નવજીવન ન્યૂઝ, ડેસ્ક : વિશ્વભરમાં હાલ સૌથી વધુ ચર્ચાતો વિષય હોય તો તે છે ક્રૂડ ઓઈલ. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઘર્ષણના કારણે વિશ્વ આખામાં ક્રૂડ ઓઈલ સપ્લાયની સ્થિતિ ખોરવાઈ ગઈ (Crude oil supply disrupted worldwide) છે અને સાથે-સાથે ભાવમાં પણ મોટો વધારો આવ્યો છે. વૈશ્વિક બજારમાં કયારે કયો દેશ કોનો મિત્ર બની જાય અને કોનો દુશ્મન તે કહેવું મુશ્કેલ છે. છેલ્લાં નવ મહિનાથી જે દેશ પાસેથી તેલનું ટીપું પણ ખરીદ્યું ન હતું તેની પાસેથી આજની તારીખે ભારત દેશ અંદાજે 4.17 લાખ બેરલ પ્રતિ દિવસ ક્રૂડ ઓઈલ મેળવી રહ્યો છે. વેનેઝુએલાએ સાઉદી અરેબિયાને પાછળ છોડી ભારતનો ત્રીજો સૌથી મોટો ક્રૂડ સપ્લાયર દેશ બની (Venezuela overtakes Saudi Arabia in crude oil supply) ગયો છે. અત્રે નોંધનીય છે કે, રશિયા અને UAE ભારતના કાયમી અને ભરોસા પાત્ર પાર્ટનર છે અને તે બાદ ત્રીજા સ્થાને વેનેઝુએલા છે. સાઉદી અરેબિયા હવે ચોથા સ્થાન પર જતું રહ્યું છે.
એનર્જી કાર્ગો ટ્રેકર Kpler ના તાજેતરના ડેટા અનુસાર, મે મહિનામાં વેનેઝુએલાએ ભારતને દરરોજ અંદાજે 4.17 લાખ બેરલ પ્રતિ દિવસ ક્રૂડ ઓઇલ સપ્લાય કર્યું છે. આ આંકડો એપ્રિલ મહિનામાં માત્ર 2.83 લાખ બેરલ પ્રતિ દિવસ હતો. આશ્ચર્યની વાત એ છે કે, આ પહેલાના સતત 9 મહિના સુધી ભારતે વેનેઝુએલા પાસેથી એકટીપું તેલ ખરીદ્યું નહોતું. વેનેઝુએલાનું ક્રૂડ ઓઈલ ખરીદી પાછળનું મુખ્ય કારણ કિંમત અને સંજોગો છે. વેનેઝુએલાનું ક્રૂડ ઓઇલ વધુ સલ્ફરવાળું અને ભારે હોય છે. જેથી તેની પ્રોસેસ સામાન્ય નથી. જામનગરમાં આવેલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની એડવાન્સ રિફાઇનરી (Jamnagar Reliance Refinery) માં આ પ્રક્રિયા આસાનીથી થઈ શકે છે.








