નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: World Lion Day: આખા એશિયામાં ગીરના જંગલોમાં (Gir Forest) જોવા મળતા સિંહ એ ગુજરાતનું ગૌરવ છે, ગુજરાત સરકાર દ્વારા પણ આ સિંહોનું જતન અને સંવર્ધન કરવાના ઉમદા કામ કરવામાં આવે છે. જેના કારણે છેલ્લા ઘણા સમયથી સિંહોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. 2010માં 20 હજાર ચોરસ કિલોમીટરમાં સિંહોની સંખ્યા 411 હતી, જે વધીને 2020માં 30 હજાર ચોરસ કિલોમીટરમાં 674 થઈ છે. તેમાં પણ આ સિંહોની વસ્તી ગણતરીના આંકડા મુજબ જંગલોમાં સિંહો કરતાં પણ વધારે સિંહણની સંખ્યા છે.
ગુજરાતનું ગૌરવ સિંહો સૌથી વધુ ગીરના નેશનલ પાર્ક અને અભયારણ્ય તથા નજીકના વિસ્તારોમાં દેખાય છે. 2010થી 2020 દરમિયાન એક દશકમાં સિંહોની સંખ્યામાં 64 ટકાનો વધારો નોંધાયો છે. ગીર જંગલના પૂનમ અવલોકન 5 અને 6 જૂન 2020ના અહેવાલ અનુસાર ગીરમાં પુખ્ત સિંહની સંખ્યા 161 હતી, જેની સામે સિંહણની સંખ્યા 260 છે. જ્યારે સબ એડલ્ટ સિંહ 45 તો સબ એડલ્ટ સિંહણ 49 છે. તેમજ 22ની જાતિ જાણી શકાઈ ન હતી. જ્યારે સિંહોના બચ્ચા 137 છે. એમ કુલ મળીને હાલ 674 સિંહ વસ્તી હોવાનું જાણવા મળી રહ્યું છે.
વર્ષ 2020માં સિંહની ગણતરીમાં 674 સિંહ વસ્તી કુલ મળીને 294 સ્થળો પર જોવા મળી છે. જેમાં 52.04 ટકા સિંહ જંગલ વિસ્તારમાં જોવા મળ્યા છે. જ્યારે 47.96 ટકા જંગલ બહારના વિસ્તારમાં દેખાયા હતા. જેમાં 26.19 ટકા સિંહ વેરાન જમીન, તો 13.27 ટકા સિંહ ખેતી વિસ્તાર, 3.74 ટકા સિંહ નદીકાંઠા વિસ્તાર, 2.04 ટકા સિંહ એગ્રીકલ્ચરલ પ્લાન્ટ અને 2.04 ટકા સિંહ માનવ વસ્તી નજીક જ્યારે 0.68 ટકા ઔદ્યોગિક વિસ્તાર નજીક દેખાયા હોવાનું વહીવટી તંત્રના ચોપડે નોંધાયેલું છે.
વધુમાં વર્ષ 2015માં સિંહની વસ્તી 523 હતી, જે અગાઉના વર્ષો કરતાં 27 ટકા વધુ હતી. પરંતુ વર્ષ 2020માં સિંહની વસ્તી 674 પહોચી છે. જે અગાઉના વર્ષો કરતાં 28.87 ટકા છે, જે કેટલાક સમયની સર્વાધિક વૃદ્ધિ દર્શાવે છે. વર્ષ 2015માં સિંહ સૌરાષ્ટ્રના સાત જિલ્લામાં 22 હજાર કિલોમીટર વિસ્તારમાં જોવા મળ્યા હતા, જ્યારે વર્ષ 2020માં સૌરાષ્ટ્રના 9 જિલ્લામાં 30 હજાર કિલોમીટરમાં જોવા મળ્યા છે. આ જીલ્લાઓમાં જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, પોરબંદર, જામનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરના 53 તાલુકાનો સમાવેશ થાય છે.
વાત કરીએ તો નવા પૂનમ અવલોકન-2020 મુજબ, કુલ 9 સેટેલાઇટ વિસ્તારોમાં સિંહની વસ્તી દેખાઈ છે. જેમાં સૌથી વધુ ગીર નેશનલ પાર્ક અને અભયારણ્ય તથા આસપાસના વિસ્તારોમાં 334 સિંહ વસ્તી જોવા મળી છે. પાણીયા વાઇલ્ડલાઇફ અભયારણ્યમાં 10 સિંહની વસ્તી, મિતિયાળા અભયારણ્યમાં 16, ગીરનાર અભયારણ્યમાં 56, દક્ષિણ-પશ્ચિમ દરિયાઈ કાંઠાના સુત્રાપાડા, કોડીનાર, ઉના, વેરાવળ ક્ષેત્રમાં 20, દક્ષિણ-પૂર્વ દરિયાઈ કાંઠાના રાજુલા, જાફરાબાદ, નાગેશ્રીમાં 67, સાવરકુંડલા-લીલીયા અને અમરેલીના આસપાસના વિસ્તારોમાં 98, ભાવનગર મેઇન લેન્ડમાં 56, જ્યારે ભાવનગર દરિયાકાંઠામાં 17 સિંહની વસ્તી જોવા મળી છે.








