Monday, May 25, 2026
HomeGujaratProxy Server અને Screen Sharing કરીને સરકારી પરીક્ષા માત્ર રૂ. 4 લાખમાં...

Proxy Server અને Screen Sharing કરીને સરકારી પરીક્ષા માત્ર રૂ. 4 લાખમાં પાસ કરોઃ યુવરાજસિંહે કર્યો વધુ એક ઘટસ્ફોટ

- Advertisement -

નવજીવન ન્યૂઝ.ગાંધીનગરઃ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ઓનલાઈન CBT પરીક્ષા પ્રણાલી સામે ગંભીર સવાલો ઊભા કરતાં દાવો કર્યો છે કે દેશમાં સરકારી ભરતી પરીક્ષાઓમાં હવે કૌભાંડનું સ્વરૂપ બદલાઈ ગયું છે અને કાગળ લીકથી આગળ વધીને હવે ‘ડિજિટલ કૌભાંડ’નો ખેલ ચાલી રહ્યો છે. યુવરાજસિંહના આક્ષેપ મુજબ, ઓનલાઈન પરીક્ષાઓને પારદર્શક અને સંપૂર્ણ સુરક્ષિત તરીકે રજૂ કરવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં આ સિસ્ટમ ‘પુરાવા વગરના ગુના’ માટેનું સૌથી સુરક્ષિત માધ્યમ બની રહી છે.

યુવરાજસિંહ જાડેજાના દાવા મુજબ, NEET જેવી પરીક્ષાઓમાં કાગળ આધારિત ગેરરીતિઓના વિવાદ બાદ હવે સ્ટાફ સિલેક્શન કમિશનની CAPF, SSF અને આસામ રાઇફલ્સ ભરતી જેવી ઓનલાઈન પરીક્ષાઓમાં ડિજિટલ રીતે સિસ્ટમમાં ઘૂસણખોરી કરીને ગેરરીતિઓ થતી હોવાના સંકેતો સામે આવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે જ્યાં એક બાજુ પ્રામાણિક વિદ્યાર્થીઓ વર્ષો સુધી મહેનત કરે છે, ત્યાં બીજી બાજુ કેટલાક લોકો લાખો રૂપિયામાં સરકારી નોકરીઓ મેળવવાનો ગેરકાયદેસર માર્ગ અપનાવી રહ્યા છે.

- Advertisement -

તેમના જણાવ્યા મુજબ, ઉત્તર પ્રદેશના નોઈડામાં આવેલા બાલાજી ડિજિટલ ઝોન પરીક્ષા કેન્દ્ર પર STFની કાર્યવાહીમાં કથિત રીતે Proxy Server અને Screen Sharing જેવી ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ઓનલાઈન પરીક્ષા પ્રણાલી સાથે ચેડાં થતી હોવાની વિગતો સામે આવી હતી. યુવરાજસિંહના આક્ષેપ પ્રમાણે, ઉમેદવાર માત્ર કોમ્પ્યુટર સામે બેસે છે, જ્યારે બહાર બેઠેલો ‘સોલ્વર’ સ્ક્રીન શેરિંગ મારફતે પ્રશ્નપત્ર જોઈ જવાબ આપે છે અને ઉમેદવાર માત્ર ક્લિક કરવાની ભૂમિકા ભજવે છે.

યુવરાજસિંહે દાવો કર્યો છે કે એક ઉમેદવાર પાસેથી અંદાજે ₹4 લાખ સુધીની વસૂલાત કરવામાં આવતી હતી. તેમના જણાવ્યા મુજબ, STF દ્વારા કરાયેલી કાર્યવાહીમાં ₹50 લાખ રોકડ, લેપટોપ અને અન્ય ડિજિટલ ઉપકરણો મળ્યાના દાવા સામે આવ્યા છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો આ માત્ર એક પરીક્ષા કેન્દ્રનો આંકડો હોય, તો દેશભરમાં કેટલા મોટા પાયે ગેરરીતિઓ ચાલી રહી હશે?

તેમણે વધુમાં દાવો કર્યો છે કે આ ભરતી સામાન્ય ક્લાર્કની નોકરી માટે નહોતી, પરંતુ BSF, CISF, CRPF, ITBP, SSB, SSF અને Assam Rifles જેવા દેશના સુરક્ષા દળોની ભરતી માટે હતી. યુવરાજસિંહના જણાવ્યા મુજબ, 1 ડિસેમ્બર 2025ના રોજ બહાર પડાયેલી આ ભરતીમાં કુલ 25,487 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં અંદાજે 48,83,309 અરજીઓ મળી હતી. પરીક્ષા ફેબ્રુઆરીથી એપ્રિલ 2026 દરમિયાન યોજાવાની હતી, પરંતુ બાદમાં સ્થગિત થયા પછી હાલ 27 એપ્રિલથી 30 મે 2026 દરમિયાન ચાર તબક્કામાં યોજાઈ રહી છે.

- Advertisement -

વિદ્યાર્થી નેતાએ દાવો કર્યો છે કે ઓનલાઈન પરીક્ષાઓમાં સૌથી મોટી સમસ્યા ‘ડિજિટલ પુરાવા ગાયબ થઈ જવાની’ છે. તેમના જણાવ્યા મુજબ, ઓફલાઇન પેપર લીકમાં ફોટા, વોટ્સએપ મેસેજ અથવા દસ્તાવેજી પુરાવા મળી શકે છે, પરંતુ ઓનલાઈન સિસ્ટમમાં સર્વર બાયપાસ, સ્ક્રીન શેરિંગ અથવા રિમોટ એક્સેસ જેવી પદ્ધતિઓથી ગેરરીતિ થયા બાદ પુરાવા શોધવા અત્યંત મુશ્કેલ બની શકે છે.

યુવરાજસિંહના આક્ષેપ મુજબ, આ પ્રકારની ગેરરીતિ માત્ર ટેક્નિકલ ખામીથી નહીં પરંતુ પરીક્ષા કેન્દ્રોની અંદરથી મળતી સંભવિત મદદ વગર શક્ય નથી. તેમણે ખાનગી પરીક્ષા કેન્દ્રોની ભૂમિકા પર પણ ગંભીર સવાલો ઊભા કર્યા છે અને દાવો કર્યો છે કે સરકારી ભરતી પરીક્ષાઓના કોન્ટ્રાક્ટ ખાનગી ડિજિટલ સેન્ટરોને આપવાથી પારદર્શિતા પર પ્રશ્નો ઊભા થાય છે.

આ સમગ્ર મામલે યુવરાજસિંહ જાડેજાએ કેટલાક સવાલો પણ ઉઠાવ્યા છે. તેમણે પૂછ્યું છે કે આ નેટવર્ક કેટલા વર્ષોથી સક્રિય હતું? પાછલા ત્રણથી ચાર વર્ષમાં આ જ પદ્ધતિથી કેટલા અયોગ્ય લોકો ભરતી થઈ ચૂક્યા હશે? શું આ મામલે રિવર્સ તપાસ કરીને પહેલેથી ભરતી થયેલા ઉમેદવારોની પણ તપાસ કરવામાં આવશે?

- Advertisement -

વિદ્યાર્થી નેતાએ કેટલાક સૂચનો પણ આપ્યા છે, જેમાં અત્યાર સુધી આ ગેંગની મદદથી કોણ કોણ પાસ થયું તેની રિવર્સ તપાસ, Biometric અને AI આધારિત રિયલ-ટાઇમ ચહેરા ચકાસણી, ખાનગી પરીક્ષા કેન્દ્રોની માલિકી અને કામગીરીનું ઓડિટ, તેમજ પરીક્ષા પ્લેટફોર્મ પ્રદાતાઓ સામે સીધી કાનૂની જવાબદારી નક્કી કરવાની માંગનો સમાવેશ થાય છે.

યુવરાજસિંહ જાડેજાના આક્ષેપોએ ઓનલાઈન ભરતી પરીક્ષાઓની વિશ્વસનીયતા અને સુરક્ષા અંગે ફરી એકવાર ગંભીર ચર્ચા જગાવી છે. જોકે, આ તમામ મુદ્દા હાલમાં વિદ્યાર્થી નેતા દ્વારા કરવામાં આવેલા દાવા અને આક્ષેપોના આધારે સામે આવ્યા છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular