દેવાંગી ઠાકર (નવજીવન ન્યૂઝ. આણંદ): Anand News: આણંદ જીલ્લા કલેક્ટરને (Anand District Collector) ગતરોજ ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરતાં ખળભળાટ મચી ગયો છે. જીલ્લા કલેક્ટર સામે ગેરવર્તણૂંક અને નૈતિક ક્ષતિના (moral turpitude) આરોપો મુકવામાં આવ્યા હતા. જેથી તેઓની સામે કાયદેસર કાર્યવાહી અને તપાસ શરૂ કરવામાં આવી હોવાનું હાલ જાણવા મળ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ IAS અધિકારીનો કોઈ વિડીયો વાયરલ થતાં સમગ્ર ઘટના સામે આવતા સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, આણંદ જીલ્લા કલેક્ટર તરીકે દોઢેક વર્ષ અગાઉ ડી. એસ. ગઢવીએ કાર્યભાર સંભાળ્યો હતો. તેઓ વર્ષ 2008ની બેચના IAS અધિકારી છે. તેઓ અગાઉ જીલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટર તરીકે ગુજરાતના અન્ય જિલ્લાઓમાં ફરજ બજાવી ચૂક્યા છે. આણંદ જીલ્લામાં દોઢેક વર્ષથી કલેક્ટર તરીકે ફરજ બજાવી કાર્યક્ષેત્ર મુજબની કામગીરી કરતા આવ્યા હતા. પરંતુ મળતી માહિતી મુજબ, તેઓ ઓફીસ સમય દરમિયાન પોતાના કાર્યાલયમાં મહિલા સાથે અંગત પળો માણતા હોવાની વાત ચર્ચાસ્પદ બની હતી. તેમાંય ગતરોજ ગુજરાત સરકારના વહીવટી વિભાગ દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરતાં અનેક તર્ક વિતર્કો શરૂ થઈ ગયા છે. એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે આવા જ કોઈ કથિત વિડીયોની ક્લિપ તેઓની વાયરલ થઈ હતી. જે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સુધી પહોંચી હતી. જેથી આણંદ જીલ્લા કલેક્ટર ડી. એસ. ગઢવી સામે ગેરવર્તણૂંક અને નૈતિક ક્ષતિના ગંભીર આરોપોની તપાસ ચાલી રહી હોવાનો ઉલ્લેખ સરકારના સસ્પેન્શન ઓર્ડરમાં કરાયો છે. વધુમાં તેઓની સામે શિસ્ત સંબંધી પગલાં સંદર્ભે પણ કાર્યવાહી શરૂ થઈ છે. જેના કારણે ગુજરાત સરકારના અખિલ ભારતીય સેવાઓ (શિસ્ત અને અપીલ)ના નિયમો 1969ના નિયમ 3ના પેટા નિયમ (1) ની કલમ (એ) દ્વારા આપવામાં આવેલી સત્તા મુજબ ડી. એસ. ગઢવીને કલેક્ટરના હોદ્દા ઉપરથી તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સમગ્ર ઘટનાને લઈ જીલ્લાના અધિકારીઓ, કર્મચારીઓ, રાજકીય નેતાઓ વગેરેમાં અનેક પ્રકારના તર્ક વિતર્કો શરૂ થઈ ગયા છે. હાલ તેઓનો ચાર્જ જીલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાને સોંપવામાં આવ્યો છે.
હેડક્વાર્ટરના આદેશો બાકી
ગતરોજ મોડી સાંજે આણંદ જીલ્લા કલેક્ટર ડી. એસ. ગઢવી સસ્પેન્ડ થતાં સમગ્ર આણંદ જીલ્લામાં ચકચાર મચી ગયો છે. જો કે સરકારના નિતી નિયમો અને જોગવાઈને આધિન તેઓને રજાના પગારની સમકક્ષ નિર્વાહ ભથ્થું મેળવવા તેઓ હક્કદાર રહેતા હોવાનો ઉલ્લેખ હુકમમાં કરાયો છે. પરંતુ તેઓના હેડક્વાર્ટરના ફિક્સિંગ અંગે આદેશો જારી થવાના હજી બાકી છે.
સોશિયલ મિડીયા ઉપર છવાયા
આણંદ જીલ્લા કલેક્ટર અચાનક સસ્પેન્ડ થતાં સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ ઉપર આ અંગેની અનેક પોસ્ટ વાયરલ થવા માંડી હતી. પરંતુ ભારે ચર્ચાસ્પદ બનેલ વિડીયો ક્લિપના મુદ્દાને કારણે તે જોવાની ભારે ઉત્તેજના જીલ્લાના અધિકારીઓ, કર્મચારીઓ, નેતાઓ અને સામાન્ય પ્રજામાં ફેલાઈ હતી.
તપાસ કમિટીમાં તમામ મહિલાઓ
મળતી માહિતી મુજબ, આણંદના કલેક્ટર ડી. એસ. ગઢવીને સસ્પેન્ડ કરવા મુખ્યમંત્રી કક્ષાએથી ઓર્ડર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આ અંગેની એક તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં તમામ મહિલા અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ તપાસ કમિટીમાં અધિક મુખ્ય સચિવ સુનૈના તોમર, અગ્ર સચિવ મમતા વર્મા, ગ્રામ વિકાસ કમિશનર મનિષા ચંદ્રા, સંયુક્ત સચિવ ભક્તિ શામળ તથા દેવીબેન પંડ્યાનો સમાવેશ થાય છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796