Suspicious death of Saudi prince in London reveale : 25 નવેમ્બરે 31 વર્ષીય સાઉદી પ્રિન્સ અબ્દુલ્લા બિન ફહદનું લંડનની લાન્સબરો હોટલમાં મોત થયું હતું. બ્રિટિશ કોર્ટે પ્રિન્સના મોત મામલે ખુલાસો કર્યો છે. પ્રિન્સનું મોત હત્યા નહીં પરંતુ ડ્રગ્સ અને દારૂના મિશ્રણના સેવનથી થયેલી દુર્ઘટના (Saudi prince dies from drugs and alcohol abuse) હતી. પોસ્ટમોર્ટમમાં સાઉદી પ્રિન્સના શરીરમાંથી કોકેઈન અને આલ્કોહોલનું ઊંચું પ્રમાણ મળ્યું હતું. આ હાઈ-પ્રોફાઈલ કેસના ચુકાદા બાદ સાઉદી અરેબિયાના શાહી દૂતાવાસ (Royal Embassy of Saudi Arabia) તરફથી કોઈ સત્તાવાર ટિપ્પણી કરાઈ નથી અને શાહી પરિવારે આ બાબતે મૌન ધારણ કરી લીધું છે.
લંડનની પ્રતિષ્ઠિત લાન્સબરો હોટેલના 600 પાઉન્ડના મોંઘા સ્યુટમાંથી સાઉદી અરેબિયાના શાહી પરિવારના પ્રિન્સ અબ્દુલ્લા બિન ફહદ બિન અબ્દુલ્લા બિન અબ્દુલ અઝીઝ બિન જલાવી અલ સાઉદ બેભાન અવસ્થામાં મળ્યા હતા. આ ઘટનાના પગલે મેડિકલ ઈમરજન્સી ટીમને બોલાવાઈ હતી અને ડૉકટરોએ તેમને બચાવવા પ્રયાસ પણ કર્યો હતો. સાઉદી પ્રિન્સના મોતને લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચી ગયો હતો. પ્રિન્સના મોતને લઈને કાવતરું રચી હત્યા કરવામાં આવી હોવાની વાતો ભારે ચર્ચામાં હતી.
વેસ્ટમિન્સ્ટર કોરોનાર્સ કોર્ટમાં ચાલેલી સુનાવણી દરમિયાન પ્રિન્સના પોસ્ટમોર્ટમ અને ટોક્સિકોલોજીના રિપોર્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, પ્રિન્સે અત્યંત જોખમી સ્તર સુધી કોકેઈન અને અન્ય સિન્થેટિક ડ્રગ્સનું સેવન કર્યું હતું, જેની સાથે તેમણે ભારે માત્રામાં આલ્કોહોલ પણ લીધો હતો. આ બંનેના ઘાતક મિશ્રણને કારણે તેમનું સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ અને હૃદય કામ કરતું બંધ થઈ ગયું હતું, જેને તબીબી ભાષામાં એક્યુટ ડ્રગ એન્ડ આલ્કોહોલ ટોક્સિસિટી કહેવામાં આવે છે. અત્રે નોંધનીય છે કે, પ્રિન્સ લાંબા સમયથી ગંભીર ડિપ્રેશન અને ડ્રગ્સના બંધાણથી પીડાતા હતા અને ભૂતકાળમાં તેમણે કાઉન્સેલિંગની મદદ પણ લીધી હતી.








