Monday, January 20, 2025
HomeSeriesAkshardham Attack2007માં અમદાવાદ કોર્ટે આરોપીઓને ફાંસી આપવાનો હુકમ કર્યો, 2014માં સુપ્રીમ કોર્ટે કહ્યું...

2007માં અમદાવાદ કોર્ટે આરોપીઓને ફાંસી આપવાનો હુકમ કર્યો, 2014માં સુપ્રીમ કોર્ટે કહ્યું બધા જ નિર્દોષ છે

- Advertisement -

પ્રશાંત દયાળ (અક્ષરધામ અટેક. ભાગ-41): Akshardham Temple Attack Series : કાશ્મીર પોલીસે ચાંદખાનને પકડી લીધો હતો. એ.સી.પી. ગિરીશ સિંઘલ (ACP Girish Singhal) શ્રીનગરથી અમદાવાદ પાછા આવી ગયા હતા. હવે ફાઇનલ પિક્ચર સામે આવી ગયું હતું. ચાંદખાનની સાથે બે છોકરાઓ પણ આવ્યા હતા. ત્રણેય અમદાવાદની (Ahmedabad) ગુલશન હોટલમાં રોકાયા હતા. જ્યાં તેમણે પાકિસ્તાથી આવેલા હાફીઝ અને અશરફને બિસ્તરા આપી દીધા હતા, જેમાં AK47 રાયફલ અને હેન્ડગ્રેનેડ્સ હતા. ત્યાર પછી ચાંદ અને તેની સાથે આવેલા શાકીર તથા તામીલ અમદાવાદ છોડીને જતા રહ્યા હતા. ગિરીશ સિંઘલે પોતાની ડાયરીમાં નોંધ્યુ કે, હવે શાકીર અને તામીલને શોધવાના છે.

24મી સપ્ટેમ્બરના રોજ હાફીઝ અને અશરફ અમદાવાદના દરિયાપુરમાં આવે છે. ત્યાંની મસ્જિદમાં મુફતી કયુમ તેમને કામયાબી કે પછી શહાદતની નમાઝ પઢાવે છે. હાફીઝ અને અશરફ ત્યાંથી નીકળી પાછા અમદાવાદની ગુલશન હોટલ પર આવે છે. ત્યાંથી હથિયાર પોતાની બેગમાં લઈ, ટેકસી પકડી, સીધા ગાંધીનગર અક્ષરધામ મંદિર (Akdhardham Mandir) પહોંચે છે. આમ એક પછી એક ઘટનાઓ હવે ક્લીઅર થઈ રહી હતી. હવે પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીઓના રિમાન્ડ ચાલી રહ્યા હતા.

- Advertisement -

પકડાયેલા તમામ આરોપી સામે અમદાવાદ ક્રાઇમબ્રાંચે (Crime Branch) આતંકવાદ વિરોધી ધારાઓ લગાવી હતી. જેમાંથી ચાંદખાન કાશ્મીર પોલીસની કસ્ટડીમાં હતો, જ્યારે ક્રાઇમબ્રાંચ પાસે મુફતી કયુમ, મૌલાના અબ્દુલા, આદમ અજમેરી, અલતાફ અને સલીમ હતા. તમામની ‘પોટા’ એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી. તેમને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માગવામાં આવ્યા હતા. આ ઉપરાંત ગુજરાત બહારના અન્ય આરોપીઓ પણ હતા; જે પોલીસની પકડથી બહાર હતા. કાશ્મીર પોલીસનો કેસ પૂરો થતાં ચાંદખાનની કસ્ટડી પણ અમદાવાદ ક્રાઇમબ્રાંચને મળી ગઈ હતી.

બીજી તરફ જે આરોપીઓ પકડાયા હતા, તેમનો પરિવાર સતત પોલીસ પર આરોપ લગાવી રહ્યો હતો કે, પોલીસે ખોટા કેસમાં તેમના પરિવારજનોને પકડ્યા છે. મુફતી કયુમ અને મૌલાના અબ્દુલાએ 2002નાં તોફાન વખતે અમદાવાદનાં દરિયાપુરમાં આવેલા બહાવીર હોલમાં રાહત કેમ્પ શરૂ કર્યો હતો. જેનાં કારણે તેમને નિશાન બનાવ્યા હોવાનો પણ સરકાર અને પોલીસ પર આક્ષેપ હતો. જોકે હવે મામલો કોર્ટમાં પહોંચી ગયો હતો. મુફતી કયુમને ત્રણ વખત પોલીસ રિમાન્ડ મળ્યા હતા અને કુલ 27 દિવસ સુધી રિમાન્ડ ચાલ્યા હતા.

રિમાન્ડ પૂરા થતાં તમામ આરોપીઓને જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા. હવે જે જેલમાં હતા, તેમના માટે સમય થંભી ગયો હતો; પણ પોલીસ અને સમાચારની પાછળ દોડતાં પત્રકારો એક નવી સ્ટોરી માટે દોડી રહ્યા હતા. મામલો ગંભીર હોવાને કારણે ક્રાઇમબ્રાંચ દ્વારા નવેમ્બર 2003માં ચાર્જશીટ પણ રજૂ કરી દેવામાં આવી હતી. આ મામલે સાડા ત્રણ વર્ષ સુધી અમદાવાદની સાબરમતી જેલમાં જ ‘ખાસ સેશન્સ’ કોર્ટમાં કેસ ચાલ્યો હતો. 1 જુલાઈ 2007ના રોજ સેશન્સ કોર્ટે (Session court) પોલીસે પકડેલા આરોપી મુફતી કયુમ, આદમ અજમેરી, ચાંદખાનને દોષિત જાહેર કરી ફાંસીની સજાનો હુકમ કર્યો. જ્યારે સલીમ અને મૌલાના અબ્દુલાને દસ વર્ષ તથા અલતાફને પાંચ વર્ષની સજાનો હુકમ કર્યો. જોકે આ તમામ આરોપીઓ માટે હજી ગુજરાત હાઇકોર્ટનો દરવાજો ખુલ્લો હતો.

- Advertisement -

ગજરાત હાઇકોર્ટમાં (Gujarat High Court) સેશન્સ કોર્ટે ફરમાવેલી ફાંસીની સજા કાયમ રાખવા ગુજરાત સરકારે અપીલ કરી હતી, જ્યારે આરોપીઓએ પોતે નિદોર્ષ હોવાનો દાવો કરી હાઇકોર્ટમાં દાદ માગી હતી; પણ 2010માં ગુજરાત હાઇકોર્ટે પણ સેશન્સ કોર્ટના હુકમને બહાલી આપી હતી. આમ, હાઇકોર્ટમાં રાહત મળશે; તેવી આરોપીઓની આશા ઠગારી નિવડી હતી. હવે એક માત્ર રસ્તો સુપ્રીમ કોર્ટમાં જવાનો હતો.

આરોપીઓ દ્વારા ગુજરાત હાઇકોર્ટના હુકમને હવે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) પડકારવામાં આવ્યો હતો. અમદાવાદ સેશન્સ કોર્ટ દ્વારા કેટલાક પુરાવાઓને નજર અંદાજ કરાયા છે અને પોલીસે મૂકેલા ખોટા પુરાવાઓ કોર્ટે ગ્રાહ્ય રાખ્યા છે; તેવો દાવો આરોપીઓએ સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવેલી અપીલમાં કર્યો હતો. મુફતી કયુમ સહિત જેમને પણ સજા થઈ હતી, તેમની પડખે વિવિધ મુસ્લીમ સંગઠનો હતા. કોર્ટમાં સારામાં સારા વકીલ રાખવા સહિતની તમામ કાયદાકીય મદદ તેઓ કરી રહ્યા હતા.

તા 16મી મે 2014નો દિવસ આ કેસ માટે ખૂબ સૂચક હતો. દેશમાં લોકસભાની ચૂંટણી થઈ ચૂકી હતી અને પરિણામો જાહેર થઈ રહ્યા હતા. જેમાં નરેન્દ્ર મોદીની ભાજપ અને એન઼.ડી.એ.ના પક્ષો સત્તા તરફ જઈ રહ્યા હતા. કોંગ્રેસ અને યુ.પી.એ. સરકારની હાર થઈ રહી હતી; પણ એ દિવસે દેશની સર્વોચ્ચ અદાલત ગુજરાત પોલીસને એક મોટો આંચકો આપવાની હતી!

- Advertisement -

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એ. કે. પટનાયક અને ગૌડાની બેચે અક્ષરધામ કેસમાં પકડેલા તમામ આરોપીઓ નિદોર્ષ હોવાનો ચુકાદો આપીને ગુજરાત પોલીસે રજૂ કરેલી થિઅરી અને પુરાવાઓને ફગાવી દીધાં હતાં. આમ, બરાબર અગિયાર વર્ષ પછી સુપ્રીમ કોર્ટે તમામ આરોપીઓને મુક્ત કરવાનો આદેશ કરતાં ચુકાદામાં નોંધ્યું કે, “પોલીસે પકડેલા આરોપીઓ સાચા નથી.”

“અક્ષરધામ કેસમાં પકડેલા તમામ આરોપીઓ નિદોર્ષ છે.” સુપ્રીમ કોર્ટે આવો આદેશ કરતાં આરોપીઓ તરફથી સુપ્રીમ કોર્ટને સવાલ પુછાયો હતો કે, જો અમે નિદોર્ષ હતા; તો અમે અમારી જીંદગીની અગિયાર વર્ષ જેલમાં પસાર કર્યા, અમારા આ અગિયાર વર્ષ કેવી રીતે અમને પાછા મળી શકે? કારણ કે, આ અગિયાર વર્ષમાં અમારા પરિવારે પણ યાતના ભોગવી છે. તેથી ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ અમારી પર ખોટો કેસ કરી અમને જેલમાં અગિયાર વર્ષ સુધી બંધ રાખવા માટે વળતર ચૂકવે. સુપ્રીમ કોર્ટે આ મામલે એક અલગ પિટિશન દાખલ કરવા જણાવ્યું હતું.

અમદાવાદ ક્રાઇમબ્રાંચ સામે પણ સુપ્રીમ કોર્ટના આદેશ પછી અનેક શંકાઓ ઊભી થઈ હતી. આમ તો અક્ષરધામ કેસ ગુજરાત એ.ટી.એસ.નો હતો, પણ એ.ટી.એસ.ના અધિકારીઓ આ મામલે ઉતાવળ કરી, ખોટા આરોપીઓને પકડવા માગતા નહોતા. અમદાવાદ ક્રાઇમબ્રાંચે આંતરિક હરિફાઈમાં ઉતાવળ કરી નાખી હોવાનો ગણગણાટ શરૂ થયો હતો. હવે સવાલ એ હતો કે, જો સુપ્રીમ કોર્ટે છોડી મુકેલા આરોપીઓ નિદોર્ષ હતા; તો અક્ષરધામ પર હુમલો કરાવનારા ખરેખર કોણ હતા? જેનો જવાબ ગુજરાતના પત્રકારો પૂછી રહ્યા હતા, પણ ક્રાઇમબ્રાંચ પાસે તેનો જવાબ નહોતો.

(ક્રમશ:)

Part 40 : ચાંદખાન કશ્મીર પોલીસ અધિકારીની હત્યા કરવા માગતો હતો, પરંતુ તેના બદલામાં તે અમદાવાદ હથિયાર લાવવા તૈયાર થયો

આ ઓપરેશનમાં NSG ના બે અને ગુજરાત પોલીસના બે જવાનો શહિદીને ભેટ્યા હતા. આ ધારાવાહિક કોઈપણ રાજકીય પક્ષ, ધર્મ, જાતિ, જ્ઞાતિ અને કોઈપણ વિચારધારાનું સમર્થન કે વિરોધ કરતી નથી. સત્ય બાબત જેટલી સરળતાથી સામાન્ય લોકો સુધી મૂકી શકાય; એ દિશામાં થયેલો એક પ્રયાસ છે.

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  • લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  • જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  • 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  • શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  • દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  • નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
Prashant Dayal
Prashant Dayal
પ્રશાંત દયાળ, ગુજરાતી પત્રકારત્વનું એવું નામ જેણે પત્રકારત્વની દુનિયાની તડકી છાંયડી જોઈ આજે પણ સતત કાર્યરત રહી સાચું પત્રકારત્વ લોકો સુધી પહોંચે તેના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. એક ક્રાઈમ રિપોર્ટર તરીકેની તેમની સફર ગુજરાતી પત્રકારત્વમાં ઘણા બોધપાઠ આપનારી રહી છે. તેઓ હાલ રિપોર્ટિંગની સાથે સાથે, નવજીવન ટ્રસ્ટ સંચાલિત ડિપ્લોમા ઈન જર્નાલિઝમમાં અને સાબરમતી જેલમાં પત્રકારત્વના પાઠ પણ ભણાવે છે.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular