નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ કોંગ્રેસ માટે આગામી વિધાસનભામાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું મહેનત માગી લેનારું બની ગયું છે. ગુજરાતમાં આ વખતે કોંગ્રેસ માટે એક માત્ર ભાજપ જ પ્રતિસ્પર્ધિ નથી પરંતુ આમ આદમી પાર્ટી પણ છે. આમ આદમી પાર્ટીની મહેનત સામે કોંગ્રેસે પોતાના મતદારોનો વિશ્વાસ પોતાના પર ટકી રહે તે જોવું વધુ મહત્વનું બની ગયું છે ત્યારે હવે કોંગ્રેસના ઓબ્ઝર્વર અને રાજસ્થાનના મુખ્યમંત્રી આગામી 4 ઓગસ્ટે અમદાવાદ આવી રહ્યા છે.
આગામી વિધાસનભા ચૂંટણીમાં કોંગ્રેસની નાવડીને 125ના લક્ષ્યાંક સાથે મેદાનમાં ઉતારી પાર કરાવવાનું ગણિત શિખવવા તેઓ અહીં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આમ આદમી પાર્ટી અને ઔવૈસીની એઆઈએમઆઈએમ પાર્ટી સહિત ઘણા પડકારો કોંગ્રેસની સામે ઊભા છે અને તે પછી ભાજપ સામે ભીડવાનું જાણે ફાઈનલમાં થશે તેવી સ્થિતિ છે.
ગત 19 જુલાઈએ ગુજરાત કોંગ્રેસની મહત્વની બેઠક મળનારી હતી જેને મોકુફ કરીને 4 ઓગસ્ટ કરવામાં આવી છે. દરમિયાન અશોક ગેહલોત ઉપરાંત કોંગ્રેસના વરિષ્ઠનેતાઓ, લોકસભા દીઠ નક્કી કરાયેલા નિરિક્ષકો, કોંગ્રેસના પદાધિકારીઓ આ બેઠકમાં હાજર રહેશે. સ્વાભાવીક રીતે આ બેઠકમાં ગુજરાતમાં હાલમાં થયેલા લઠ્ઠાકાંડ, શિક્ષણ, રોજગાર, વગેરે બાબતોની પણ ચર્ચાઓ થશે.








