Sunday, July 26, 2026
HomeGujaratપ્રાંતિજ નગરપાલિકામાં ભાજપમાં ભડકો, પ્રમુખ અનિતા પંડ્યા વિરુદ્ધ 15 કોર્પોરેટરોના સામૂહિક રાજીનામાનો...

પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપમાં ભડકો, પ્રમુખ અનિતા પંડ્યા વિરુદ્ધ 15 કોર્પોરેટરોના સામૂહિક રાજીનામાનો પત્ર વાયરલ

- Advertisement -

Pratij Nagar Palika Dispute: સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપની અંદરખાને મોટો વિવાદ સપાટી પર આવ્યો છે. નગરપાલિકાના પ્રમુખ અનિતા પંડ્યા અને તેમના પતિ જિગ્નેશ પંડ્યા વિરુદ્ધ ભાજપના 15 કોર્પોરેટરોએ અસંતોષ વ્યક્ત કરતા સામૂહિક રાજીનામું આપ્યાનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જગાવી છે અને ભાજપ સંગઠન પણ ચોંકી ઊઠ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

મળતી માહિતી મુજબ, ભાજપના 15 કોર્પોરેટરોએ જિલ્લા ભાજપ પ્રમુખને સંબોધીને રાજીનામાનો પત્ર મોકલ્યો હોવાનું સામે આવ્યું છે. વાયરલ થયેલા પત્રમાં પ્રમુખ અનિતા પંડ્યા અને તેમના પતિ જિગ્નેશ પંડ્યા સામે મનમાની અને એકહથ્થુ વહીવટના આક્ષેપો કરવામાં આવ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ પત્ર પર ઉપપ્રમુખ સહિત અનેક કોર્પોરેટરોની સહીઓ હોવાનું પણ સામે આવ્યું છે.

- Advertisement -

ઉલ્લેખનીય છે કે પ્રાંતિજ નગરપાલિકામાં પ્રમુખ પદની વરણી સમયે પણ આંતરિક ખેંચતાણ અને અસંતોષના અહેવાલો સામે આવ્યા હતા. જોકે ત્યારબાદ મામલો શાંત પડી ગયો હોવાનું માનવામાં આવતું હતું. પરંતુ હવે એકસાથે 15 કોર્પોરેટરો વિરોધના સૂરમાં સામે આવતા ભાજપ માટે નવી રાજકીય મુશ્કેલી ઉભી થઈ છે.

પ્રાંતિજ નગરપાલિકામાં કુલ 24 બેઠકોમાંથી ભાજપ પાસે 19 બેઠકો છે. તે પૈકી 15 કોર્પોરેટરોના રાજીનામા સંબંધિત પત્ર વાયરલ થતાં સ્થાનિક રાજકીય સમીકરણો અંગે ચર્ચાઓ તેજ બની છે. જોકે આ રાજીનામા સત્તાવાર રીતે સ્વીકારાયા છે કે નહીં અને આગળ શું કાર્યવાહી થશે તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપ સંગઠન દ્વારા સમગ્ર મામલાની વિગતો એકત્રિત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વિરોધ પાછળના કારણો, આંતરિક મતભેદો અને રાજકીય પરિસ્થિતિને સમજવા માટે સંગઠનના આગેવાનો સક્રિય થયા હોવાનું કહેવાય છે. સાથે જ મામલાને થાળે પાડવા અને પક્ષમાં એકતા જળવાઈ રહે તે માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

- Advertisement -

આ ઘટનાએ પ્રાંતિજ નગરપાલિકાની રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે અને હવે ભાજપ સંગઠન આ અસંતોષને કેવી રીતે હલ કરે છે તેના પર સૌની નજર ટકેલી છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular