National Commission for Scheduled Castes – NCSC Supreme Court: સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ (National Commission for Scheduled Castes – NCSC)ની સત્તાઓ અંગે મહત્વપૂર્ણ નિર્ણય આપતાં સ્પષ્ટ કર્યું છે કે આયોગ સેવા સંબંધિત (Service Matters) વિવાદોમાં કોઈ બાધ્યકારી (Binding) આદેશ આપી શકતો નથી. કોર્ટે કહ્યું કે બંધારણના અનુચ્છેદ 338 (Article 338) હેઠળ NCSCની ભૂમિકા માત્ર તપાસ, સલાહ અને ભલામણ સુધી મર્યાદિત છે, ન કે વિવાદોનો નિકાલ કરવો અથવા પોતાના આદેશોનો અમલ કરાવવો.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે અનુચ્છેદ 338 હેઠળ NCSCને અનુસૂચિત જાતિના લોકોના બંધારણીય અધિકારોના રક્ષણ સંબંધિત ફરિયાદોની તપાસ કરવાનો અધિકાર છે. જોકે આ સત્તા તેને કોર્ટ જેવી ન્યાયિક સત્તા આપતી નથી અને આયોગ કોર્ટની જેમ અંતિમ આદેશ આપી શકતો નથી.
કોર્ટે વધુમાં જણાવ્યું કે તપાસ દરમિયાન NCSCને સિવિલ કોર્ટ (Civil Court) જેવી કેટલીક મર્યાદિત સત્તાઓ પ્રાપ્ત છે. તેમાં સાક્ષીઓને બોલાવવાની, દસ્તાવેજો મંગાવવાની અને પુરાવા એકત્ર કરવાની સત્તાનો સમાવેશ થાય છે. પરંતુ આ સત્તાઓ માત્ર તપાસ સુધી મર્યાદિત છે અને તેના આધારે આયોગ કોઈ વિવાદનો અંતિમ નિર્ણય આપી શકતો નથી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે તપાસ પૂર્ણ થયા બાદ NCSC પોતાની રિપોર્ટ અને ભલામણ કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારને મોકલી શકે છે, પરંતુ તેની ભલામણો કાયદેસર રીતે અમલમાં મૂકવા માટે બાધ્યકારી હોતી નથી.
સુનાવણી દરમિયાન NCSC તરફથી દલીલ કરવામાં આવી હતી કે નિયમોમાં “સુરક્ષા” શબ્દનો ઉલ્લેખ હોવાથી આયોગને કાયદાનો અમલ કરાવવાની સત્તા પણ પ્રાપ્ત થાય છે. જોકે સુપ્રીમ કોર્ટે આ દલીલ નામંજૂર કરતાં કહ્યું કે આ જોગવાઈ આયોગને ન્યાયિક સત્તા આપતી નથી અને તે માત્ર ભલામણો કરી શકે છે.
આ નિર્ણય જસ્ટિસ સંજય કરોલ (Justice Sanjay Karol) અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહ (Justice Augustine George Masih)ની બેન્ચે 28 જુલાઈએ આપ્યો હતો.
આ કેસ અનુસૂચિત જાતિ (Scheduled Caste – SC)ના એક કર્મચારીની બઢતી (Promotion) સાથે સંબંધિત હતો. સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court)નો તે નિર્ણય રદ કર્યો, જેમાં મુંબઈ પોર્ટ ઓથોરિટી (Mumbai Port Authority)ને NCSCના આદેશ મુજબ કર્મચારીને બઢતીનો લાભ અને બાકી વેતન ચૂકવવાનો નિર્દેશ યોગ્ય ગણાયો હતો.
આ કેસ માધવી કે. ચંદોરકર (Madhavi K. Chandorkar) સાથે સંબંધિત છે, જેમણે વર્ષ 1997માં મુંબઈ પોર્ટ ઓથોરિટીમાં નોકરી શરૂ કરી હતી. વર્ષ 2002ના એક કાર્યાલય પરિપત્ર હેઠળ તેમને અનામત નીતિ મુજબ સ્ટેનોગ્રાફર ગ્રેડ-Iમાં બઢતી આપવામાં આવી હતી. બાદમાં બોમ્બે હાઈકોર્ટે અન્ય એક કેસમાં વર્ષ 2002નો તે પરિપત્ર રદ કર્યો હતો, જેના આધારે મુંબઈ પોર્ટ ઓથોરિટીએ તેમની વરિષ્ઠતા યાદીમાં ફેરફાર કરીને તેમને ફરી સ્ટેનોગ્રાફર ગ્રેડ-IIમાં મોકલી દીધા હતા.
આ નિર્ણય સામે માધવી કે. ચંદોરકરે NCSCમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ આયોગે મુંબઈ પોર્ટ ઓથોરિટીને તેમની બઢતીનો લાભ પુનઃસ્થાપિત કરવા, બાકી વેતન ચૂકવવા અને 30 દિવસમાં કાર્યવાહી અહેવાલ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. જોકે હવે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આવા નિર્દેશો ભલામણના સ્વરૂપના હોય છે અને તેમને કોર્ટના આદેશની જેમ અમલમાં લાવી શકાય નહીં.








