Epstein file controversy : જેફરી એપસ્ટિન (Jeffrey Epstein) ના મોતને વર્ષો વીતી ગયા છે, પરંતુ તેની સાથે જોડાયેલા અનેક નામો આજે પણ વિશ્વભરમાં ચર્ચાનો વિષય બને છે. તાજેતરમાં ફ્રાન્સના પેરિસ ખાતેથી આવેલા મોડેલ સ્કાઉટ ડેનિયલ સિયાડના મોત (Scout Daniel Said dies) ને લઈને એપસ્ટિન ફાઈલ ફરીથી ચર્ચામાં (Epstein file in discussion again) આવી છે. મોડેલ સિયાડનું નામ અમેરિકન ન્યાય વિભાગમાં ચાલતા જેફરી એપસ્ટિન ફાઈલના મામલાની ફાઇલોમાં 2 હજારથી વધુ વખત નોંધાયેલું છે. ફ્રાન્સના નેન્ટેરે પ્રોસિક્યુશન ઓફિસ દ્વારા સ્કાઉટ ડેનિયલ સિયાડના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી તેના મોતનું ચોક્કસ કારણ જાણવા તપાસનો દોર આગળ ધપાવ્યો છે. સિયાડ પર યુવતીઓ અને મોડેલ્સને જેફરી એપસ્ટીન સાથે સંપર્ક કરવાના આરોપ હતા.
ફ્રાન્સના નેન્ટેરે પ્રોસિક્યુશન ઓફિસના જણાવ્યાનુસાર સિયાડનો મૃતદેહ પેરિસના પરા વિસ્તાર કોલોમ્બમાં આવેલા તેના ઘરેથી મળી આવ્યો હતો. હાલમાં તેના મોતનું કારણ જાણવા મળ્યું નથી. જેની તપાસ જારી છે. ફેશન ઈન્ડસ્ટ્રીમાં લગભગ ત્રણ દાયકા સુધી મોડેલ સ્કાઉટ તરીકે કામ કરનાર સિયાડ એક જાણીતું નામ હતું. સિયાડનું કામ નવી મોડેલ્સને શોધીને એજન્સીઓ સાથે જોડવાનું હોય છે. સિયાડે સ્વીકાર્યું હતું કે, 2000ના દાયકાની શરૂઆતમાં તેની મુલાકાત જેફરી એપસ્ટીન સાથે થઈ હતી. તેનો દાવો હતો કે, તેમની વચ્ચે માત્ર વ્યવસાયિક સંબંધો હતા અને તેણે કેટલીક મોડેલ્સને જેફરી એપસ્ટીન સાથે મુલાકાત કરાવી આપી હતી, પરંતુ તેને કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિની જાણ નહોતી.
આ વર્ષે જાહેર કરવામાં આવેલી અમેરિકન ન્યાય વિભાગ (Department of Justice in USA) ની જેફરી એપસ્ટીન ફાઇલોમાં ડેનિયલ સિયાડનું નામ 2000થી વધુ વખત સામે આવ્યું હતું. આ દસ્તાવેજોમાં જેફરી એપસ્ટીન અને સિયાડ વચ્ચેના ઈમેઈલ અને મેસેજ સામેલ છે, જેમાં યુવતીઓ અને મોડેલ્સની પ્રોફાઇલ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત સિયાડ પર કેટલીક મહિલાઓ દ્વારા દુષ્કર્મ અને માનવ તસ્કરી જેવા ગંભીર આરોપો પણ લગાવવામાં આવ્યા હતા. જેનો સિયાડે હંમેશા ઇનકાર કર્યો હતો.








