કિરણ કાપુરે, નવજીવન ન્યૂઝ : સાયબર ક્રાઇમ હવે એટલો ચર્ચિત વિષય (Cybercrime is such a hot topic now) બની ચૂક્યો છે કે તેના વિશે હવે સમયાંતરે પુસ્તકો આવવા લાગ્યા છે. તેનું એક મહત્ત્વનું કારણ દેશમાં અડધોઅડધ લોકો સ્માર્ટ ફોન યુઝર્સ છે. બેંકથી લઈને ખરીદી માટેની ઍપ પણ હવે સ્માર્ટ ફોન પર છે અને તેથી પણ છેતરપિંડી કરનારાઓ સ્માર્ટ ફોન થકી લોકોને ઠગી રહ્યા છે. સાઇબર ક્રાઇમથી બચી કેવી રીતે શકાય તે માટે સાયબર એક્સપર્ટ સતેન્દ્રકુમાર દ્વિવેદીએ ‘બી સાઇબર સ્માર્ટ : ઍન એશેન્સિઅલ ગાઇડ ફોર એવરી ઇન્ડિયન’ (Be Cyber Smart: An Essential Guide for Every Indian) નામે પુસ્તક લખ્યું છે. પુસ્તક દ્વારા લેખકનો ઉદ્દેશ સાયબરથી થનારી ઠગાઈથી બચવાનો છે. લેખક પોતે પણ તેનાથી માહિતગાર છે જ; કે ઠગાઈ કરનારા અલગ-અલગ રીતે લોકોને છેતરે છે. તેઓ હંમેશા કંઈ એક જ પ્રકારે લોકોને છેતરતા નથી. તેમાંથી એક ઠગાઈનો ઉલ્લેખ પુસ્તકમાં થયો છે તે ‘ઇન્ટરસેપ્શન ફ્રોડ’. તેનો અર્થ થાય છે અધવચ્ચે ઠગાઈ કરવી. મતલબ કે ઠગ અગાઉથી જ તમારો ક્રેડિટ અને ડેબિટ કાર્ડની વિગત ધરાવતા હોય છે. આ વિગત ડેટા લીક થયો હોય તે રીતે અથવા તો હેકિંગથી મેળવ્યો હોય છે. તે પછી તેઓ તમારા કાર્ડની વિગતનો ઉપયોગ કરીને કોઈ મોંઘી ચીજવસ્તુનો ઓર્ડર કરે છે. હવે અહીંયા તેમની ચાલાકી આવે છે. તે ચીજવસ્તુ ડિલિવરી થતાં પહેલાં તેઓ શિપિંગ એડ્રેસ બદલી નાંખે છે. જેથી તમારી મોંઘીદાટ વસ્તુ નવા સરનામે પહોંચે છે. હવે જ્યારે બેંક સ્ટેટમેન્ટમાં તમે કોઈ મસમોટો ખર્ચ જુઓ છો, જે વસ્તુ તમે ક્યારેય મેળવી નથી ત્યારે તમને ખ્યાલ આવે છે કે તમારી સાથે કોઈ છેતરપિંડી કરી ગયું છે.
આવી ઘટનાઓ દેશમાં રોજેરોજ બની રહી છે અને તેને અટકાવવા માટે આપણી સુરક્ષા એજન્સીઓ પણ હજુ જડબેસલાક વ્યવસ્થા કરી શકી નથી. દેશમાં ‘નેશનલ સાઇબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ’ (National Cybercrime Reporting Portal) લોન્ચ થઈ ચૂક્યું છે; પરંતુ હજુ તેમાંય તમામ પ્રકારના ડેટા આપવામાં આવ્યા નથી. હોમ પેજ પર ‘લર્ન અબાઉટ સાઇબર ક્રાઇમ’ અને ‘ફાઇલ અ કમ્પ્લેઇન્ટ’ નામની બે વિગત દેખાય છે. અન્ય વિભાગ છે પરંતુ હજુ તેમાં યુઝર ફ્રેન્ડલી રીતે માહિતી મૂકવામાં આવી નથી. આ પુસ્તકમાં અન્ય એક કેસ સ્ટડી મૂકવામાં આવ્યો છે. તે વિગત આ મુજબ છે : ‘દિલ્હીમાં નિવાસ કરતા શ્રીમાન શર્મા સાથે જે થયું તે હવે જાણીએ. શર્મા 10 ડિસેમ્બર, 2023ના રોજ પોતાનું બેન્ક સ્ટેટમેન્ટ ચેક કરી રહ્યા હતા, ત્યારે તેમણે જોયું કે તેમાં એક નવા લેપટોપની ખરીદી પેટે 75,000 રૂપિયા ચૂકવાઈ ગયા હતા. તેમણે કોઈ લેપટોપ ઓર્ડર કર્યું નહોતું. તેમણે જ્યાંથી લેપટોપ ખરીદાયું હતું તે સ્ટોરમાં ફોન કરીને જાણ્યું તો લેપટોપની ગુરુગ્રામના એક એડ્રેસ પર ડિલિવરી કરવામાં આવી હતી. કોઈએ શર્માના કાર્ડનો ઉપયોગ કર્યો હતો અને ડિલિવરીના થોડા સમય પહેલાં જ ડિલિવરી એડ્રેસ બદલાવ્યું હતું. શ્રીમાન શર્માને પોતાના પૈસા પાછા મેળવતા મહિનાઓ થયા હતા.’
આ કિસ્સામાં શું ઉપયોગી થઈ શકે તે માટે લેખક લખે છે કે, ‘ટ્રાન્ઝેક્શન એલર્ટનો ઉપયોગ કરો. મોટા ભાગની બેન્ક અને ઓનલાઇન સ્ટોર તમને દરેક ટ્રાન્ઝેક્શન પર એસએમએસ અથવા તો ઇમેઇલ એલર્ટ મોકલે છે. જો શ્રીમાન શર્માએ આ સગવડ મેળવવા માટે અરજી કરી હોત તો જ્યારે તેમનું લેપટોપ ખરીદાયું હોત તો તેમને તુરંત એસએમએસ કે ઇમેઇલ મળ્યો હોત.’ એ પ્રમાણે બીજો ઉપાય એ છે કે, ‘તમારું સ્ટેટ્મેન્ટ સમયાંતરે તપાસતા રહો. બેન્ક કે તમારા કાર્ડના સ્ટેટમેન્ટ માટે મહિનાના આખરના દિવસોની રાહ ન જુઓ. થોડાક દિવસોના અંતરે તે જોતા રહો, જો તમે નિયમિત રીતે ઓનલાઇન શોપિંગ કરતા હોવ તો ખાસ.’ હવે ત્રીજા ઉપાય અંગે લેખક કહે છે કે, ‘જ્યારે તમારામાં બેન્ક કે કાર્ડમાં કોઈ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થાય તો તમારા બેન્કને કોલ કરીને તમારા કાર્ડને તુરંત બ્લોક કરો. તે પછી ઓનલાઇન સ્ટોરને જણાવો. જેટલી ઝડપે તમે એક્શન લેશો તેટલું વધુ તમારા નાણાં પાછા આવવાની શક્યતા છે.’
ઘણી વાર આ બધું સારી રીતે જાણતા હોવા છતાં લોકો ઠગાઈનો ભોગ બને છે. જેમ કે તમે જ્યારે કોઈ મોલ્સ ગયા હોય કે કોઈ ઇવેન્ટના ભાગ બન્યા હોવ ત્યારે તમને એક ગ્લોસી પેમ્પ્લેટ પકડાવી દેવામાં આવે. તેમાં ‘સ્ક્રેચ કરો ગિફ્ટ મેળવો’ તેવું લખ્યું હોય. આ ગીફ્ટમાં કાર કે મસમોટી રકમનો ઉલ્લેખ હોય છે. તમે તેને સ્ક્રેચ કરો છો અને તમે તે જીતી પણ લો છો. પણ શું ખરેખર તે સાચું હોય છે? મહદંશે ના. તમે જેવું કાર્ડ સ્ક્રેચ કરો એટલે તમને પ્રોસેસિંગ ફી કે ટેક્સના નામે નાણાં માંગવામાં આવે છે. તમે ગીફ્ટના નામે નાણાં ચૂકવતા રહો છો અને આખરે તમારા હાથમાં કશુંય આવતું નથી.
પુસ્તકમાં આ રીતે વિગત આપી છે અને સાથે-સાથે કેસ સ્ટડી મૂકવામાં આવ્યા છે. જેમ કે આ અંગે 2023માં બેંગ્લોરના રમેશનો કિસ્સો ટાંકવામાં આવ્યો છે. તેમને મળેલા આ પ્રકારના કાર્ડમાં તેમણે સ્ક્રેચ કર્યું અને તેઓને 10 લાખ ઇનામ જીત્યા. રમેશની તો જાણે દુનિયા બદલાઈ ગઈ. તેમને અસ્તિત્વ ન ધરાવતા ‘લૉટરી ડિપાર્ટમેન્ટ’માંથી એક કોલ આવ્યો. આ કોલમાં તેમને અભિનંદન પાઠવ્યા બાદ ઇનામના ટેક્સની 20 હજાર રકમ ચૂકવવા માટે જણાવવામાં આવ્યું. તે પછી વધુ ને વધુ દસ્તાવેજ તેમની પાસે માંગવામાં આવ્યા. આ રીતે રમેશે કુલ 80 હજાર કોલમાં દર્શાવેલા અકાઉન્ટમાં જમા કરાવ્યા. તે પછી તે ફોન સતત બંધ આવતો હતો. આ રીતે રમેશનું ઇનામનું સપનું તો રોળાયું, પણ સાથે સાથે લાલચમાં પોતાની મૂડી પણ ગુમાવી.
આ અંગે લેખક ચેતવે છે કે, ‘ક્યારેય પ્રાઇઝ વિનિંગ માટે નાણાં ન ચૂકવો. કોઈ પણ લોટરી કે પ્રાઇઝ સ્કીમ હેઠળ બદલામાં નાણાં માંગવામાં આવતા નથી. ઇનામમાંથી જ નાણાં કાપીને જીતનારને આપવામાં આવે છે. તમારે ક્યારેય નાણાં ચૂકવવાના હોતા નથી.’ અને જો ખરેખર આ રીતે તમને કંપનીમાંથી ઇનામ જીતવા અંગે કશુંક મળવાનું હોય તો તે વિશે પણ પુસ્તકમાં માહિતી આપવામાં આવી છે કે, ‘કંપનીના અન્ય નંબર પર કોલ કરો. કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પર વિઝિટ કરો. પેમ્પ્લેટ પર આપવામાં આવેલા નંબર સિવાય કસ્ટમર કેરના ફોન નંબર પર કોલ કરો.’ ઘણી વાર આવાં કિસ્સામાં તમારી પાસે ઉતાવળ કરાવવામાં આવે છે. આ પ્રકારની ઉતાવળથી તમને દબાણમાં લાવીને તમે વિચાર્યા વિના ખોટો નિર્ણય લો- તે કાવતરું હોય છે.
આ પ્રમાણે લોન સ્કેમ પણ થાય છે. તેમાં મહદંશે તમે કોઈ લોન માટે અરજી આપી ન હોય તેમ છતાં લોન મેળવો છો. અથવા તો તમારા જાણ બહાર કોઈ અન્ય તમારા નામે લોન લઈ લે છે. આ બધું કોઈ ખોટા દસ્તાવેજ કે તમારી ખોટી સહીથી થાય છે. આ માટે ઠગાઈ કરનારા આધાર કાર્ડ, પાન કાર્ડ અથવા તો સેલેરી સ્લિપ પણ ખોટી રીતે તૈયાર કરે છે. તેઓ ખોટાં દસ્તાવેજ તૈયાર કરીને કોઈના નામે લોન કે ક્રેડિટ કાર્ડ લે છે. આ કિસ્સામાં ચેન્નઈના શ્રીમતી દેવીનો કિસ્સો ટાંકવામાં આવ્યો છે. તેમને એક બેન્ક તરફથી 15 માર્ચ 2024ના રોજ એક કોલ આવે છે. તેમને કહેવામાં આવે છે કે તમે લીધેલી લોન ભરપાઈ કરી દો. તેમણે ક્યારેય કોઈ બેન્ક પાસેથી લોન લીધી નહોતી. તે અસમંજસમાં મૂકાય છે. પછી તેમણે તપાસ કરી તો માલૂમ પડ્યું કે કોઈકે તેમનું પાન કાર્ડ, ઇલેક્ટ્રિસિટી બિલ ખોટું બનાવીને અઢી લાખની લોન મેળવી હતી. ઠગાઈ કરનારે તેમની સહી સુધ્ધા દસ્તાવેજમાં કરી હતી. શ્રીમતી દેવીએ એક પાઈ પણ લોન લીધી ન હોવા છતાં તેમનું નામ લોનમાં લેનારમાં આવી ગયું.
હવે આ કિસ્સામાં બચી કેવી રીતે શકાય – તે વિશે પુસ્તકમાં લેખક લખે છે : ‘તમારા ઓરિજનલ દસ્તાવેજ કોઈને આપતાં પહેલા સાવચેત રહો. તેની ડિજિટલ કોપીઝ અનેક લોકો પાસે પહોંચે તે રીતે શેર ન કરો. જ્યારે તમે આ રીતે તમારી કોપી આપો ત્યારે તેનો ઉદ્દેશ ઉપર જરૂરથી લખવો.’ એ રીતે તમારો ક્રેડિટ સ્કોરને નિયમિત રીતે જોતા રહો. તેનાથી ખ્યાલ આવશે કે તમારા નામે કોઈ લોન લેવાઈ છે કે નહીં. એ રીતે તમારા જુના દસ્તાવેજ કે બિલ એમ જ ન ફેંકી દો. તેના એ રીતે ટુકડા કરી દો, જેથી કોઈ પણ તેના પરની વિગતને એકઠી ન કરી શકે.
આ વિષય વ્યાપક છે અને અહીં આપેલી વિગત હિમશિલામાં ઉપર દેખાતાં એક શિલા સમાન છે. સાયબર ક્રાઇમમાં તો હજુ થઈ રહેલા સંશોધન અને અભ્યાસની વાટ જોવાઈ રહી છે. પણ તે પહેલાં સ્માર્ટ ફોન પર સતત ચેતતા રહો, નહીંતર દેશમાં દરરોજ બની રહેલા ઠગાઈમાં એક નામ તમારું પણ હશે.








