પ્રશાંત દયાળ (અક્ષરધામ અટેક. ભાગ-36): Akshardham Temple Attack Series : ‘ગુજરાત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી’માં (Gujarat FSL) રોજ પ્રમાણે ફોરેન્સિક અધિકારીઓ પોતાનું કામ કરી રહ્યા હતા. ફોરેન્સિક અધિકારીઓનું મુખ્ય કામ, ગુનેગારે છોડેલા પુરાવાઓ એકત્ર કરવાનું હતું. જેથી અધિકારીએ પોતાના વિષયમાં નિપૂણ હોવું ખૂબ જરૂરી હોય છે. છેલ્લાં કેટલાક વર્ષોથી ગુજરાત ફોરેન્સિક લેબોરેટરી જેવું કામ કરી રહી હતી; તેના કારણે તેની ખ્યાતિ આખા દેશમાં પ્રસરી હતી. ફોરેન્સિક લેબોરેટરીના વડા ડૉ. જયંત વ્યાસ હોય કે પછી ડૉ. વાયા, દહિયા કે સંઘવી હોય; તેઓ પોતાનાં કામનાં ‘બાદશાહ’ ગણાય! જેથી માત્ર ગુજરાત પોલીસ જ નહીં, દેશના કોઈપણ રાજ્યની પોલીસ અટવાય એટલે તેઓ ગુજરાત ફોરેન્સિક લેબોરેટરીની મદદ લેતા હતા.
સામાન્ય રીતે ફોરેન્સિક અધિકારીનું કામ ગુનો નોંધાય પછી પકડાયેલા આરોપીઓના તેમજ ગુનાના વૈજ્ઞાનિક પુરાવાઓ શોધવાનું અને તપાસવાનું હોય છે. પરંતુ હમણાં ફોરેન્સિક અધિકારી જે. જે. પટેલ પાસે જરા વિચિત્ર તપાસ આવી હતી.
ફોરેન્સિક વિભાગમાં ‘હેન્ડરાઇટિંગ એક્સપર્ટ’ તરીકે જે. જે. પટેલે (J. J. Patel) જીંદગીના સાડા ત્રણ દાયકા પસાર કરી નાખ્યા હતા. તેઓ અક્ષર જુવે તેની સાથે જ; ખરેખર આ અક્ષર સાચા છે કે બનાવટી? તેની પરખ કરી લેતા હતા. જે. જે. પટેલે આપેલા રિપોર્ટને આધારે અનેક ગુનાઓના ભેદ ઉકેલાયા હતા તથા અનેક ગુનેગારોને સજા પણ થઈ હતી. આ વખતે કેસ જરા જુદો હતો.
જે. જે. પટેલને અમદાવાદ ક્રાઇમબ્રાંચે (Ahmedabad Crime Branch) જે કેસના કાગળો તપાસવા મોકલ્યા હતા, તે કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી નહોતી. ક્રાઇમબ્રાંચને પોતાની શંકા સાચી છે કે ખોટી; તેની ખાતરી કરવી હતી. એટલા માટે જ ‘હેન્ડરાઇટિંગ એક્સપર્ટ’ જે. જે. પટેલ પાસે બે કાગળો મોકલવામાં આવ્યા હતા. બંને કાગળો પર ઉર્દૂ ભાષામાં લખાણ હતું. જે. જે. પટેલને ભલે ઉર્દૂ ભાષા આવડતી નહોતી, પણ અક્ષરોના મરોડ અને વળાંકના આધારે તે ચોક્કસ કહી શકતા હતા કે, મૂળ દસ્તાવેજ અને તેની સાથે મોકલવામાં આવેલું સેમ્પલ મેચ થાય છે કે નહીં?
અક્ષરધામમાં (Akshardham) બે ટેરરિસ્ટ માર્યા ગયા હતા. તેમનાં ખિસ્સામાંથી એક ચીઠ્ઠી મળી હતી. આ ચીઠ્ઠીમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, તેમણે 2002નાં તોફાનનો (2002 Riots) બદલો લેવા માટે અક્ષરધામ ઉપર હુમલો કર્યો હતો. ક્રાઇમબ્રાંચ પાસે રહેલા મૌલાના અબ્દુલાએ ભાંડો ફોડી નાખ્યો હતો કે, આખી ઘટના સાથે કોઈ નજીકથી જોડાયેલું હોય; તો એ મુફતી કયુમ છે. કયુમ જાણતા હતા કે, તેમની પાસે આવેલા બે છોકરાઓ હિંદુઓને મારીને બદલો લેવાના છે. કયુમે તેમને શહાદતની નમાઝ પણ પઢાવી હતી. એટલું જ નહીં ‘અમે 2002નો બદલો લઈએ છીએ.’ તેવી ચીઠ્ઠી પણ ખુદ મુફતી કયુમે જ લખી હતી. તેવો મૌલાનાનો દાવો હતો.
બીજી બાજુ મુફતી કયુમ કોઈ વાત સ્વીકારવા જ તૈયાર ન્હોતા. એટલે એ.સી.પી. ગીરીશ સિંઘલે (ACP Girish Singhal) મુફતી કયુમ પાસે ઉર્દૂમાં ચીઠ્ઠી લખાવી હતી. ટેરરિસ્ટ પાસેથી મળેલી ચીઠ્ઠી અને મુફતી કયુમે લખેલી ચીઠ્ઠી; બંને જે. જે. પટેલને મોકલવામાં આવી હતી. જે. જે. પટેલ પોતાની ઓફિસમાં બેસીને એક એક અક્ષર બારીકાઈથી જોઈને કાગળ ઉપર કંઈક નોંધ કરી રહ્યા હતા. બપોર થતાં સુધી તેમણે પોતાનું કામ પૂરું કર્યું અને ગીરીશ સિંઘલને ફોન જોડ્યો.
“ગૂડ આફ્ટરનૂન સર.” કહેતાં ગિરીશ સિંઘલે વાતની શરૂઆત કરી, પણ સામે છેડે રહેલા જે. જે. પટેલે જે કહ્યું, તે સાંભળી ગિરીશ સિંઘલ પોતાની ખુરશીમાંથી ઊભા થઈ ગયા. તેમણે જે. જે. પટેલને પુછ્યું, “પટેલ સાહેબ, આર યુ શ્યોર?”
પાતળો બાંધો અને ઓછી ઊંચાઈ ધરાવતા પટેલ સાહેબે પોતાની ટાલ ઉપર હાથ ફેરવતાં કહ્યું, “સિંઘલ સાહેબ, આ માથાના વાળ કંઈ ગરમીથી નથી ગયા. એકસો એક ટકા મારા રિપોર્ટમાં કોઈ મીનમેખ નથી.”
સિંઘલે “થેંક્યૂ… થેંક્યૂ સર.”કહેતાં ફોન મૂક્યો અને સીધા ચેમ્બરની બહાર નીકળી, ઉતાવળે પગથિયાં ઉતરી, ડી.સી.પી. ડી. જી. વણઝારાની (DCP D G Vanzara) ઓફિસ તરફ વળ્યા. સિંઘલને જોતાં ડી.સી.પી. ઓફિસ બહાર રહેલો પોલીસવાળો પોતાની ખુરશીમાંથી ઊભો થઈ ગયો. સિંઘલે ઉતાવળે પુછ્યું, “અંદર કોઈ છે?”
પોલીસવાળાએ માથું હલાવી હા પાડતાં કહ્યું, “વનાર સાહેબ છે.”
સિંઘલે તરત ડોર નોક કર્યો. અંદરથી કંઈ જવાબ મળે, તે પહેલાં જ તે વણઝારાની ચેમ્બરમાં દાખલ થયા. વણઝારાને પણ એકદમ આશ્ચર્ય થયું. કારણ કે, આજે સિંઘલના ચહેરા પર કોઈ જુદો જ ભાવ હતો. સિંઘલે કહ્યું, “જય હિંદ સર, એક અરજન્ટ વાત કરવી છે.”
વણઝારાએ ઇન્સપેક્ટર વી. ડી. વનાર સામે જોયું. તે સમજી ગયા. ટેબલ ઉપર પડેલી પોતાની ફાઇલ લઈ, સલામ કરીને તરત બહાર નીકળી ગયા. સિંઘલે ફરી પાછી ખાતરી કરી કે, હવે અંદર કોઈ નથી! તરત ખુરશીમાં બેસતાં કહ્યું, “સર, જે. જે. પટેલનો ફોન હતો. તેમણે કહ્યું ઓરિજિનલ ડોક્યૂમેન્ટ સાથે સેમ્પલ મેચ કરે છે.”
ડી. જી. વણઝારાની આંખો પણ પહોળી થઈ ગઈ! તેમણે પોતાનો હાથ આગળ ધરી સિંઘલને અભિનંદન આપતાં કહ્યું, “તમારી મહેનત રંગ લાવી છે.”
ક્રાઇમબ્રાંચની તપાસમાં મોટો અને પહેલો વૈજ્ઞાનિક પુરાવો મળ્યો હતો. અક્ષરધામ હુમલામાં જેમને શંકાના આધારે લાવ્યા હતા, ખરેખર તેમના તાર અક્ષરધામ સાથે જોડાયેલા હતા! ગિરીશ સિંઘલ પોતાની ચેમ્બરમાં પાછા આવી ગયા હતા. તેઓ એકદમ સ્વસ્થ હતા. તેમની સામે મુફતી કયુમ બેઠા હતા. બંને એકદમ શાંત હતા.
ગિરીશ સિંઘલે ઉર્દૂ ચીઠ્ઠી અંગે ફોરેન્સિક અધિકારીએ જે રિપોર્ટ આપ્યો હતો, તેની જાણકારી મુફતી કયુમને આપી. મુફતી પાસે હવે બચાવના કોઈ મુદ્દા નહોતા. પરંતુ હજી પણ તે શાંત જ હતા!
તેમના મનમાં પણ કંઈક ચાલી રહ્યુ હતું. એ નીચું જોઈને કંઈક વિચારી રહ્યા હતા. હજી સુધી મુફતી સાથે કોઈએ દુરવ્યવહાર તો ઠીક, તેમનું અપમાન પણ કર્યું નહોતું. અડધો કલાક શાંત રહ્યા પછી મુફતી કયુમે માથું ઊંચું કર્યું અને ગિરીશ સિંઘલ સામે જોતાં કહ્યુ, “સર, વાત સાચી છે. પેલા બે છોકરાઓ મારી પાસે આવ્યા હતા. મેં જ તેમને ઉર્દૂમાં ચીઠ્ઠી લખી આપી હતી. તે કંઈક કરશે; એવી મને ખબર હતી. પણ એ અક્ષરધામ ઉપર હુમલો કરવાના છે; તેની જાણકારી મને નહોતી. અમારી સાથે 2002માં જે થયું, તેનો મને ખૂબ ગુસ્સો હતો એટલે હું તેમની સાથે જોડાયો.”
સિંઘલ મુફતી સામે માત્ર જોઈ રહ્યા હતા. મુફતી એક પછી એક ઘટનાઓ કહી રહ્યા હતા. સિંઘલે એકદમ પુછ્યું, “પેલા છોકરાઓના નામ શું? તેઓ ક્યાંથી આવ્યા હતા?”
પછી સિંઘલ થોડું હસ્યા અને ઉમેર્યું, “મુફતી સાહેબ, થોડોક ઇસ્લામ મને પણ ખબર છે. શહાદતની નમાઝ પહેલાં પોતાનું નામ બોલવાનું હોય છે.”
(ક્રમશ:)
Part 35 : અક્ષરધામ હુમલાને ખાળવા ગયેલા SRP જવાનો આજે પણ શરીરમાં ફસાયેલી બુલેટ સાથે જીવે છે
આ ઓપરેશનમાં NSG ના બે અને ગુજરાત પોલીસના બે જવાનો શહિદીને ભેટ્યા હતા. આ ધારાવાહિક કોઈપણ રાજકીય પક્ષ, ધર્મ, જાતિ, જ્ઞાતિ અને કોઈપણ વિચારધારાનું સમર્થન કે વિરોધ કરતી નથી. સત્ય બાબત જેટલી સરળતાથી સામાન્ય લોકો સુધી મૂકી શકાય; એ દિશામાં થયેલો એક પ્રયાસ છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796