Water storage status in Gujarat’s reservoirs : ગુજરાતમાં ચાલુ મોસમ દરમિયાન થઈ રહેલા સાર્વત્રિક વરસાદ-મેઘમહેરને પરિણામે રાજ્યના મુખ્ય જળાશયોમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. જળસંપત્તિ વિભાગના 27 જુલાઈના સવારે 8 કલાકના અહેવાલ અનુસાર રાજ્યના કુલ 207 જળાશયોમાં 54 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે. રાજ્યના 13 ડેમ સંપૂર્ણ ભરાઈ (13 dams in Gujarat filled up) ગયા છે જ્યારે 21 ડેમ માટે ‘હાઈ એલર્ટ’ પર જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં હાલમાં 2,31,342 MCFT પાણીનો જથ્થો (Sardar Sarovar Narmada Dam water level) ઉપલબ્ધ છે, જે તેની કુલ સંગ્રહ ક્ષમતાના 69.25 ટકા જેટલો થાય છે. ડેમમાં હાલ 3,232 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ વર્ષે 54 ટકાની સામે ગત વર્ષે આજના દિવસે રાજ્યના કુલ 207 જળાશયોમાં 61 ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રાયેલો હતો.
જ્યારે નર્મદા ડેમ સિવાયના રાજ્યના 206 મુખ્ય જળસંગ્રહ સ્થાનોમાં કુલ 2,53,336 MCFT જળસંગ્રહ નોંધાયો છે, જે કુલ સંગ્રહ ક્ષમતાના 45.41 ટકા છે. રાજ્યમાં 13 જળાશયો 100 એટલે કે સંપૂર્ણ ભરાયેલા છે. આ ઉપરાંત 26 જળાશય 90 થી 100 ટકા, 28 જળાશયો 50 થી 70 ટકા, 55 જળાશય 25 થી 50 તેમજ 84 જળાશયો 25 ટકાથી ઓછા ભરાયા છે. આ ઉપરાંત તંત્ર દ્વારા 5 જળાશયો એલર્ટ પર જ્યારે 13 જળાશયો માટે વોર્નિંગ જાહેર કરવામાં આવી છે.
રાજ્યમાં સૌથી વધુ મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 50 ટકાથી વધુ, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 47 ટકાથી વધુ, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 45 ટકા, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 39 ટકાથી વધુ તેમજ કચ્છના 20 જળાશયોમાં સૌથી ઓછો 25 ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.








