Saturday, May 9, 2026
HomeGujaratવિવાદિત વ્યક્તિત્વ હોવા છતાં મહારાષ્ટ્ર અને દેશની રાજનીતિમાં Sanjay Raut નું અસ્તિત્વ

વિવાદિત વ્યક્તિત્વ હોવા છતાં મહારાષ્ટ્ર અને દેશની રાજનીતિમાં Sanjay Raut નું અસ્તિત્વ

- Advertisement -

કિરણ કાપુરે, નવજીવન ન્યૂઝ : મહારાષ્ટ્રના શિવસેના (ઉદ્ધવ ઠાકરે જૂથ)ના અગ્રણી આગેવાન સંજય રાઉતનું અંગ્રેજીમાં ‘અનલાઇકલી પેરેડાઈઝ’ (Unlikely Paradise) નામનું પુસ્તક પ્રકાશિત થયું છે. હિંદીમાં આ પુસ્તકનું નામ ‘નરક મેં સ્વર્ગ’ છે. સંજય રાઉતની ઓળખ રાજકીય આગેવાન ઉપરાંત એક પત્રકાર તરીકેની પણ છે. શિવસેનાનું મુખપત્ર અખબાર ‘સામના’ના તેઓ કાર્યકારી સંપાદક છે. અને તેઓ રાજ્યસભાના સાંસદ પણ છે. સંજય રાઉતના પુસ્તકે હાલમાં ખાસ્સી ચર્ચા જગાવી છે. તેમણે પુસ્તકમાં વર્તમાન ભાજપની સરકાર વિશે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) અને ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) વિશે જે કંઈ લખ્યું છે તે અંગે તેમના સાહસની પ્રશંસા થઈ રહી છે. અને 2024મા સંજય રાઉતને બદનક્ષીના એક કેસમાં જેલમાં પણ જવું પડ્યું હતું. મુંબઈના પત્ર ચાલ કૌભાંડમાં પણ તેમનું નામ આવ્યું હતું અને ‘એન્ફૉર્સમેન્ટ ડિરૉક્ટરેટ’ (Enforcement Directorate) તેમને સમન્સ પાઠવ્યું હતું. સંજય રાઉત વિવાદિત વ્યક્તિત્વ (Sanjay Raut is a controversial personality) છે અને તેમના જીવન સાથે આવી અનેક ઘટનાઓ છે; જેમાં તેઓને સાવ અન્યાયી બાજુ ઊભા હોય તેમ જોઈ શકાય છે. જેમ કે, શિવસેનાના સ્થાપક બાળાસાહેબ ઠાકરેના અવસાન બાદ મુંબઈ બંધ રહ્યું હતું ત્યારે ફેસબુક પર બે યુવતીઓએ પોતાનો મત દર્શાવ્યો હતો, જે બાળાસાહેબ ઠાકરેની છબીને છાજે એવો નહોતો, ત્યારે તે બંને યુવતીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ પૂરી ઘટનાને સંજય રાઉતે યોગ્ય ગણાવી હતી! એ જ રીતે તેમણે 2015માં એવો મત વ્યક્ત કર્યો હતો કે મુસ્લિમોનો મત થોડાં વર્ષ માટે સ્થગિત કરી દેવો જોઈએ, જેથી રાજનીતિમાં તેમનો ઉપયોગ વૉટબેંક તરીકે ન થાય. સંજય રાઉતના જીવનમાંથી આવા અનેક વિવાદિત નિવેદન અને ઘટના સંબંધિત તેમનું લખાણ કાઢી શકીએ. મીડિયા સાથે પણ તેઓ વાત કરે છે ત્યારે તેમનો ઉગ્ર મિજાજ ઝળકતો હોય છે.

વિવાદિત વ્યક્તિત્વ હોવા છતાં મહારાષ્ટ્રની અને દેશની રાજનીતિમાં તેમનું અસ્તિત્વ રહ્યું છે. તેઓ છેલ્લા અઢાર વર્ષથી રાજ્યસભાના સભ્ય છે. વિવિધ સંસદીય સમિતિના પણ તેઓ સભ્ય રહ્યા છે. એ રીતે જોઈએ તો તેમની પાસે કેન્દ્રની અને મહારાષ્ટ્રની રાજનીતિનો લાંબો અનુભવ છે. આમ તેમનું વ્યક્તિત્વ અને કારકિર્દીને જોઈએ તો તેઓ જે કંઈ લખે તેના પર એક વાર દૃષ્ટિ કરવી રહી. તેમનું આ પુસ્તક જ્યારે પ્રકાશિત થયું ત્યારે તેને વધાવનારાઓમાં જાણીતા એડવોકેટ અને રાજ્યસભાના સભ્ય કપિલ સિબ્બલ, દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કૉંગ્રેસના અગ્રગણ્ય આગેવાન દિગ્વિજય સિંઘ, તૃણમુલ કૉંગ્રેસ વતી રાજ્યસભાના સભ્ય ડેરેક ઓ’બ્રાયન, ‘4 પીએમ’ ચેનલના સ્થાપક સંજય શર્મા હતા. આ તમામે સંજય રાઉતના લેખન સાહસને બિરદાવ્યું.

- Advertisement -

આ પુસ્તકની ચર્ચા થઈ રહી છે તેનું મુખ્ય કારણ વર્તમાન સરકાર પર સંજય રાઉતની ટિપ્પણી છે. આ ટિપ્પણીને ભાજપ દ્વારા નકારી દેવામાં આવી છે, પરંતુ સંજય રાઉતે આ ટિપ્પણીઓ પોતાના શબ્દોમાં લખી છે અને તે વિશે તેઓ ઠોસ રીતે જાહેરમાં બોલી પણ રહ્યા છે. જેમ કે તેમણે એક ચોંકવનારી ઘટના વિશે લખ્યું છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જ્યારે રાજકીય રીતે મુશ્કેલીમાં હતા ત્યારે તેમની મદદે તત્કાલીન શિવસેનાના સર્વેસર્વા બાળાસાહેબ ઠાકરે (Balasaheb Thackeray Shiv Sena) અને ‘એનસીપી’ના પ્રમુખ શરદ પવાર (NCP President Sharad Pawar) આવ્યા હતા. રાઉત કહે છે કે, 2002ના રમખાણો મુદ્દે તે વખતના ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીની ધરપકડ સુધી વાત પહોંચી હતી. પરંતુ તે અંગે ઠાકરે અને પવારનો મત એવો હતો કે નરેન્દ્ર મોદી ચૂંટાયેલા મુખ્યમંત્રી છે અને તેથી તેમની ધરપકડ થઈ શકે નહીં. પરંતુ હવે આ પૂરા વિષય વિશે નરેન્દ્ર મોદી અને અમતિ શાહ કૃતઘ્નતા દાખવતા નથી. રાઉતે એમ પણ કહ્યું છે કે આ વિશે શરદ પવાર વધુ ફોડ પાડી શકે. એ જ પ્રમાણે રાઉત એવો પણ દાવો કરે છે કે એક કેસમાં જ્યારે વર્તમાન ગૃહમંત્રીને જામની મળવી મુશ્કેલી હતી ત્યારે અમિત શાહે બાળાસાહેબ ઠાકરેની મદદ લીધી હતી. બાળાસાહેબ ઠાકરેએ આ અંગે કેટલાંક લોકો સાથે વાતચીત પણ કરી હતી. પરંતુ તે પછી અમિત શાહ એવી ભૂમિકામાં આવ્યા કે જેના કારણે શિવસેનામાં ભાગલા પડ્યા.

સંજય રાઉત આવા અનેક રહસ્યો આ પુસ્તક દ્વારા જાહેર કરી રહ્યા છે. તેઓ માને છે કે એક સમયે મીડિયાએ ગુજરાતના મુખ્યમંત્રી દરમિયાન નરેન્દ્ર મોદીની છબિ ખૂબ ખરાબ કરી હતી. તે સમયે બાળાસાહેબ ઠાકરે જ હતા, જેમણે અનેક વાર નરેન્દ્ર મોદીનો બચાવ કર્યો હતો. સંજય રાઉતે પુસ્તકમાં લખ્યું છે તે તેમનો મત છે, પરંતુ જે રીતે તેમણે ભાજપના ટોપ લિડરશીપ સામે પ્રશ્નો કર્યા છે, તેથી મહારાષ્ટ્રના ભાજપના નેતાઓ તેમના પુસ્તક વિશે કટાક્ષમાં જવાબ આપી રહ્યા છે. મહારાષ્ટ્રના હાલના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું છે કે, હું નવલકથા અને બાળકોના પુસ્તકો હવે વાંચતો નથી. રેવન્યૂ મંત્રી ચંદ્રશેખર બાવાકુંવલેએ કહ્યું કે, ‘મિ. રાઉતે તેમના પુસ્તકનું નામ બદલીને ‘નરકના સ્વર્ગથી નરકના રાઉત’ એમ કરવું જોઈએ. અને એક મંત્રીએ સંજય રાઉતને જ કઠેડામાં ખડા કરીને એમ લખ્યું છે કે, ‘તેઓ કેટલાંક પાનાં લખવાનું ભૂલી ગયા છે. રાઉતે પોતે તેમના કેસ દરમિયાન ઠાકરે પરિવાર વિશે કેવાં શબ્દોનું ઉચ્ચારણ કર્યું હતું તે તેમણે લખ્યું નથી. જો તેઓ બધા જ તથ્યો લખત તો ઉદ્ધવ ઠાકરે જ તેમને નરકમાં મોકલત.’

દેશની રાજકીય ગલીયારામાં શું થાય છે તેની ઘણી વાતો લોકોથી અજાણી જ રહે છે. દેશના ઉપ-રાષ્ટ્રપતિ જગદિપ ધનખરે કેમ રાજીનામું આપ્યું તે અંગે ઘણી અટકળો થતી રહી, પરંતુ તે વિશે સત્ય બહાર ન આવ્યું. પરંતુ હવે ‘અનલાઇકલી પેરેડાઈઝ’ દ્વારા સંજય રાઉત તે પૂરું પ્રકરણમાં શું થયું હતું તે જણાવી રહ્યા છે. તેમના મતે, પૂર્વ ઉપ-રાષ્ટ્રપતિએ ‘ઇડી’ના દબાણ હેઠળ રાજીનામું આપ્યું હતું. રાઉતના મત મુજબ એવું કહેવાય છે કે ઉપ-રાષ્ટ્રપતિ તરીકે જગદિપ ધનખર મોદી સરકાર વિરુદ્ધ પોતાના મત જાહેર કરવા માંગતા હતા. આ વિગત કોઈક રીતે સરકાર સુધી પહોંચી ગઈ. તે કારણે ‘ઇડી’ દ્વારા એક ફાઈલ તૈયાર કરવામાં આવી, જેનાથી જગદિપ ધનખરને એ સ્થિતિમાં મૂકાયા કે તેઓ રાજીનામું સામેથી ધરી દે. જોકે ઉપ-રાષ્ટ્રપતિએ પદ છોડવાનું કારણ સ્વાસ્થ્યનું આપ્યું હતું.

- Advertisement -

આ પુસ્તકનું વિમોચન દિલ્હીમાં ‘કોન્સ્ટિટ્યૂશન ક્લબ’માં થયું હતું અને રાઉત અહીંયા કહે છે કે, તેમને જેલમાં નાંખવામાં આવ્યા કારણ કે કોઈ પણ હિસાબે તેઓનું મનોબળ તૂટી જાય. અમે કોઈ પણ રીતે પાંગળા બની જઈએ. જેથી અમે તેમના તાબામાં આવી જઈએ. પરંતુ અમારાથી કોઈ તૂટ્યું નહીં. અને અમને હંમેશા કપિલ સિબ્બલ જેવા આગેવાનનો સાથ મળતો રહ્યો છે. રાજકીય રીતે દુશ્મની કેવી રીતે નીકળે છે તે અંગે પણ આ પુસ્તકના વિમોચન વેળાએ શરદ પવારે જે વાત કહી હતી તે ચોંકાવનારી છે. તેમણે કહ્યું કે, ‘ધ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટ’ (PMLA) નામનો કાયદો લાવવામાં આવ્યો ત્યારે તેમણે ‘યુપીએ’ સરકારને ચેતવણી આપી હતી કે આ કાયદો જોખમી છે. એટલે સુધ્ધા કહ્યું હતું કે જો આપણે શાસનમાં નહીં હોઈએ ત્યારે તે કાયદો આપણી વિરુદ્દ જ ઉપયોગમાં લેવાશે. કેબિનેટમાં આ કાયદાનો પ્રસ્તાવ તત્કાલિન કેન્દ્રીય મંત્રી પી. ચિદમ્બરમે મૂક્યો હતો. અને પવારે ચેતવણી આપી હતી; થયું પણ એવું જ. ‘UPA’ની સરકાર ગઈ ત્યારે ‘PMLA’ અંતર્ગત સૌથી પ્રથમ ધરપકડ પી. ચિદમ્બરમ (P Chidambaram) ની થઈ હતી.

સંજય રાઉતના પુસ્તકે આમ રાજકીય બેડામાં ચર્ચા જગાવી છે. સંજય રાઉતના પુસ્તક વિશે વિપક્ષ અને શાસક બંને તરફ–વિરોધી નિવેદન આપી રહ્યા છે. આ પુસ્તકમાં ગંભીર આરોપ છે અને કેટલીક તથ્યો સામે મૂકવાનો દાવો છે. હવે જોઈએ કે સંજય રાઉતનું આ પુસ્તક વાંચકોને કેવું લાગે છે?

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular