પ્રશાંત દયાળ (અક્ષરધામ અટેક. ભાગ-40): Akshardham Temple Attack Series : એ.સી.પી. ગિરીશ સિંઘલ (ACP Girish Singhal) કાશ્મીરમાં જ રોકાયા હતા. કાશ્મીર પોલીસે (Kashmir Police) પકડેલા ચાંદખાને જે કબુલાત કરી હતી, તે સ્ફોટક હોવાની સાથે બહુ મહત્ત્વની પણ હતી. ચાંદખાન કાશ્મીર પોલીસની કસ્ટડીમાં હતો. કાશ્મીર પોલીસના રિમાન્ડ પૂરા થાય પછી અક્ષરધામ કેસમાં (Akshardham Case) ટ્રાન્સફર વોરંટના આધારે ચાંદખાનને અમદાવાદ (Ahmedabad) લઈ આવવાનો હતો. સિંઘલે અમદાવાદમાં રહેલા પોતાના સ્ટાફને અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પાસે રહેલી ગુલશન હોટલ ચેક કરવાનો આદેશ આપ્યો. અમદાવાદથી વળતો જવાબ પણ આવી ગયો કે, ચાંદખાનની વાત સાચી છે. 24મી સપ્ટેમ્બરના રોજ ગુલશન હોટલમાં ત્રણ માણસો ઉતર્યા હોવાની એન્ટ્રી મળી આવી છે. આ રીતે એક પછી એક, બધી જ કડીઓ જોડાઈ રહી હતી. ચાંદખાને સિંઘલ સામે કરેલી કબુલાત ઘણી ઇન્ટ્રરેસ્ટિંગ હતી.
કાશ્મીરના અનંતનાગમાં રહેતો ચાંદખાન મૂળ ઉત્તરપ્રદેશનો વતની હતો. એ સારો મિકેનિક હતો. અનંતનાગમાં તેનું ગેરેજ પણ સારું ચાલતું હતું. તેનાં ગેરેજ ઉપર કાશ્મીર પોલીસનો એક અધિકારી રોજ આવતો હતો. ચાંદખાનને શંકા હતી કે, એ અધિકારી અને તેની પત્ની વચ્ચે કંઈક રંધાઈ રહ્યું છે. ચાંદખાનને એ વાત સતત કોરી ખાતી હતી. જે શંકાથી તેનું મગજ પણ ગુસ્સામાં ફાટી રહ્યું હતું. તેણે એ પોલીસ અધિકારીનો કાંટો કાઢી નાખવાનું મનોમન નક્કી કર્યું, પણ ચાંદખાનમાં કોઈની હત્યા કરવાની હિંમત નહોતી.
આ દરમિયાન તેની મુલાકાત અનંતનાગના વતની યાસીન બટ્ટ સાથે થાય છે. ચાંદ પોતાના મનની વાત અને ગુસ્સો યાસીન પાસે ઠાલવે છે. યાસીન ખાતરી આપે છે કે, એ તેનું કામ કરે તેવા માણસ પાસે લઈ જશે. થોડા દિવસ પછી યાસીન તેને બે માણસો પાસે લઈ જાય છે. આ બંને અલગ કાશ્મીરની માગણી કરતાં સંગઠન સાથે જોડાયેલા હતા. આ બંને માણસો ચાંદને ખાતરી આપે છે કે, તે કાશ્મીર પોલીસના અધિકારીનું કામ તમામ કરી નાખશે, પણ તેઓ શરત મૂકે છે કે, તેના બદલામાં તારે પણ અમારું એક કામ કરવું પડશે.
ચાંદ એમનું કામ કરવા તૈયાર થઈ જાય છે. જોકે ત્યારે ચાંદને ખબર નહોતી કે, શું કામ કરવાનું છે? યાસીન થોડા દિવસ પછી ચાંદને કાશ્મીરના એક પૂર્વ મંત્રી પાસે લઈ જાય છે. જેના તાર કાશ્મીરની આઝાદીની માગણી કરતાં સંગઠન સાથે જોડાયેલા હતા. આ મીટિંગમાં ચાંદને અગાઉ મળેલા બે માણસો પણ હાજર હતા. મીટિંગમાં નક્કી થાય છે કે, કાશ્મીરથી હથિયારોનો એક જથ્થો અમદાવાદ લઈ જવાનો છે. એમાં ચિંતાનો વિષય એ હતો કે, કાશ્મીરની સ્થિતિ સ્ફોટક હતી. જેથી ઠેર ઠેર કાશ્મીર પોલીસ અને લશ્કરની નાકાબંધી હોવાને કારણે સિફતપૂર્વક કામ કરવું પડે તેમ હતું.
ચાંદખાન આ કામ માટે તૈયાર થાય છે. એ પોતે મિકેનિક હતો, એ પોતાની એમ્બેસેડર કારમાં ખાસ પ્રકારનાં ચોરખાનાં બનાવે છે. જેમાં હથિયાર મૂકવાનાં હતાં. કારમાં ચોરખાનાં બનાવી દીધા પછી 21મી સપ્ટેમ્બરના રોજ તે યાસીન બટ્ટને મળે છે. ચાંદની કારમાં તૈયાર કરવામાં આવેલાં ખાસ ચોરખાનામાં AK47 રાયફલ, કારતૂસો, હેન્ડગ્રેનેડ્સ વગેરે મૂકવામાં આવે છે. પોલીસ અને લશ્કરને શંકા ન જાય તે માટે ચાંદ પત્નીને પણ સાથે લે છે. ચાંદ, તેની પત્ની, યાસીન બટ્ટ તેમજ અગાઉથી નક્કી થયા પ્રમાણે બે છોકરાઓ કારમાં ગોઠવાઈ જાય છે. તેઓ એ જ દિવસે, એટલે કે 21મી તારીખે કારમાં હથિયાર લઈને કાશ્મીરથી નીકળે છે.
કાશ્મીરની સૌથી મોટી ચેકપોસ્ટ ‘બનીહાલ’ છે. ત્યાં ખૂબ કડક ચેકિંગ થતું હોય છે. જેથી બનીહાલ ચેકપોસ્ટ પહેલા યાસીન બટ્ટ ઉતરી જાય છે. કારણ કે, યાસીન સામે કાશ્મીરમાં અનેક ગુનાઓ નોંધાયેલા હતા. કાશ્મીર પોલીસ જાણતી હતી કે, યાસીન ત્રાસવાદી સંગઠનનો હિસ્સો છે. બનીહાલ ચેકપોસ્ટ પર કડક ચેકિંગ હતું, પણ ચાંદે જે પ્રકારે ચોરખાનાં બનાવ્યાં હતાં, તેનાથી એ લશ્કરને થાપ આપવામાં સફળ થાય છે અને તા 22મીના રોજ બરેલી પહોંચે છે.
બરેલીમાં ચાંદનું એક ઘર હતું. સૌથી પહેલા ચાંદ પોતાની સાથે રહેલા બે છોકરાઓને બરેલી સ્ટેશનએ ઉતારી પોતાના ઘરે જાય છે. જ્યાં પત્નીને ઉતારી, કાર લઈ ગેરેજ પર આવે છે. કોઈને કાર માટે શંકા ન જાય એટલે તે કારનું વ્હીલ કાઢી નાખે છે; જાણે કાર બગડી ગઈ હોય.
ત્રાસવાદી સંગઠનની એક ખાસિયત હોય છે. જેને જેટલું જાણવું જરૂરી છે; એટલી જ જાણકારી એને આપવામાં આવે છે. ખરેખર તો ચાંદ પણ અંદરથી ખૂબ ડરી ગયો હતો. તેને લાગી રહ્યું હતું કે, અમદાવાદમાં કંઈક મોટું થવાનું છે, પણ કોણ કરવાનું છે? અને ક્યાં કરવાનું છે? તેની એને ખબર નહોતી. ચાંદ ખૂબ નિરાશ થઈ ગયો હતો.
એ પોતાની નિરાશા દૂર કરવા બરેલીમાંથી દેહવ્યાપાર કરતી એક મહિલાને લઈ એક દિવસ માટે મસુરી જતો રહે છે. ત્યાંથી 23મીએ પાછો બરેલી આવે છે અને બજારમાં જાય છે. બજારમાંથી રોલ કરી શકાય તેવા બે બિસ્તરા ખરીદીને એ ગેરેજ પર લાવે છે. ગેરેજમાં પડેલી પોતાની કારમાંથી હથિયારો કાઢી બિસ્તરામાં પેક કરે છે. એ લઈને બરેલી સ્ટેશન આવી, અમદાવાદની ત્રણ ટિકિટ ખરીદે છે. કાશ્મીરથી તેની સાથે આવેલા બે છોકરાઓ પહેલેથી બરેલી સ્ટેશન પર આવી ગયા હતા.
આ રીતે ચાંદ બે છોકરાઓને લઈ અમદાવાદ આવવા નીકળે છે. ટ્રેનમાં ચાંદને ખબર પડે છે કે, તેની સાથે રહેલા બે છોકરાઓ પણ ઉત્તરપ્રદેશના છે. જેમના નામ શાકીર અને તામીલ હતા. તે બંને મુરાદાબાદના વતની હતા. ત્યારે ચાંદ તેમને પહેલી વખત જ મળી રહ્યો હતો. કદાચ હવે ફરીથી ક્યારેય નથી મળવાનો; તેની પણ ચાંદને ખબર નહોતી. 24મી સપ્ટેમ્બરના રોજ ચાંદખાન, શાકીર અને તામીલ અમદાવાવાદ રેલવેસ્ટેશન પહોંચે છે.
અમદાવાદ સ્ટેશનથી ચાંદખાન ફોન કરી યાસીનને જાણકારી આપે છે કે, તે અમદાવાદ સ્ટેશન પહોંચી ગયો છે. સામેથી સૂચના મળે છે કે, સ્ટેશનની બરાબર પાછળ, સરસપુર તરફ ગુલશન હોટલ છે; એમાં રોકાવાનું છે. ચાંદ પેલા બે છોકરાઓને લઈ ગુલશન હોટલમાં જાય છે. જ્યાં પોતાની ઓળખનો પુરાવો આપી હોટલમાં રોકાય છે. જોકે હવે અહીંયા તેમને કોણ મળવાનું છે? તે ચાંદને ખબર નહોતી. યાસીને કહ્યું હતું કે, હોટલમાં રોકાવ. પછી ત્યાં શું કરવાનું છે; તેની સૂચના આપવામાં આવશે.
(ક્રમશ:)
Part 39 : કાશ્મીર પોલીસનો એક એલર્ટ મેસેજ આવ્યો કે, તેમણે અક્ષરધામનો એક આરોપી પકડ્યો છે.
આ ઓપરેશનમાં NSG ના બે અને ગુજરાત પોલીસના બે જવાનો શહિદીને ભેટ્યા હતા. આ ધારાવાહિક કોઈપણ રાજકીય પક્ષ, ધર્મ, જાતિ, જ્ઞાતિ અને કોઈપણ વિચારધારાનું સમર્થન કે વિરોધ કરતી નથી. સત્ય બાબત જેટલી સરળતાથી સામાન્ય લોકો સુધી મૂકી શકાય; એ દિશામાં થયેલો એક પ્રયાસ છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796