Friday, July 10, 2026
HomeGujaratઆણંદ જિલ્લા પંચાયતમાં હાઈવોલ્ટેજ ડ્રામાનો અંત, હાઈકોર્ટની રાહત બાદ BJPની મયુરીબહેન પટેલ...

આણંદ જિલ્લા પંચાયતમાં હાઈવોલ્ટેજ ડ્રામાનો અંત, હાઈકોર્ટની રાહત બાદ BJPની મયુરીબહેન પટેલ પ્રમુખ બન્યા, કોંગ્રેસને

- Advertisement -

નવજીવન ન્યૂઝ.આણંદઃ આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ પદની ચૂંટણીને લઈને છેલ્લા બે દિવસથી ચાલતા ભારે રાજકીય ઘમાસાણ અને કાનૂની લડાઈનો આખરે અંત આવ્યો છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા અપાયેલી વચગાળાની રાહત બાદ ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર મયુરીબહેન પટેલ આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે. આ સાથે કોંગ્રેસના ઉમેદવાર બિનહરીફ જીતશે તેવી ચાલી રહેલી ચર્ચાઓ પર પૂર્ણવિરામ આવી ગયું છે.

આ સમગ્ર વિવાદની શરૂઆત પ્રમુખ પદ માટે દાખલ કરાયેલા ઉમેદવારી ફોર્મથી થઈ હતી. આણંદ જિલ્લા પંચાયતનું પ્રમુખ પદ અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામત છે. ભાજપે આ બેઠક માટે મયુરીબહેન પટેલને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા. મયુરીબહેન મૂળ મહારાષ્ટ્રના રહેવાસી છે અને તેમણે ગુજરાતમાં પટેલ સમાજમાં લગ્ન કર્યા છે. ઉમેદવારી ફોર્મ ભરતી વખતે તેમણે મહારાષ્ટ્ર સરકાર દ્વારા જારી કરાયેલું ‘ભીલ અનુસૂચિત જનજાતિ’નું પ્રમાણપત્ર રજૂ કર્યું હતું.

- Advertisement -

આ પ્રમાણપત્ર સામે કોંગ્રેસે સખત વાંધો ઉઠાવ્યો હતો. 24 મે 2026ના રોજ આણંદના ચૂંટણી અધિકારી સમક્ષ બંને પક્ષો દ્વારા દલીલો રજૂ કરવામાં આવી હતી. ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારીએ નિર્ણય આપ્યો હતો કે ગુજરાત સરકારના અમલમાં રહેલા નિયમો મુજબ અન્ય રાજ્યનું અનામત જાતિ પ્રમાણપત્ર ગુજરાતમાં માન્ય ગણાવી શકાય નહીં. આ આધારે મયુરીબહેન પટેલનું ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવ્યું હતું.

ઉમેદવારી ફોર્મ રદ થતાં જ મામલો રાજકીય રીતે ગરમાયો હતો અને ભાજપે તાત્કાલિક ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. અદાલતમાં ભાજપ તરફથી દલીલ કરવામાં આવી હતી કે ‘ભીલ’ જ્ઞાતિ રાષ્ટ્રપતિના આદેશ મુજબ ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યોમાં અનુસૂચિત જનજાતિ તરીકે માન્ય છે.

ગુજરાત હાઈકોર્ટે પ્રાથમિક સુનાવણી દરમિયાન નોંધ્યું હતું કે આ મુદ્દો કાનૂની રીતે વિગતવાર તપાસ માગે છે કે અન્ય રાજ્યનું પ્રમાણપત્ર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં માન્ય રહી શકે કે નહીં. કોર્ટે સામે પક્ષને નોટિસ પાઠવીને આગામી સુનાવણી 8 જૂન 2026ના રોજ નક્કી કરી હતી. જોકે, અંતિમ નિર્ણય પહેલાં મયુરીબહેન પટેલને મોટી વચગાળાની રાહત આપતાં તેમનું ઉમેદવારી ફોર્મ માન્ય રાખવાનો આદેશ કર્યો હતો.

- Advertisement -

હાઈકોર્ટના આદેશ બાદ 25 મે 2026ના રોજ પ્રમુખ પદ માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આણંદ જિલ્લા પંચાયતમાં ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી હોવાના કારણે મયુરીબહેન પટેલને સરળતાથી વિજય મળ્યો અને તેઓ પ્રમુખ પદે ચૂંટાઈ આવ્યા.

આ સમગ્ર ઘટનાક્રમે ફરી એકવાર બતાવ્યું છે કે રાજકારણમાં કાનૂની દાવપેચ અને યોગ્ય સમયે લેવાયેલા નિર્ણયો સમગ્ર રાજકીય ચિત્ર બદલી શકે છે. હાલ માટે ભાજપે આણંદ જિલ્લા પંચાયત પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે, જ્યારે કોંગ્રેસ માટે સત્તા નજીક આવીને હાથમાંથી નીકળી જવાનો આ મોટો રાજકીય ઝટકો માનવામાં આવી રહ્યો છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular