર્લેન્ડના જિનેવામાં સ્થાપ્યું હતું. આમ પૂરા દુનિયાભરમાં તેમનો બિઝનેસ છે. મુંબઈમાં આજે પણ હિંદુજા ગ્રૂપનું એક મુખ્યાલય કાર્યરત છે. આ ગ્રૂપના સર્વેસર્વા કહી શકાય એવાં ત્રણ વ્યક્તિ છે, તેમાં એક છે શ્રીચંદ હિંદુજા જેઓ ગ્રૂપના ચેરમેન હતા અને તેમનું અવસાન ગત્ વર્ષે થયું છે. બીજા છે શ્રીંચદના નાના ભાઈ ગોપિચંદ કો-ચેરમેન છે, જેઓ પણ નિવૃત્તિના આરે છે અને ત્રીજા સૌથી નાના ભાઈ એટલે પ્રકાશ હિંદુજા. તેઓ સ્વિસ નાગરિકતા ધરાવે છે અને પોતાનો બિઝનેસ ત્યાંથી જ ઓપરેટ કરે છે. આ ગ્રૂપમાં હાલમાં બે લાખથી વધુ કર્મચારીઓ કામ કરે છે. પરંતુ બિઝનેસ અલગ-અલગ ભાઈઓ વચ્ચે વહેંચાયેલો છે. સ્વાભાવિક છે કે આટલાં વર્ષનો બિઝનેસ વારસો અને સમૃદ્ધિએ તેમને નામના અપાવી, ઘણાં સન્માન અપાવ્યા, પરંતુ તે સાથે આ ગ્રૂપ વિવાદમાં પણ ઘેરાયેલું રહ્યું છે, તેમાં એક એટલે 1986માં થયેલો બોફોર્સ કાંડ. તે વખતે વડા પ્રધાન પદે રાજીવ ગાંધી હતા. રાજીવ ગાંધી કાર્યકાળ દરમિયાન સ્વિડન એ. બી. બોફોર્સ કંપની સાથે 1437 કરોડની હોવિત્ઝર ગન ખરીદવાનો ભારત સરકાર કરાર કર્યો હતો. શસ્ત્રો ખરીદવામાં આ રીતે કરાર થાય છે, પરંતુ આ ડિલ થયા પછી એકાએક સ્વિડીશ રેડિયો પર એવાં ન્યૂઝ આવે છે કે એ. બી. બોફોર્સ કંપનીએ ભારતના ઉચ્ચ પદ પર બિરાજેલા એક નેતા અને રક્ષા મંત્રાલયના અધિકારીઓને ડિલ માટે નાણાં આપ્યા છે. આ ખબર રેડિયો પર આવતાં જ દેશમાં તેનો પડઘો પડ્યો. ‘સીબીઆઈ’ તપાસ શરૂ થઈ અને તેમાં ડિલમાં મધ્યસ્થી કરનારાં હિંદુજાભાઈઓનું નામ ખૂલ્યું. પછી તો મીડિયામાં હિંદુજાભાઈઓની સ્ટોરી અવારનવાર ચમકતી રહી અને 2005માં જ્યાં સુધી તેમનું નામ દિલ્હી હાઇકોર્ટે કાઢી ન નાંખ્યું, ત્યાં સુધી બોફાર્સ ડિલમાં તેમનું નામ ગાજતું રહ્યું. હિંદુજા ગ્રૂપને આ કારણે નામોશી ઝિલવી પડી અને ધંધો પણ ખોવો પડ્યો. પરંતુ બિઝનેસમાં પાવરધા તેઓ ફરી ઊંચાઈ હાંસલ કરી.

- Advertisement -
Hinduja Group Family
Hinduja Group Family

હિંદુજા ગ્રૂપ અત્યાર સુધી તેમના સ્થાપક પરમાનંદ હિંદુજાના નામે એવો દાવો કરતું આવ્યું છે કે, ‘અમારો ધર્મ કાર્ય છે, જેથી અમે સમાજને પાછું વળતર આપી શકીએ.’ પરંતુ આ ધર્મ નિભાવવામાં ગ્રૂપની ચૂક થઈ છે, વિશેષ કરીને અત્યારે જે મુદ્દો પ્રકાશમાં આવ્યો છે તે અંગે. મુદ્દો એમ છે કે સ્વિઝર્લેન્ડમાં પ્રકાશ હિંદુજાનો જે બંગલો છે, તેમાં ઘરનું કામ કરનારાં અનેક લોકો છે. આમાંથી ઘણાં કર્મચારીઓને ગેરકાયદેસર રીતે લાવીને અહીં કામ પર રાખવામાં આવ્યા છે. આશ્ચર્ય તો એ છે કે તેઓ પાસેથી દિવસના 18-18 કામ લેવાતું રહ્યું. સ્વિઝર્લેન્ડમાં આ રીતે ઘરકામ કરનારાં અંગે કાયદા છે. કાયદામાં તેમનું ન્યૂનત્તમ વેતન પણ દર્શાવવામાં આવ્યું છે. આ નિયમ ન પાળવામાં આવે તો અચ્છા-અચ્છા લોકોને જેલભેગા કરવામાં સ્વિઝર્લેન્ડ સરકાર પાછી પાની કરતી નથી. પરંતુ પ્રકાશ હિંદુજા અને તેમનો પરિવાર બંગલામાં થઈ રહેલાં આ પૂરા કાંડને ચલાવતાં રહ્યાં, તેમને લાગ્યું કે બંગલામાં કામ કરનારાંની ફરિયાદનો સૂર બહાર સુધી કેવી રીતે પહોંચશે. ગજા બહારનું કામ તો તેઓ કરાવતાં જ, પણ ન્યૂનત્તમ વેતન કરતાં દસમા ભાગનું વેતન તેઓ કામદારોને ચૂકવતા. આવું કામ કરવા માટે કોઈ સ્વિઝર્લેન્ડના નિવાસી તો તૈયાર થાય નહીં, એટલે ગેરકાયદેસ રીતે ભારતમાંથી લોકોને લઈ જવામાં આવ્યા. જોકે હવે ગેરકાયદેસર ભારતીયોને સ્વિઝર્લેન્ડ લાવવાના કેસના આરોપમાંથી પરિવારને મુકિત મળી છે, પરંતુ શોષણના મુદ્દે પ્રકાશ તેમના પત્ની, દીકરા અને પુત્રવધુને દોષી ગણવામાં આવ્યા છે. આ તમામને ચાર-ચાર વર્ષની સજા કરવામાં આવી છે. સજા થયા છતાં હજુ પણ હિંદુજા પરિવારમાંથી કોઈની ધરપકડ થઈ નથી. પરિવાર વતી લડનારાં વકીલો એવાં પ્રયાસમાં છે કે કોઈ પણ ભોગે પરિવારમાંથી કોઈને જેલની સજા ન થાય. એટલે તેઓ ઉપલી કોર્ટમાં અપીલ કરી છે.

પરિવારની વાત જ્યારે મીડિયામાં આવે ત્યારે તેમાં માત્ર આરોપોની વિગત બહાર નથી આવતી, કેસ સાથે કોઈ સીધો સંબંધ ન ધરાવતી વાતો પણ મીડિયામાં પ્રકાશિત થાય છે. આ રીતે હિંદુજા પરિવાર પર એક ફરિયાદીએ એવો આરોપ પણ લગાવ્યો છે કે કામદારોને ચૂકવણીને મામલે શોષણ કરતો આ પરિવાર તેમના કુતરાઓ પર ગજા બહારનો ખર્ચ કરતા હતા. એક અંદાજ મુજબ હિંદુજા પરિવારના એક કુતરાનો સરેરાશ વાર્ષિક ખર્ચ દસ હજાર અમેરિકી ડોલર હતો. ફરિયાદીઓ એ પણ આરોપ મૂકે છે કે સ્વિઝર્લેન્ડમાં કામ કરતાં હોવા છતાં તેમને વેતન રૂપિયા મળતું હતું. આ તો થયો ફરિયાદીઓનો પક્ષ. હિંદુજા પરિવાર વતી દલીલ કરનારાં વકીલો મુજબ આ કામદારોને પૂરતી સગવડ આપવામાં આવી હતી. અને તેમને કામના કલાકો દરમિયાન આવવા-જવા અંગેની કોઈ રોકટોક નહોતી. મતલબ તેમનું કહેવું છે કે તેમણે નાણાંના અવેજમાં સગવડ અને સ્વતંત્રતા આપી હતી.

હિંદુજા પરિવાર બાહ્ય વિવાદ તો સાથે જ રહ્યો છે. તદ્ઉપરાંત આંતરિક પારિવારિક વિખવાદ પણ વર્ષોથી ચાલી રહ્યો છે. 2014માં હિંદુજા ગ્રૂપના સંસ્થાપકના ચાર દીકરા શ્રીચંદ, ગોપીચંદ, પ્રકાશ અને અશોક વચ્ચે એવી સમજૂતી થઈ કે એક જ ભાઈના નામ પર પૂરી સંપત્તિ હોવા છતાં તેના માલિકી એક જ ભાઈ ન ધરાવે, બલકે ગ્રૂપની સંપત્તિ પર સૌ ભાઈઓનો અધિકાર છે. આ સમજૂતી થઈ અને એના એક જ વર્ષમાં સૌથી મોટા ભાઈ શ્રીચંદે ‘હિંદુજા બેન્ક ઓફ સ્વિઝર્લેન્ડ’ પર એકલાની માલિકી છે તેનો દાવો કર્યો. આ વિવાદમાં બાકીના ત્રણેય ભાઈઓએ શ્રીચંદ પર કેસ કર્યો. તે પછી આ કેસ લંડનની ‘કોર્ટ ઓફ પ્રોટેક્શન’માં ચાલી રહ્યો હતો. આ દરમિયાન મોટા ભાઈ શ્રીચંદને ભૂલવાની બીમારી વળગી અને તેમણે પોતાની પાવર ઓફ એટર્ની દીકરી વીનુને સોંપી દીધી. તે પછી પણ કેસ પાંચ વર્ષ સુધી કોર્ટમાં ચાલતો રહ્યો. આખરે શ્રીચંદના અવસાન બાદ તેમાં સમાધાન થયું.

- Advertisement -

હિંદુજા પરિવાર બ્રિટનનાં સમૃદ્ધ કુટુંબમાં એક છે. આશરે 34 દેશોમાં તેમનો વેપાર છે. તેમને બિઝનેસમાં મળેલી સફળતા અદ્વિતિય છે. હિંદુજા ગ્રૂપના દાખલા પરથી એટલું કહી શકાય કે સંપત્તિ દર વખતે શાંતિ-સમૃદ્ધિ લઈને નથી આવતી.

પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો

  1. અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
  2. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  3. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  4. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  5. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  6. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  7. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular