નવજીનવ ન્યૂઝ. અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં લોકોને રોજગારી આપવા માટે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર(મનરેગા) કાયદો લાવવામાં આવ્યો હતો. આ કાયદા અંતર્ગત દેશના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકોને પોતાના જ વિસ્તારમાં રોજગારી મળી રહે અને તેમને શહેરો તરફ સ્થળાંતર ન કરવું પડે માટે પોતાના જ વતનમાં ઓછામાં ઓછું 100 દિવસ કામ આપવામાં આવે છે, જેનું વળતર પણ સરકાર ચૂકવે છે. પરંતુ હવે ગુજરાતમાં આ યોજનામાં પણ ગેરરીતિ થઈ રહી હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ખોટા જોબકાર્ડ, નકલી બિલ અને બનાવટી કામગીરી બતાવીને લોકો લાખો-કરડો રૂપિયાની છેતરપિંડી કરી રહ્યા છે. ત્યારે આજે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા હિરેન બેંકરે પંચમહાલમાં આવું જ એક કૌભાંડ ઉજાગર કર્યું છે.
આજે રાજીવ ગાંઘી ભવન પાલડી અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેંકરે પત્રકાર પરીષદ કરી જણાવ્યું હતું કે, “કેન્દ્રની તત્કાલીન યુપીએ સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તારમાં રોજગારીની ગેરંટી આપવા માટે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર(મનરેગા)નો કાયદો લાવવામાં આવ્યો હતો. જેમાં સ્થાનિક રોજગારી મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. પરંતુ ખોટા જોબકાર્ડ, નકલી બીલો અને બનાવટી કામગીરી દર્શાવી લાખો-કરોડો રૂપિયાના મનરેગાના કામો માત્ર કાગળ ઉપર થઈ રહ્યાં છે. મનરેગા કાયદામાં 100 દિવસની રોજગારીની ગેરંટી આપવામાં આવે છે, જ્યારે ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં મનરેગા કાયદા હેઠળ સરેરાશ માત્ર 41થી 45 દિવસની રોજગારી આપવામાં આવે છે જે રાષ્ટ્રીય સરેરાશ રોજગારી કરતા પણ ઓછી છે.”
તેમણે પંચમહાલના શહેરા તાલુકાના ઉજડા ગામના સર્વે નંબર ઉપર કોઈપણ પ્રકારની ચેકવોલ, કુવો કે અન્ય કામગીરી ન હોવા છતાં 40 લાખ રૂપિયાના બીલ ચુકવવામાં બાબતે સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, “સર્વે નંબર પ્રમાણે સ્થળ પર કોઈપણ પ્રકારની વાસ્તવિક કામગીરી ન હોવા ચેકવોલ, માટી મેટલ અને કુવા જેવા અગત્યના કામોમાં માત્ર કાગળ પર કામગીરી થઈ રહી છે અને લાખોના બિલો સરકાર ચેક કર્યા વગર પાસ કરી દે છે. પેમેન્ટ શીટમાં દર્શાવેલા શ્રમિકોએ કોઈ દિવસ કામ માટે અરજી પણ કરી નથી, મનરેગામાં કામ પણ કર્યું નથી, મનરેગાની સાઈટ પણ જોઈ નથી. વધુમાં એ જગ્યા ઉપર કોઈ કામ જ થયું નથી, પંરતુ આ લોકોના જોબકાર્ડ બની ગયા, ખાતા ખુલી ગયા અને એમના ખાતામા લાખો રૃપિયાના પેમેન્ટ પણ થઇ ગયા અને ઉપડી પણ ગયા છે.”
કોગ્રેસે માંગ કરી હતી કે, જો એક માત્ર ગામમાં આ પ્રકારના લાખો રૂપિયાનું કૌભાંડ થતું હોય તો ગુજરાતમાં ખોટા જોબકાર્ડ, નકલી બીલો અને બનાવટી કામગીરીનો આંકડો 200 કરોડને આંબી જાય. ગુજરાતમાં મનરેગાના નામે થતા કરોડો રૂપિયાના સુનિયોજિત કૌભાંડની તટસ્થ તપાસ સરકારે કરવી જોઈએ.








