Monday, May 25, 2026
HomeGujaratગુજરાત-મધ્યપ્રદેશમાં પેટ્રોલ-ડિઝલનું પેનિક બાઈંગઃ હવે સરકારનું આ નિવેદન આવ્યું સામે

ગુજરાત-મધ્યપ્રદેશમાં પેટ્રોલ-ડિઝલનું પેનિક બાઈંગઃ હવે સરકારનું આ નિવેદન આવ્યું સામે

- Advertisement -

નવજીવન ન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને વધતા તણાવ વચ્ચે વિશ્વના અનેક દેશોમાં તેલ અને ગેસ પુરવઠાને લઈને ચિંતા વધી રહી છે. પાકિસ્તાન, દક્ષિણ કોરિયા, બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવા દેશોમાં ઊર્જા સંકટની ચર્ચાઓ વચ્ચે ભારતમાં પણ પેટ્રોલ-ડીઝલ પુરવઠા અંગે અફવાઓ ફેલાતા કેટલાક રાજ્યોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. ગુજરાતથી લઈને મધ્યપ્રદેશ સુધી અનેક શહેરોમાં લોકો પોતાની કાર અને બાઇકમાં પેટ્રોલ ભરાવવા માટે લાંબી કતારોમાં ઊભા જોવા મળ્યા હતા.

જોકે જથ્થો ઓછો મળતો હોવાને કારણે ભાવોમાં વધારો થયો હોવાની વાતો વચ્ચે અને વડાપ્રધાનની પેટ્રોલ ડિઝલના વપરાસ પર કરકસર કરવાની વાતો વચ્ચે ફરી સબ સલામતના દાવા કંપનીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. કંપનીઓ લોકોને સલાહ આપી રહી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ જ્યારે ઈન્ટરનેશનલ માર્કેટમાં સાવ નીચો ભાવ હતો ત્યારે પણ લોકોએ ફ્યૂલ આવા જ ઊંચા ભાવોમા ભરાવ્યું છે. લોકો કહે છે કે, જે તે સમયે કંપનીઓએ ખુબ નફો કમાયો છે, હવે જ્યારે દેશને સંકટના સમયે જરૂર છે ત્યારે કંપનીઓએ આગળ આવવું જોઈએ, દર વખત લોકોને જ કેમ આગળ ધરી દેવાય છે?

- Advertisement -

સોશિયલ મીડિયા પર એવી અફવાઓ ફેલાઈ હતી કે ઈરાન સાથે જોડાયેલા યુદ્ધના કારણે સપ્લાય ચેઇનમાં વિક્ષેપ આવી શકે છે અને દેશમાં પેટ્રોલ-ડીઝલની અછત સર્જાઈ શકે છે. આ અફવાઓ બાદ લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને પેનિક બાયિંગ શરૂ થઈ ગઈ હતી.

આ સ્થિતિ વચ્ચે દેશની સરકારી તેલ કંપનીઓએ આગળ આવીને સ્પષ્ટતા કરી છે કે પેટ્રોલ અને ડીઝલની કોઈ અછત નથી અને લોકો અફવાઓથી દૂર રહે.

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)એ સોશિયલ મીડિયા પર જાહેર નિવેદનમાં જણાવ્યું છે કે પેટ્રોલ અને ડીઝલની કોઈ અછત નથી. કંપનીએ કહ્યું છે કે ઓનલાઈન ફેલાતી આવી અફવાઓ બિનજરૂરી ગભરાટ ફેલાવે છે અને સામાન્ય સપ્લાય સિસ્ટમમાં વિક્ષેપ ઉભો કરી શકે છે. ઇન્ડિયન ઓઇલના તમામ પેટ્રોલ પંપ પર પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને કામગીરી સંપૂર્ણપણે સામાન્ય રીતે ચાલી રહી છે.

- Advertisement -

કંપનીએ લોકોને અપીલ કરી છે કે ગભરાઈને વધુ ખરીદી ન કરે અને માત્ર અધિકૃત માહિતી પર જ વિશ્વાસ રાખે. કંપનીના જણાવ્યા મુજબ સૌના સહકારથી પુરવઠા વ્યવસ્થા સરળતાથી ચાલુ રાખી શકાય છે.

ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)એ પણ આવી જ સ્પષ્ટતા કરી છે. કંપનીએ જણાવ્યું છે કે પેટ્રોલ-ડીઝલની અછત અંગેની અફવાઓ સંપૂર્ણપણે ખોટી છે. દેશમાં પૂરતું ઇંધણ ઉપલબ્ધ છે અને સપ્લાય ચેઇનમાં કોઈ અવરોધ નથી. કંપનીએ જણાવ્યું છે કે તમામ સ્થળોએ નિરંતર પુરવઠો જળવાઈ રહે તે માટે કામગીરી ચાલુ છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન અનેક શહેરોમાં પેટ્રોલ પંપ પર લાંબી લાઇનો જોવા મળી હતી. લોકો કોઈ સત્તાવાર પુષ્ટિ વગર જ પોતાના વાહનોની ટાંકી ફુલ કરાવતા જોવા મળ્યા હતા. આ સ્થિતિ વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને ગભરાટમાં ભીડ ન એકત્ર કરવાની અપીલ કરી હતી.

- Advertisement -

મધ્યપ્રદેશમાં પણ આગાર માલવા, ઇન્દોર અને મંદસૌર સહિત અનેક શહેરોમાં આવો જ માહોલ જોવા મળ્યો હતો. અહીં તો કેટલાક લોકો વાહનો ઉપરાંત ડબ્બા અને કેન લઈને પણ પેટ્રોલ પંપ પર પહોંચી ગયા હતા.

પશ્ચિમ એશિયાની સ્થિતિને કારણે વૈશ્વિક સ્તરે ઊર્જા પુરવઠા અંગે ચિંતા હોવા છતાં હાલ દેશમાં પેટ્રોલ-ડીઝલ પુરવઠો સામાન્ય હોવાનું સરકારી તેલ કંપનીઓએ સ્પષ્ટ કર્યું છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular