નવજીવન ન્યૂઝ.જુનાગઢઃ જુનાગઢના ભેંસાણ તાલુકાનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલીક મહિલાઓ દ્વારા દારુનો સપ્લાય કરતા શખ્સને દેશી દારુની પોટલીઓ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે અને તે મહિલાઓ વીડિયોમાં પોલીસને પડકારી રહી છે કે પીએસઆઈ સાહેબ તમે કહેતા હતા કે મારે મુદ્દામાલ જોઈએ, આ રહ્યો દારુનો મુદ્દામાલ અને આ રહ્યો આરોપી કરો હવે કાર્યવાહી. અમે ભેસાણમાં દારુ ન વેચાય તે માટે લડી રહ્યા છીએ.
હાલમાં જ ગુજરાતમાં લઠ્ઠાકાંડમાં 50થી વધુ લોકોના જીવ ગયા, ઝેરી દારુ પી જવાને કારણે થયેલા મોત પાછળ પરિવારો વેર વિખેર થઈ ગયા, ઘણા પરિવારે વ્હાલ સોયાને ગુમાવ્યા તો ઘણાએ પરિવારના મોભી. આ લોકોના મોત પાછળ હવે ખરી પરેશાની પરિવારની મહિલાઓ માટે ઊભી થઈ છે. તેમના પરિવારને માટે હવે તેમની જહેમત વધી છે. જેના કારણે મહિલાઓમાં બુટલેગર અને પોલીસની જુગલ જોડી સામે રોષ ફાટી નિકળ્યો છે. આવી જ કેટલીક મહિલાઓ જે દેશી દારુના દુષણને પોતાના પરિવારથી દુર રાખી સમાજને એક સુવ્યવસ્થિત સ્થિતમાં જોવા માગે છે તેવી મહિલાઓએ બંડ પોકાર્યો હોય તેવું આ વાયરલ થયેલા વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલાઓ શખ્સને પુછે છે કે દારુ ક્યાંનો છે, તો શખ્સ જવાબ આપે છે કે દારુ કાળુ ભાઈનો છે. મોટો કોથળો ભરેલો દારુ આ મહિલાઓ ત્યાં જ ઢગલો કરી દે છે અને પોલીસને પડકારે છે કે, ભેસાણના પીએસઆઈએ કહ્યું હતું કે મારે મુદ્દામાલ જોઈએ. જબરજસ્તી આ દારુ ગામમાં વેચાય છે. બહેનો દીકરીઓ નીકળી શકતી નથી તમે દારુ વેચાવા ન દેશો તો પોલીસે કહ્યું હતું કે મારે મુદ્દામાલ જોઈએ. આ જોઈ લો દારુ અને આ રહ્યો માણસ કરો કાર્યવાહી. બસ અમારા ભેંસાણમાં દારુ વેચાવો જોઈએ નહીં.








