Friday, May 8, 2026
HomeGujaratશબ્દોથી સમજણ ગમે તેટલી સ્પષ્ટ થતી હોય પણ આખરે વ્યક્તિએ પોતાનો ‘ધર્મ’...

શબ્દોથી સમજણ ગમે તેટલી સ્પષ્ટ થતી હોય પણ આખરે વ્યક્તિએ પોતાનો ‘ધર્મ’ ખુદે જ શોધવાનો રહ્યો

- Advertisement -

કિરણ કાપુરે, નવજીવન ન્યૂઝ : હિંદુ ધર્મની વિભાવના શું છે અને તે વિશે યુગેયુગે અને વ્યક્તિએ-વ્યક્તિએ તેનો ખ્યાલ કેમ બદલાતો રહ્યો છે? હિંદુ ધર્મના ખ્યાલને ઘણી વાર ખૂબ સંકુચિત રીતે રજૂ કરવામાં આવે છે; તો અનેક સ્થાને હિંદુ ધર્મને સર્વસમાવેશ તરીકે જોવાય છે. હિંદુ ધર્મમાં નાસ્તિકતા સમાય છે; અને એ રીતે અતિ કર્મકાંડી પણ હિંદુ છે. ઘણી વખત હિંદુ ધર્મને નિશ્ચિત ભૂગોળથી સરખાવવામાં આવે છે. હિંદુ ધર્મમાં આમ છેડાના બે બિંદુઓનો સમાવેશ થાય છે. હિંદુ ધર્મના આવા ખ્યાલને વધુ સ્પષ્ટ કરવા અર્થે જાણીતા લેખક રાજમોહન ગાંધી એક પુસ્તક લખ્યું છે. આ પુસ્તકનું નામ છે : ‘ડુ યુ નો યોર હિંદુઇઝમ?’(Do You Know Your Hinduism by Rajmohan Gandhi) મતલબ કે તમે તમારા હિંદુ ધર્મને ઓળખો છો? આનો ઉત્તર સ્વાભાવિક છે અનેકાનેક હોઈ શકે. પરંતુ તેમણે કેટલીક એવી બાબતો પુસ્તકમાં રજૂ કરી છે જેથી તે કોઈ પણ હિંદુ ધર્મીને સ્વીકારવામાં વાંધો ન હોય.

તેમણે પોતાની વાત સંક્ષિપ્ત રીતે રજૂ કરી છે અને તે રજૂઆત મુજબ તેઓ લખે છે કે, ‘સૌથી પહેલાં તો હિંદુ દુનિયાભરમાં પ્રસરેલા છે, તે માટે હિંદુ ધર્મ હવે માત્ર ભારતના ભૂ-ભાગ સુધી મર્યાદિત રહ્યો નથી. ભારતની બહાર પણ હિંદુ ધર્મ અસ્તિત્વ ધરાવે છે; પછી ભલે ને ભારતીય ન હોય તેવા મૂળ હિંદુઓની સંખ્યા હજુ વધુ ન હોય. નજીકના ભવિષ્યમાં દુનિયાના મોટા ભાગના ભારતીય સંભવત્ હિંદુ જ રહેશે, અને વિશ્વભરના અધિકાંશ હિંદુ સંભવત્ રીતે ભારતીય રહેશે.’ હિંદુ ધર્મને લઈને જે પ્રશ્નો રાજમોહન ગાંધી કરે છે; તેમાં તેમની પૃચ્છા છે કે, શું હિંદુ મૂલ્ય વિશ્વના મન પર મુખ્ય સ્થાન મેળવશે કે નહીં? વહેતાં સમય સાથે હિંદુ મૂલ્યોને હિંદુ જ્ઞાતિથી વેગળી ઓળખ મળી શકશે? જેથી પૂરી માનવતા તેને સ્પષ્ટ રીતે સમજી શકે અને તેને સ્વીકારવા અર્થે સક્ષમ હોય? વિશેષ રીતે હિંદુને ભારતીય કે ભારતીય ન હોય તેવાં જીવનસાથી કે મિત્રને હિંદુ મૂલ્યોને વધારે સ્પષ્ટતાથી સમજાવી શકશે?’

- Advertisement -

રાજમોહન આગળ કહે છે કે, ‘આપણે એ સ્વીકારી લેવું જોઈએ કે ભારતીય અને હિંદુઓને દુનિયા જોઈ રહી છે અને સમજવાનો પ્રયાસ પણ કરે છે. શું વિશ્વ હિંદુ સમાજની વૃદ્ધીને જિજ્ઞાસાની રીતે જોઈ રહ્યો છે? કે આનંદથી? આશાથી કે ચિંતાથી? કે પછી ભયથી, એટલે સુધી કે દુશ્મનાવટની રીતે? આનો જવાબ આંશિક રીતે તેના પર નિર્ભર કરે છે કે એક હિંદુ દેશ અને વિદેશમાં કેવો વ્યવહાર કરે છે. અને એ પણ કે હિંદુ બહુમતિ અને સરકારી સંસ્થાઓ દેશમાં ધાર્મિક રીતે અલ્પસંખ્યકો સાથે કેવો વ્યવહાર કરે છે? આ અંતિમ પ્રશ્નને લઈને સ્થિતિ વ્યાપક રીતે માપદંડ તરીકે સ્વીકારાયેલી છે. એક પછી એક ઘટના દુઃખ જન્માવે છે, અને માત્ર દુઃખ નહી, પરંતુ આઘાત, ઘૃણા, ગુસ્સો અને શરમ સુધ્ધા. ક્યારેક તેમાં વ્યવહાર અમાનવીય હોય છે. અને સૌથી ચિંતાજનક વાત એ છે કે આ પ્રશ્નના ઉત્તરમાં માત્ર મૌન પળાય છે. ન કોઈ ફિટકાર, ન અસહમતિ, ન સુધારાનો અવાજ – ન સરકાર તરફથી ન કે સત્તા પક્ષ તરફથી. આ એટલું નિરાશાજનક છે કે હિંદુ ધર્મના ધાર્મિક સંગઠનો સુધ્ધા મૌન ધરીને બેઠા છે.’

હિંદુ ધર્મને સમજવા-જાણવા અર્થે વર્તમાનમાં થઈ રહેલી ઘટનાઓનો સંદર્ભ રાજમોહન ગાંધીએ આપ્યો છે અને તે કારણે હિંદુ ધર્મની છબિ કેવી રીતે ખરડાઈ છે તેની વાત પણ તેઓ કરે છે. તેઓ લખે છે એ મતલબનું છે કે, પ્રામાણિક હિંદુઓ કોઈના પર થયેલા હૂમલા બાદ મૌન ધારણ કરે છે તે બેવડા આઘાત સમાન છે. હિંદુ ધર્મ વિશે જાણવા-સમજવા માંગતા જિજ્ઞાસુઓ માટે આ સ્થિતિ નિરાશાજનક છે. આગળ તેઓ લખે છે કે, ‘આપણે આ પ્રકારના પેટર્નના આદિ થઈ ચૂક્યા છીએ. વ્હાટ્સએપ દ્વારા સંગઠીત ભીડ કોઈ મુસ્લિમ પર કથિત રીતે ગૌમાંસ રાખવા કે કોઈ અન્ય આરોપ હેઠળ હિંદુ ધર્મની લાગણીને ઠેસ પહોંચાડવાને લઈને હૂમલો કરે છે. પોલીસ પણ હૂમલાખોરોના બદલે પીડિતાના સંબંધીઓને પાછળ પડે છે કે ભીડ પર જે આરોપ લાગ્યા છે તે ખોટા છે કે સાચાં. ન્યાયાલયો મંદ ગતિએ કાર્યરત છે અને આ મુદ્દામાં હસ્તક્ષેપ કરવામાં ખચકાટ અનુભવે છે. અપવાદોને છોડી દઈએ તો મીડિયા પણ આ પ્રકારના હૂમલાઓને દબાવી દે છે, અથવા તો તેનું દેખાડવાનું પ્રમાણ ઓછું છે. રાજકીય અને ધાર્મિક આગેવાન તેને યોગ્ય ઠેરવવા માટે દલીલો કરે છે.’

રાજમોહન ગાંધી દેશમાં હિંદુ-મુસ્લિમ વિખવાદની ઘટનાઓ (Incidents of Hindu-Muslim conflict in India) ટાંકી છે તેમાં ક્યાંક બાળકો પણ શિકાર થયા છે. માનવી તરીકે આપણી નીચેની પાયરીએ ઉતરી રહ્યા છે તે તરફ તેમનો નિર્દેશ છે. આ મુદ્દો સમજાવવા અર્થે તેઓ રાજમોહન ગાંધી તેમના દાદા અને દેશના રાષ્ટ્રપિતા ગાંધીજી (Father of the Nation Gandhiji) નો એક દાખલો ટાંકે છે. તેઓ લખે છે કે, ‘ગાંધીજીએ પોતાની આત્મકથા સત્યના પ્રયોગોમાં 1894ની એક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. જ્યારે તેઓ 24 વર્ષના વકીલ હતા અને દક્ષિણ આફ્રિકાના ડરબન શહેરમાં વસવાટ કરતા હતા ત્યારે એક તમિલ ભાષી મજૂર બાલાસુંદરમ્, જેને તેના ગોરા માલિકે માર મારીને અધમૂઓ કરી નાંખ્યો હતો. બાલાસુંદરમ્ તે પછી ગાંધી પાસે મદદ માંગવા ગયો. ગાંધીજીએ તે મજૂરને અન્ય માલિક પાસે મૂકવાની મદદ કરી. આ ઘટના વિશે ગાંધીજીએ લખ્યું છે કે, ‘બીજાને નામોશ કરી મનુષ્યો પોતે કેમ માન માની શકતાં હશે એ કોયડો હજુ લગી હું ઉકેલી શક્યો નથી.’’

- Advertisement -

રાજમોહન ગાંધીજીએ જેમ અહીં ગાંધીજીનો પ્રસંગ ટાંક્યો છે તેમ તેમના હિંદુ ધર્મના લખાણ પર ગાંધીજીની અસર બેશક રહી હશે, કારણ કે ગાંધીજીએ હિંદુ ધર્મ વિશે ખૂબ લખ્યું છે. જોકે અહીં એક વાત સ્પષ્ટ કરવી રહી કે ગાંધીજી અન્ય ધર્મો વિશે પણ ખૂબ લખ્યા-બોલ્યા છે. ગાંધીજી હિંદુ ધર્મ વિશે કહે છે કે, ‘મારી નજરે તો હિંદુ ધર્મ બધી જરૂરિયાતોને પૂરી કરે છે. તેની વિશાળ છાયામાં દરેક જાતના વિશ્વાસને રક્ષા મળી જાય છે. હિંદુ ધર્મ પ્રત્યેનો મારો ભાવ હું કઈ રીતે વર્ણવી શકું? મારી સ્ત્રી પ્રત્યેનો મારો ભાવ હું વર્ણવી શકું તો હિંદુ ધર્મ પ્રત્યેનો મારો ભાવ વર્ણવી શકું. મારી સ્ત્રી મારા અંતરને જે રીતે હલાવે છે તે રીતે દુનિયાની બીજી કોઈ સ્ત્રી હલાવી શકે એમ નથી. આનો અર્થ એવો નથી કે એનામાં હું કંઈ દોષ જોતો નથી. હું કહું છું કે હું જોઈ શકું છું તે કરતાં પણ વધારે દોષો તેનામાં હશે. છતાં એક અતૂટ મમતાના બંધનથી ભાવના અહોરાત્ર મારા અંતરમાં જાગ્રત છે. તે જ મમતાની ભાવના હિંદુ ધર્મને માટે પણ તેના બધા દોષો અને મર્યાદાઓ છતાં મારા અંતરમાં છે.’ તેમના આ વિચાર ‘મહાત્મા ગાંધીના વિચારો’ પુસ્તકમાં વાંચવા મળે છે. અને હિંદુ ધર્મ વિશેના વિચારો રજૂ કરતા તેઓ ગાંધીજી એટલે સુધી જાય છે કે તેઓ એમ સુધ્ધા કહે છે કે, ‘હું અવશ્ય માનું છું કે ઈશ્વરના દરબારમાં નથી કોઈ હિંદુ કે નથી ખ્રિસ્તી કે નથી મુસલમાન. ત્યાં ઈશ્વર કોઈને નથી પૂછવાનો કે તારો ધર્મ શો હતો. તું તને મુસલમાન કહેવડાવતો હતો કે હિંદુ; ત્યાં તો ઈશ્વર એ જ પૂછશે કે તે કેવાં કર્મ કર્યાં છે. આ લોકમાં છીએ ત્યાં લગી આપણે પોતાના ધર્મથી જ ઓળખાવવાનું છે એ વાત સાચી. એટલે મારે તો જ્યાં સુધી મારી ઉન્નતિને વાંધો ન આવે કે કોઈ પણ બીજા ધર્મનું સારું તેટલું લેવામાં અડચણ ન આવે ત્યાં સુધી મારા બાપદાદાનો જ ધર્મ ચાલુ રાખવો જોઈએ.’

હિંદુ ધર્મની વ્યાપકતા કે સૂક્ષ્મતા આટલા શબ્દોમાં ન જ સમજાવી શકાય. ગાંધીજીના હિંદુ ધર્મ વિશે લખ્યું છે તેનો પરિપ્રેક્ષ્ય વ્યાપક રાખ્યો છે- તે અહીં કહેવાની જરૂર નથી અને એ રીતે રાજમોહન ગાંધીના આ પુસ્તકમાં પણ હિંદુ ધર્મના તમામ પાસાની ચર્ચા કરવામાં આવી છે. આ શબ્દોથી સમજણ ગમે તેટલી સ્પષ્ટ થતી હોય પણ આખરે વ્યક્તિએ પોતાનો ‘ધર્મ’ તો પોતે જ શોધવાનો રહ્યો.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular