નવજીવન ન્યૂઝ. સુરત: સુરતમાં ગુનેગારો બેફામ બન્યા હોવ તેવી રીતે જાહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિના ધજાગરા ઉડાવી રહ્યા છે. સુરતમાં હત્યા, લૂંટ, દુષ્કર્મ સહિતની ઘટનાઓમાં ચિંતાનજક રીતે ઉછાળો જોવા મળી રહ્યો છે. ખુદ ગૃહ રાજ્યમંત્રીનું હોમટાઉન ગુનેગારોના કારણે અસુરક્ષિત બન્યું હોય તેવા અહેવાલ રોજ સામે આવી રહ્યા છે. તે વચ્ચે વધુ એક ધોળા દિવસે બંદૂકની અણીએ લૂંટની ઘટના બનતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. બેંકમાંથી લૂંટારાઓ બંદૂકની અણીએ 13 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હોવાના અહેવાલો મળી રહ્યા છે. ઘટનાની જાણ સચિન પોલીસને થતાં પોલીસનો જંગી કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે લૂંટના પગલે બેંકની આસપાસના CCTV કેમેરાના અધારે લૂંટારાઓ કઈ તરફ ભાગ્યા છે તે દિશામાં તપાસ હાથધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના વાંજ ગામ ખાતે આવેલી મહારાષ્ટ્રમાં બેંકમાં આજરોજ સાવરે 11 વાગ્યાની અરસામાં બે મોટર સાયકલ પર 5 જેટલા લૂંટારાઓ હથિયાર સાથે બેંકની અંદર ઘૂસી આવ્યા હતા. તેમજ બેંકમાં રહેલી 13 લાખ રૂપિયાની આસાપાસ રોકડ લૂંટી લીધી હતી. આરોપીઓના હાથમાં હથિયાર હોવાથી બેંકમાં આવેલા ગ્રાહકો પણ ડરી ગયા હતા. જેના પગલે તેમની પણ આરોપી સામે પ્રતિકાર કરવાની હિંમત થઈ ન હતી. આરોપીઓ હથિયારની અણીએ લોકોને બંધક બનાવીને પૈસાની બેગ લઈ ફરાર થઈ ગયા હતા. આ સમ્રગ મામલે બેંક મેનેજરે ઘટનાની જાણ પોલીસને કરતા સચિન પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આ સમ્રગ લૂંટની ઘટના મામલે બેંક મેનેજરનું નિવેદન નોંધ્યું હતું.
ધોળા દિવસે બેંકમાં હથિયારો સાથે લૂંટની ઘટના સામે આવતા આજુબાજુના લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. હાલ આ મામલે સચિન પોલીસે બેંક તેમજ આસપાસના CCTV કેમેરાની ફૂટેજના આધારે તપાસ હાથધરી છે. આરોપીઓ સામે લૂંટ અંગેનો ગુનો નોંધી આરોપીને પકડી પાડવા અલગ-અલગ ટીમ બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.








