Isudan Gadhvi wrote a letter to CM Bhupendra Patel : ગુજરાતભરમાં અતિભારે વરસાદ અને સર્જાયેલી પૂરની પરિસ્થિતિને કારણે સમગ્ર રાજ્યમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ સુધી અનેક શહેરો અને ગામો પાણીમાં ગરકાવ થયા છે અને હજારો પરિવારો બેઘર બન્યા છે. ખેતીને ભારે નુકસાન થયું છે. ઘરો, દુકાનો અને ફેક્ટરીઓમાં પાણી ઘૂસી જતાં કરોડો રૂપિયાનું નુકસાન થયું છે તેમજ જાહેર સંપત્તિને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી (Isudan Gadhvi AAP) એ મુખ્યમંત્રીને પત્ર લખી અણઘડ આયોજન તેમજ ભ્રષ્ટાચારના કારણે પ્રજાજનોને હાલાકી ભોગવવી પડી હોવાની રજૂઆત કરી છે. વરસાદમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને 1 કરોડ અને અન્યને તાત્કાલિક આર્થિક સહાય આપવાની પત્રમાં રજૂઆત કરાઈ છે.
AAPના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ મુખ્યમંત્રીને રજૂઆત કરતા જણાવ્યું છે કે, સરકાર દ્વારા દર વર્ષે પ્રી-મોન્સૂન કામગીરીના મોટા-મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ થોડા કલાકોના ભારે વરસાદમાં જ શહેરો પાણીમાં ડૂબી જાય છે. નવા બનેલા રસ્તાઓ ધોવાઈ જાય છે અને ડ્રેનેજ વ્યવસ્થા સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થાય છે. આ સ્થિતિ દર્શાવે છે કે, પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર રહી ગઈ છે. અમદાવાદ, સુરત સહિત અનેક શહેરોમાં ટાઉન પ્લાનિંગ (TP) યોજનાઓમાં થયેલા ગેરઆયોજન અને ભ્રષ્ટાચારના કારણે કુદરતી પાણીના વહેણ અવરોધાયા છે અને તેના કારણે કરોડો રૂપિયાના રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે. સમગ્ર મામલે જવાબદારી નક્કી કરી દોષિત અધિકારીઓ અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની પણ માગ કરવામાં આવી છે.
આમ આદમી પાર્ટી તરફથી રાજ્ય સરકાર સમક્ષ માગ કરવામાં આવી છે કે, પૂરની આફતમાં મૃત્યુ પામેલા દરેક વ્યક્તિના પરિવારને તાત્કાલિક રૂપિયા 1 કરોડની આર્થિક સહાય જાહેર કરવામાં આવે તેમજ તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સર્વે હાથ ધરી ખેડૂતો, વેપારીઓ, નાના ઉદ્યોગકારો અને ફેક્ટરી માલિકોને થયેલા નુકસાનનું યોગ્ય અને સમયબદ્ધ વળતર ચૂકવવામાં આવે.








