નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: Fake PSI Case: કરાઈ એકેડમીમાં (Karai Academy)પરિક્ષા પાસ થયા વગર જ નકલી કાગળના આધારે પી.એસ.આઈ. (PSI recruitment Scam) તરીકે પહોંચી ગયેલા મયુર તડવીનો મુદ્દો આજે વિધાનસભામાં (Gujarat Assembly) ગાજ્યો હતો. પરંતુ સત્તા પક્ષ ભાજપ આ મુદ્દે લાજવાને બદલે ગાજતો જોવા મળ્યો છે. કારણ આજરોજ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને પ્લેકાર્ડ સાથે વિરોધ પ્રદર્શન કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
યુવરાજસિંહે કરાઈ એકેડમીમાં નકલી કાગળ રજૂ કરી પી.એસ.આઈ.ની ભરતીમાં ઘુસી ગયાનો ઘટસ્ફોટ કરતા ચકચાર જાગી ગઈ હતી. આ મામલે યુવરાજસિંહે આક્ષેપ કર્યો હતો કે આરોપી મયુર તડવી કોઈ અધિકારીના કારણે આ કામ પાર પાડવામાં સફળ રહ્યો છે. સાથે જ તેમણે આક્ષેપ લગાવ્યો હતો કે રૂપિયા 40થી 50 લાખ ચૂકવી આ પ્રકારે 10 જેટલા વ્યક્તિ પી.એસ.આઈ. બની ગયા છે. પરંતુ આ મામલે ગતરોજ કરાઈ એકેડમી દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવી હતી કે તેઓ આ મામલે અગાઉથી જ તપાસ કરી રહ્યા હતા અને ખાનગી રાહે તપાસ કરી આરોપીઓ સુધી પહોંચવા પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે આ મામલો વિધાનસભા ગૃહમાં ગુંજ્યો છે અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો દ્વારા પ્લેકાર્ડ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. વિઘાનસભામાં વિપક્ષે નકલી પી.એસ.આઈ. મામલે સરકારનો ઉધડો લીધો હતો અને કહ્યું હતું કે, ‘પહેલા 13 પેપરલીકં કાંડ અને હવે 14મું ભરતીકાંડ.’
ભારે હંગામા વચ્ચે વિધાનસભા ગૃહમાં રાજ્ય સરકાર ભીંસમાં આવતી જોવા મળી હતી. ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને આજના દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ બાબતે ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણીએ મીડિયાને જણાવ્યું હતું કે, ‘કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ગૃહની કામગીરીમાં વિક્ષેપ પહોંચાડી રહ્યા હતા અને ગૃહ ચાલવા દેતા ન હતા. વિપક્ષ બોલે તે જરૂરી છે પણ તેમણે અધ્યક્ષનું અપમાન કર્યું છે. માટે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે સરકાર આ મામલે અગાઉથી જ કાર્યવાહી કરી રહી હતી અને હું જનતાને વિશ્વાસ અપાવું છું કે જો કંઈ ખોટું થયું છે તો કાર્યવાહી કરવામાં આવશે જ. પરંતુ કોંગ્રેસ દ્વારા ગૃહરાજ્યમંત્રીના રાજીનામાની માગણી કરવામાં આવી છે તે અયોગ્ય છે અને તેમને બખુબી કામગીરી કરી છે માટે તે સવાલ પેદા થતો જ નથી. માટે કોંગ્રેસ પ્રજાને ગેરમાર્ગે દોરવાનું બંધ કરે. વધુમાં તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ દ્વારા ગૃહમાં પ્લેકાર્ડ સાથે ધમાલ કરી કહ્યું કે તેમને કાયદો તોડ્યો છે તો અમને પણ તોડવા દો તે વાત જરાય યોગ્ય નથી અને તેમણે બંધારણનું પાલન કરતા આ શબ્દો પરત ખેંચવા જોઈએ.’
આ પણ વાંચો : નકલી PSI મામલે સત્તાવાર ખુલાસો, યુવરાજસિંહની પણ વધશે મુશ્કેલી?
બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્યોએ પણ ભારે વિરોધ પ્રગટ કરતા ભાજપ સરકારને કરાઈ એકેડમીમાં નકલી પી.એસ.આઈ. મામલે ઘેરી હતી. ભાજપ પર પ્રહાર કરતા અમીત ચાવડાએ કહ્યું હતું કે, ‘ભાજપ સરકારના રાજમાં એક-બે વખત નહીં પણ 13-13 વખત પેપર ફૂટ્યા છે. પરંતુ આ પેપર નથી ફૂટ્યા રાજ્યના યુવાનોનો સપના તૂટ્યા છે. આ સરકારમાં કોઈ પરિક્ષા કે લાયકાત વગર રૂપિયા 40-50 લાખ આપો અને સીધી નોકરી મેળવો તેવી સ્થિતી છે. ‘
કોંગ્રેસના નેતા અને વડગામથી ધારસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પણ ભાજપના ડબલ એન્જિન પર પ્રહાર કરતા ટ્વિટ કર્યું હતું કે, ‘ડબલ એન્જિન ડબલ કૌભાંડ’ વર્ષોના વર્ષો જાહેરાતો પ્રસિદ્ધ ન થાય, જાહેરાત બહાર પડે તો પરીક્ષા ન લેવાય, પરીક્ષા લેવાય તો પેપર ફૂટે… અને હવે તો વગર પરીક્ષા એ સીધી ટ્રેનિંગ થાય અને પગારેય આવે… ‘છેતરી ગયા, ૧૫૬ વાળા’
મહત્વની વાત છે કે કરાઈ એકેડમીમાં ઘુસી ગયેલા નકલી પી.એસ.આઈ.નો ઘટસ્ફોટ થતા રાજયભરમાં સરકાર પર ફિટકાર વરસી રહી છે. ત્યારે કરાઈ એકેડમીના આચાર્યના સત્તાવાર જવાબમાં પણ ક્યાંકને ક્યાંક આ વાતને સમર્થન અને કૌભાંડની બૂ આવી રહી છે. એવામાં વિપક્ષ ભાજપ સરકાર પર સવાલ પેદા કરે તે સ્વાભાવિક છે પરંતુ, વિપક્ષના ધારાસભ્યોને ગૃહમાંથી સસ્પેન્ડ કરી સત્તાપક્ષ મામલો દબાવવા પ્રયાસ કરતો હોય તેવી સ્થિતી નિર્માણ થઈ છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








