પ્રશાંત દયાળ (અક્ષરધામ અટેક. ભાગ-5): Akshardham Temple Attack Series : પ્રદર્શન હોલની બહાર નીકળવાના રસ્તે હુમલાખોરો ગોળીબાર કરતાં કરતાં અંદર પ્રવેશ્યા હતા. એ જ રસ્તે હવે ડી.વાય.એસ.પી. ગિરીશ સિંઘલ, પી.એસ.આઈ. ભરત પટેલ અને કમાન્ડો રામાજી પ્રવેશ કરી રહ્યા હતા. પહેલા રૂમનું દૃશ્ય જોઈને જ સિંઘલ અને પટેલને મામલાની ગંભીરતાનો ખ્યાલ આવી ગયો હતો. એ રૂમ આખો લોહીથી લથબથ હતો. તેમાં સ્ત્રીઓ, પુરૂષો અને બાળકો પડ્યાં હતાં. હુમલો થયા પછી સિંઘલ અને પટેલને આ રૂમ સુધી પહોંચતાં લગભગ અડધો કલાક પસાર થઈ ગયો હતો. જેનાં કારણે લોહીમાં પડેલાં અનેક લોકો નશ્વર થઈ ગયાં હતાં. સિંઘલ અને પટેલ એક જ નજરે સ્થિતિ સમજી ગયા. કેટલાક લોકો કણસી રહ્યા હતા. તેઓના સદ્ભાગ્યે ગોળી વાગી હોવા છતાં તેઓ બચી ગયા હતા. જે જીવતા હતા તેમને રૂમની બહાર કાઢવાનું કામ પ્રાયોરિટીમાં કરવાનું હતું.
પોતાના સિનિયરની આંખોમાં જોઈને; તે શું વિચાર કરે છે? અને હવે શું કરવાનું છે? તે ભરત પટેલ સમજી જતા હતા. ભરત પટેલ સમજી ગયા કે, અત્યારે પહેલું કામ; જે જીવે છે તેમને રેસ્ક્યૂ કરવાનું છે. સાથે સાથે મનમાં એક એવો ડર પણ હતો કે, હુમલાખોર નજીકમાં જ હોય તો ફરી પાછો હુમલો કરી શકે. સિંઘલનાં મનમાં પણ એ જ ડર હતો.
સિંઘલે અને કમાન્ડોએ ભરત પટેલને કવર આપવા માટે છેલ્લા રૂમમાંથી બહાર નીકળવાનું હતું. તે બંનેએ એ રસ્તા તરફ જ પોતાના વેપનની બેરલ રાખી. રખેને જો હુમલો થાય તો વળતો જવાબ આપી શકાય. ત્યાં જે ઈજાગ્રસ્ત હતા તેમને ઉપાડવા માટે બે હાથ ખાલી હોવા જરૂરી હતા એટલે ભરત પટેલે પોતાની પિસ્તોલ કેશમાં મૂકી અને ગિરીશ સિંઘલ સામે જોયું.
બીજી તરફ અક્ષરધામ પર હુમલો થયો છે, તેવી જાણકારી હવે ગાંધીનગરમાં પ્રસરી ગઈ હતી. જેને કારણે અનેક લોકો અક્ષરધામ તરફ આવી રહ્યા હતા. પ્રદર્શન હોલમાંથી બહાર નીકળવાનો રસ્તો જે તરફ હતો; તેની બરાબર બાજુમાં અક્ષરધામના ગેટ નંબર છ અને સાત આવેલા હતા. એ ગેટને લોક કરી દેવામાં આવ્યા હતા; પણ લોકોને જાણકારી મળી હતી કે, અહીંયાં નજીકમાં જ હુમલો થયો છે એટલે લોકોનું એક ટોળું ગેટ નંબર છ પાસે ઊભું હતું.
એ જ સમયે ભાજપના ધારાસભ્ય હિરા સોંલકી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેમને ટોળું જોઈને કુતૂહલ થયું કે, અહીં ટોળું કેમ ઊભું છે? તેમને જાણકારી મળી કે, અક્ષરધામમાં હુમલો થયો છે અને અંદર ગોળીબાર થઈ રહ્યો છે. બસ, આટલું જ સાંભળતાં હિરા સોંલકી પોતાને રોકી શક્યા નહીં. તેમની પાસે લાઇસન્સવાળી રિવોલ્વર હતી. તેમણે ડ્રાઇવરને સૂચના આપી, “કાર બાજુમાં પાર્ક કરો.”
તે કારની બહાર નીકળ્યા અને પોતાની રિવોલ્વર લઈને ગેટ પાસે આવ્યા. ગેટ નંબર છની બહાર ઊભા રહેલા લોકો જોઈ શકતા હતા કે, એક્ઝિટ ગેટમાંથી લોહી બહાર આવી રહ્યું છે. હિરા સોંલકીને અંદાજ નહોતો કે, અંદર રહેલા હુમલાખોરો પાસે આધુનિક હથિયાર છે; છતાં તેમણે હિમંત કરીને અંદર જવાનો નિર્ણય કર્યો, પણ ગેટને તાળું મારેલું હતું. તેમણે સાથે રહેલા લોકોને કહ્યું, “તાળું તોડી નાખો.”
જેના હાથમાં જે આવ્યું તે લઈને બધા તાળું તોડવા લાગી ગયા અને તાળું તૂટી ગયું. તાળું તૂટતાની સાથે જ હિરા સોંલકી અંદર તરફ આવવા લાગ્યા. એ અંદર આવી રહ્યા હતા એ જ વખતે એક્ઝિટ ગેટની અંદર રહેલા પી.એસ.આઈ. ભરત પટેલને વિચાર આવ્યો કે, તે ઇજાગ્રસ્તને બહાર તો લઈ આવે પછી તેમને હોસ્પિટલ કોણ લઈ જશે? કારણ કે, હજી સુધી ફોર્સ મદદે આવી નહોતી. ભરત પટેલ ગેટની બહાર આવ્યા ત્યારે તેમણે હિરા સોંલકી અને બીજા કેટલાક યુવાનોને જોયા. જો કે ભરત પટેલ જાણતા નહોતા કે, હિરા સોંલકી ધારાસભ્ય છે. પરંતુ તેમના હાથમાં રિવોલ્વર જોઈને થોડી ધરપત થઈ કે, ચાલો મદદગાર પાસે પણ હથિયાર છે!
ભરત પટેલ ફરી રૂમમાં આવ્યા. જે લોકો લોહીમાં પડ્યા હતા તેમાં કોણ જીવતું છે; તેની પહેલાં ખાતરી કરી લીધી. એક મહિલા ચત્તીપાટ પડી હતી. તેણે પંજાબી ડ્રેસ પહેર્યો હતો. તે કણસી રહી હતી, તેની કમરમાંથી લોહી વહી રહ્યું હતું. ભરત પટેલ યુનિફોર્મમાં હોવાને કારણે મહિલાનો ચહેરો કહેતો કે, ચાલો, કોઈક તો મદદમાં આવ્યું! ભરત પટેલ તેની પાસે ઉભડક પગે બેઠા અને બંને હાથે જોર લગાવી તે મહિલાને ઊંચકીને બહારની તરફ લઈ જવા લાગ્યા. મહિલાએ અંદર પડેલા એક માણસ તરફ ઇશારો કરતાં હિન્દીમાં કહ્યું, “સાહબ, મેરા સરદાર વહાં પડા હે. ઉસે ભી બહાર લે લો.”
ભરત પટેલ મહિલાને લઈને બહાર આવ્યા. એ મહિલા પંજાબી હતી. એ પોતાના પતિ સાથે અક્ષરધામ જોવા માટે આવી હતી. તેને કમરમાં બે ગોળી વાગી હતી છતાં તે પોતાના પતિની ચિંતા કરી રહી હતી.
બહાર મદદ માટે ઊભા રહેલા હિરા સોંલકી અને યુવાન પાસે એ મહિલાને મૂકીને ભરત પટેલ પાછા અંદર ગયા. તેમણે જોયું તો એક શીખ પુરુષ જમીન પર ઉંધો પડયો હતો. તે જીવિત છે કે મૃત છે; તે જોવા માટે ભરત પટેલે તેનાં શરીરને સીધું કર્યું અને ભરત પટેલ એકદમ ધ્રુજી ઉઠ્યા! કારણ કે, તે શીખના ચહેરા ઉપર ગ્રેનેડ વાગ્યો હતો અને તેના શરીરના ફૂર્ચા ઉડી ગયા હતા.
ભરત પટેલ અને ગિરીશ સિંઘલે પોતાની નોકરી દરમિયાન અનેક લાશ જોઈ હતી; પરંતુ આજનું દૃશ્ય અત્યંત બીહામણું હતું! અત્યારે એ બધો વિચાર કરવાનો સમય નહોતો. ભરત પટેલ એક પછી એક જીવિત વ્યકિતને બહાર લાવીને મુકતા જતા હતા. સાથે જ બહાર રહેલા લોકો ઇજાગ્રસ્તોને ઉંચકીને બહારની તરફ દોડતા હતા. ત્યાં જે વાહન મળે એમાં ઇજાગ્રસ્તોને લઈ તે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ જતા હતા. કેટલાક લોકોને ખાનગી કારમાં, તો કેટલાકને રિક્ષામાં હોસ્પિટલ લઈ જતા હતા.
ભરત પટેલનો યુનિફોર્મ પણ લોહીથી લથબથ થઈ ગયો હતો. તેવી જ સ્થિતિ હિરા સોંલકીની પણ હતી. તે પણ ઇજાગ્રસ્તોને ઉંચકીને લઈ જતા. ચંદ્ર કરતાં પણ સફેદ એવાં તેમનાં કપડાં હવે એકદમ લાલ થઈ ગયાં હતાં. આમ ભરત પટેલે મિનીટોમાં પહેલો રૂમ ક્લીઅર કર્યો. હવે ત્યાં માત્ર લાશો જ પડી હતી. જે જીવતા હતા, તેમને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. હવે બીજા રૂમમાં દાખલ થવાનું હતું.
સિંઘલે કમાન્ડો રામાજી સામે જોયું. તે સમજી ગયો. તે કવર આપવા બાજુના રૂમના દરવાજા પાસે ચિત્તાની ઝડપે પહોંચી ગયો અને રૂમમાં નજર કરી. પછી તેણે બધું જ સલામત હોવાનો ઇશારો કરતાં; ડી.વાય.એસ.પી. સિંઘલ પણ રૂમ નંબર બેના ગેટ સુધી પહોંચી ગયા. ભરત પટેલ અને સિંઘલ રૂમ નંબર બેમાં દાખલ થતાં જ તેમનું ધ્યાન રૂમની અંદર પડેલા લોકો તરફ ગયું.
રૂમની બરાબર વચ્ચે એક સ્ત્રી લોહીમાં તરબોળ હાલતમાં પડી હતી. તે લગભગ નશ્વર જ હતી. તેની છાતીમાં ગોળી વાગેલી હતી. તેની બરાબર બાજુમાં જ આશરે ત્રણ–ચાર વર્ષની બાળકી હતી. એ બાળકીને કંઈ જ થયુ નહોતું. પણ તે પેલી સ્ત્રીનાં પેટ પાસે બેસીને રડી રહી હતી. તે એ સ્ત્રીને જગાડવાનો પ્રયત્ન કરી રહી હતી. પણ તેને ખબર નહોતી કે હવે એ સ્ત્રી; એટલે કે એની મમ્મી કયારે ઉઠવાની નથી!
આ દૃશ્ય જોઈને સિંઘલ અને પટેલને એટલો ગુસ્સો આવ્યો કે, જો હુમલાખોર સામે હોય તો તેમની છાતીમાં બધી જ ગોળીઓ ધરબી દઈએ! સિંઘલે ભરત પટેલ સામે જોયું. ચારે તરફ લાશો પડેલી હતી. અહીંયાં પણ કેટલાંક લોકો હજી જીવતા હતા અને કણસી રહ્યા હતા. પરંતુ સૌથી પહેલા માની લાશ પાસે રડી રહેલી બાળકીને ઉપાડવાની હતી.
સિંઘલ અને પટેલે એકબીજાની સામે જોયું. પછી તરત તેમને ખ્યાલ આવ્યો કે, રૂમ નંબર બેમાંથી ત્રણ નંબરના રૂમમાં જવા માટે બે દરવાજા છે. હજી ત્યાં ચેક કર્યું નહોતું. જો કદાચ હુમલાખોર રૂમ નંબર ત્રણમાં હોય, તો હુમલો થવાની આશંકા હતી. સિંઘલે આંખનો ઇશારો કર્યો કે, ગેટ અમે જોઈ લઈશું. તું બાળકીને ઉપાડી લે. ત્યાં પડેલા લોકોને હળવેથી ઓળંગી ભરત પટેલ બાળકી સુધી પહોંચ્યા. નીચા નમીને જેવી બાળકી ઉપાડી; એકદમ જ બે ફાયર થયા.
(ક્રમશ:)
આ ઓપરેશનમાં NSG ના બે અને ગુજરાત પોલીસના બે જવાનો શહિદીને ભેટ્યા હતા. આ ધારાવાહિક કોઈપણ રાજકીય પક્ષ, ધર્મ, જાતિ, જ્ઞાતિ અને કોઈપણ વિચારધારાનું સમર્થન કે વિરોધ કરતી નથી. સત્ય બાબત જેટલી સરળતાથી સામાન્ય લોકો સુધી મૂકી શકાય; એ દિશામાં થયેલો એક પ્રયાસ છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796