West Bengal Birbhum cash sized: પશ્ચિમ બંગાળ (West Bengal)ના બીરભૂમ (Birbhum) જિલ્લામાં પોલીસની દરોડાની કાર્યવાહી દરમિયાન એક પૂર્વ સરકારી બસ ડ્રાઈવરના ઘરમાંથી કરોડો રૂપિયાની રોકડ અને મોટી માત્રામાં સોનું મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. સામાન્ય દેખાતા બે માળના મકાનમાંથી ₹28 કરોડથી વધુની રોકડ અને અંદાજે 15 કિલો સોનું જપ્ત કરવામાં આવ્યું છે.
માહિતી મુજબ, રોકડની માત્રા એટલી વધુ હતી કે તેની ગણતરી હાથથી કરવી શક્ય નહોતી. ત્યારબાદ પોલીસે નોટ ગણવાની પાંચ મશીનો મંગાવી હતી. જોકે મોટી સંખ્યામાં નોટો હોવાના કારણે કેટલીક મશીનો વચ્ચે જ બંધ પડી ગઈ હતી. કલાકો સુધી ચાલેલી પ્રક્રિયા બાદ રોકડની ગણતરી પૂર્ણ થઈ હતી.
પોલીસના જણાવ્યા મુજબ આરોપી મીનાર મંડલ (Minar Mandal), ઉર્ફે ટુલ્લુ મંડલ (Tullu Mandal) અને મોહમ્મદ નઝીબુદ્દીન (Mohammad Najibuddin), અગાઉ સરકારી બસ ડ્રાઈવર તરીકે કામ કરતો હતો. બાદમાં તેણે નોકરી છોડીને પથ્થરના વ્યવસાયમાં પ્રવેશ કર્યો હતો અને હાલમાં બીરભૂમમાં પથ્થર ખનનના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું કહેવાય છે.
દરોડા દરમિયાન પોલીસને એક-એક કિલોના 14 સોનાના બાર (Gold Bars) અને 100-100 ગ્રામના 10 સોનાના બિસ્કિટ (Gold Biscuits) મળી આવ્યા હતા. જપ્ત કરાયેલા સોનાની કિંમત અંદાજે ₹21.5 કરોડ હોવાનું જણાવાયું છે. રોકડ અને સોનું જપ્ત કરીને લઈ જવા માટે પોલીસે લોખંડના પાંચ મોટા બોક્સની વ્યવસ્થા કરવી પડી હતી.
અધિકારીઓના જણાવ્યા અનુસાર મીનાર મંડલ બીરભૂમના પથ્થર ખનન વ્યવસાયમાં મોટું નેટવર્ક ધરાવે છે. બીરભૂમ જિલ્લામાં કથિત ગેરકાયદે ખનન અને સરકારી આવકની ચોરી સામે ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન આ દરોડો પાડવામાં આવ્યો હતો.
મીનાર મંડલનું નામ અગાઉ કરોડો રૂપિયાના પશુ તસ્કરી (Cattle Smuggling) કેસની સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (Central Bureau of Investigation – CBI)ની તપાસ દરમિયાન પણ સામે આવ્યું હતું. ઓગસ્ટ 2022માં CBIએ તેના કાર્યાલય, ગોડાઉન અને અન્ય મિલકતો પર પણ દરોડા પાડ્યા હતા. ત્યારબાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (Enforcement Directorate – ED)એ પણ નવેમ્બર 2022માં તેને પૂછપરછ માટે દિલ્હી બોલાવ્યો હતો.
અહેવાલ મુજબ, EDનું સમન્સ મળ્યાના 48 કલાકની અંદર જ બીરભૂમ પોલીસે વર્ષ 2022માં નોંધાયેલા હત્યાના એક કેસમાં તેની ધરપકડ કરી હતી. પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર જામીન મળ્યા બાદ રાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા પછીથી તે ભૂગર્ભમાં ચાલ્યો ગયો હતો.
પોલીસે દરોડા દરમિયાન મીનાર મંડલ અને તેના પુત્રને ઘરમાંથી જ કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી હતી. અધિકારીઓ તેમના અન્ય સંભવિત ઠેકાણાઓ અંગે પણ તપાસ કરી રહ્યા છે, જ્યાં વધુ રોકડ અથવા અન્ય સંપત્તિ છુપાવવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.








