Thursday, June 4, 2026
HomeGujaratગુજરાતમાં આજે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી, અલ નીનોના ખતરાને...

ગુજરાતમાં આજે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી, અલ નીનોના ખતરાને લઈને કેન્દ્ર સરકાર એલર્ટ

- Advertisement -

Gujarat Rain Forecast Weather Update: ગુજરાતમાં પ્રિમોન્સૂન ગતિવિધિઓ વચ્ચે હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. આજે 3 જૂને રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ, વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ પ્રતિ કલાક 40થી 50 કિલોમીટર સુધી પહોંચી શકે છે. આગામી બે-ત્રણ દિવસ દરમિયાન ગરમીમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે, જ્યારે ત્યારબાદ તાપમાનમાં ફરી વધારો થવાની સંભાવના છે. હવામાન વિભાગના મતે 4 જૂને કેરળમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ શકે છે.

હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર અને કચ્છ જિલ્લામાં 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અને ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ખેડા, આણંદ, વડોદરા, સુરત અને વલસાડ સહિતના વિસ્તારો તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

- Advertisement -

આવતીકાલે પણ રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે. જોકે 6 જૂનથી વરસાદનું જોર ઘટી શકે છે અને માત્ર પંચમહાલ, દાહોદ, મહિસાગર, સમગ્ર દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા વરસાદની સંભાવના રહેશે. બાકીના વિસ્તારોમાં હવામાન ધીમે ધીમે સૂકું બનશે.

અમદાવાદ શહેરમાં આગામી 24 કલાક દરમિયાન સામાન્ય રીતે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. શહેરમાં એકથી બે રાઉન્ડ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે તેમજ ગાજવીજ અને ભારે પવનની સ્થિતિ સર્જાઈ શકે છે. ગત દિવસે અમદાવાદનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 4.3 ડિગ્રી ઓછું હતું. આગામી દિવસોમાં તાપમાનમાં વધુ 2થી 4 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા મુજબ રાજ્યમાં સક્રિય બનેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ જોવા મળશે. ખાસ કરીને ભારે પવન, ગાજવીજ અને વરસાદની પ્રવૃત્તિઓમાં વધારો થઈ શકે છે. પવનની ઝડપ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા છે. ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ બની રહી છે અને 4 જૂન આસપાસ કેરળમાં ચોમાસું પહોંચવાની સંભાવના છે.

- Advertisement -

પ્રિમોન્સૂન એક્ટિવિટીના કારણે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ગરમીમાં 3થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. અનેક શહેરોમાં તાપમાન સામાન્ય કરતાં નીચે જતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે. આગામી એકથી બે દિવસમાં વધુ ઘટાડો થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 4 જૂને કેરળમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી થઈ શકે છે. કેરળમાં પ્રવેશ બાદ ચોમાસું ધીમે ધીમે આગળ વધશે. ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂનની આસપાસ ચોમાસું બેસતું હોય છે.

ભારતીય હવામાન વિભાગ બાદ હવે વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠન (WMO) એ પણ વૈશ્વિક આબોહવા અંગે ચેતવણી જાહેર કરી છે. સંયુક્ત રાષ્ટ્રની આ હવામાન એજન્સી અનુસાર પ્રશાંત મહાસાગરમાં ઝડપથી ગરમ થઈ રહેલા દરિયાઈ પાણીના કારણે જૂનથી ઓગસ્ટ વચ્ચે અલ નીનો બનવાની સંભાવના 80 ટકા છે. નવેમ્બર સુધીમાં આ સંભાવના 90 ટકા કે તેથી વધુ થઈ શકે છે. અલ નીનો વધુ મજબૂત બનતા ભારત સહિત વિશ્વના અનેક વિસ્તારોમાં દુષ્કાળ, પૂર, દરિયાઈ અને સ્થલીય હીટવેવ તેમજ હવામાનની ગંભીર અસરો જોવા મળી શકે છે.

- Advertisement -

આ સંજોગોને ધ્યાનમાં રાખીને કૃષિ મંત્રાલયે તમામ રાજ્યો અને સંબંધિત એજન્સીઓને સામાન્ય કરતાં ઓછા વરસાદ અને અલ નીનોની સંભાવનાને ધ્યાને રાખીને જિલ્લા સ્તરે આયોજન અમલમાં મૂકવા સૂચના આપી છે. કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ખેડૂતો સુધી ઝડપથી માહિતી પહોંચાડવા માટે ડિજિટલ માધ્યમો અને કોલ સેન્ટર સેવાઓને વધુ મજબૂત બનાવવાના નિર્દેશ આપ્યા છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular