પ્રશાંત દયાળ (અક્ષરધામ અટેક. ભાગ-35): Akshardham Temple Attack Series : મુફતી કયુમ સામે જે જે પુરાવા મૂક્યા હતા; એ જોઈને મુફતી કબૂલ કરી લેશે. તેવી એ.સી.પી. ગિરીશ સિંઘલને (ACP Girish Singhal) આશા હતી, પણ મુફતીએ એકપણ વાત સ્વીકારવાની ના પાડી દીધી. એ.સી.પી. સિંઘલ અને ડી.સી.પી. ડી. જી. વણઝારા (DCP D G Vanzara) વચ્ચે એક મીટિંગ થઈ. એમાં સિંઘલે જે પ્લાન રજૂ કર્યો, એ સાંભળીને વણઝારા આફરીન થઈ ગયા હતા; પણ સિંઘલનો આ પ્લાન કેટલો સફળ રહેશે, એ કહેવું મુશ્કેલ હતું. ડી.સી.પી. વણઝારાએ ખાતરી આપી હતી કે, સિંઘલના પ્લાનમાં જ્યાં પણ મદદની જરૂર હશે, ત્યાં એ મદદ કરશે. સિંઘલને હવે પોતાના પ્લાન પર આગળ વધવાનું હતું.
એક વર્ષ દરમિયાન ઘણું બધું થઈ ચૂક્યું હતું. અક્ષરધામ ઓપરેશનમાં (Akshardham Operation) ઇજાગ્રસ્ત થયેલા પોલીસ સબઇન્સપેક્ટર ડી. પી. ચુડાસમાના (PSI D P Chudasama) મણકામાં રહેલી ગોળી કાઢવામાં ડૉકટર સફળ રહ્યા હતા, પણ તેની સારવાર મહિનાઓ સુધી ચાલી હતી. ત્યારબાદ પણ મહિનાઓ સુધી ફિઝિયોથેરાપીની સારવાર લેવી પડી હતી. હુમલો થયો ત્યારે તો સરકારે મોટી જાહેરાત કરી દીધી હતી, પણ ડી. પી. ચુડાસમાની રજાઓ અને દવાઓના ખર્ચને મંજુર કરાવવાની ફાઇલ પણ મહિનાઓ સુધી પોલીસભવન અને સચિવાયલ વચ્ચે ફરતી રહી.
સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના પણ અનેક જવાનો એવા હતા, જેમના શરીરમાં કારતુસ એવી પોઝિશનમાં ફસાઈ હતી કે, જો ઓપરેશન કરીને ગોળી કાઢવામાં આવે તો જીવનું જોખમ ઊભું થાય તેમ હતું. આ બધા જ જવાનો બહાદુરીપુર્વક લડ્યા હતા, પણ આ એસ.આર.પી.એફ.ના જવાન હોવાને કારણે સરકારે તેમની ખાસ નોંધ લીધી નહીં; એવો અફસોસ તેમને કાયમ રહ્યો. શરીરમાં કારતુસ સાથે જીવવાનું હોવાને કારણે તેમને પોતાનો મેડિકલ રિપોર્ટ કાયમ સાથે રાખીને ફરવું પડે છે. કારણ કે, જ્યારે પણ તેઓ મેટલ ડિટેક્ટરમાંથી પસાર થાય, ત્યારે શરીરમાં કારતુસ હોવાને કારણે બઝર એલર્ટ મેસેજ આપે છે.
રાજ્ય સરકારે કેટલાક નાના પોલીસ કર્મચારીઓને રોકડ પુરસ્કાર આપી સન્માનિત કર્યા હતા. જ્યારે ભારત સરકારે અક્ષરધામ હુમલામાં લડત આપનારા જવાનોને સન્માનિત કરવાની જાહેરાત કરી હતી. તેમાં તત્કાલીન ડી.એસ.પી. આર. બી. બ્રહ્મભટ્ટ (DSP RB Brahmbhatt) અને શહિદ થયેલા પોલીસ કોન્સટેબલ કમાન્ડો અલ્લારખાં (Commando Allarakha) તથા અર્જુન ગામેતીને (Commando Arjun Gameti) ‘પ્રેસિડેન્ટ મેડલ ફોર ગેલેન્ટ્રી’થી સન્માનિત કરવામાં આવ્યા. આ ઉપરાંત સાત પોલીસ અધિકારી અને જવાનો, જેમને ‘પોલીસ મેડલ ફોર ગેલેન્ટ્રી’ આપવામાં આવ્યું. જેમાં પોલીસ ઇન્સપેક્ટર એસ. આર. યાદવ, એ.એસ.આઈ. જયંતિ જાદવ, હેડ કોન્સટેબલ એસ. એમ. યાદવ, હરીરામ આહીર, કોન્સટેબલ આર. બી. પટેલ, જી. બી. રાઠવા અને ડી. ડી. બલાતનો સમાવેશ થયો.
બીજી બાજુ અમદાવાદ સિવિલમાં જીવન મરણનો જંગ ખેલી રહેલા, એન.એસ.જી. કમાન્ડો સૃજનસિંહની (NSG Commando Surjan Singh) સંભાળ લેનારું તેના પરિવાર સિવાય કોઈ નહોતું. સૃજનસિંહ અને તેના પરિવારની દરકાર ડી.એસ.પી. બ્રહ્મભટ્ટ અને પી.એસ.આઈ. ડી. પી. ચુડાસમા વ્યક્તિગત રીતે લઈ રહ્યા હતા. ઘણા મહિનાઓની સારવાર પછી પણ કોમામાં જતા રહેલા સૃજનસિંહની સ્થિતિમાં કોઈ ફેરફાર થયો નહીં. આખરે ભારત સરકારે નિર્ણય કર્યો કે, સૃજનસિંહને અમદાવાદ સિવિલમાંથી ખસેડી દિલ્હી એઇમ્સમાં લઈ જવામાં આવે. અંતે એઇમ્સના ડૉકટર્સની ટીમ પણ હારી ગઈ અને સૃજનસિંહ શહિદ થઈ ગયા!
સમયની સાથે ઘણું બદલાઈ રહ્યું હતું. ગુજરાત એ.ટી.એસ.ના (Gujarat ATS) પ્રયત્ન હોવા છતાં કેસમાં કોઈ સફળતા મળી નહીં. ઘણી વખત નસીબ પણ કામ કરતું હોય છે. અમદાવાદ ક્રાઇમબ્રાંચ (Ahmedabad Crime Branch) ચુપચાપ કામ કરી રહી હતી. આ પ્રકારની એજન્સીઓ વચ્ચેની હરીફાઈ બહુ સ્વભાવિક છે. ક્રાઇમબ્રાંચ કઈ દિશામાં આગળ વધી રહી છે, તેનો જરા પણ અંદાજ ગુજરાત એ.ટી.એસ.ના વડા વિપુલ વિજોયને નહોતો. એ.ટી.એસ.ની ટીમે ગુજરાત બહાર તપાસનો દૌર આગળ વધાર્યો હતો, પણ તેમને ખબર નહોતી કે, ઘર કા ભેદી લંકા ઢાહે જેવી સ્થિતિ હશે. કેસના અનેક આરોપી અમદાવાદમાં જ હતા. એ.ટી.એસ. સતત કાશ્મીર પોલીસના સંપર્કમાં હતું. જોકે આખી ઘટનાના તાર ક્યાંકને ક્યાંક કાશ્મીર સાથે પણ જોડાયેલા હતા, પણ તેની ભનક હજી સુધી ક્રાઇમબ્રાંચને પણ આવી નહોતી.
ગિરીશ સિંઘલ પોતાની ચેમ્બરમાં પાછા ફર્યા. થોડોક સમય વિચાર કર્યો અને બેલ મારી, કોન્સટેબલને બોલાવી કહ્યું, “મુફતીને લઈ આવો.”
કોન્સટેબલ વિચાર કરવા લાગ્યો કે, કલાક પહેલા તો મુફતીને ઇન્ટ્રોગેટ કર્યા. હવે શું હશે? તે હજી દરવાજામાં જ ઊભો હતો. સિંઘલે જરા કડક અવાજમાં કહ્યું, “મુફતી.”
“જી.” કહીને કોન્સટેબલ બહાર નીકળી ગયો.
થોડીવારમાં કોન્સટેબલ મુફતી કયુમને લઈ ફરી ચેમ્બરમાં આવ્યો. સિંઘલે આંખના ઇશારે એને સામેની ખુરશીમાં બેસવા કહ્યું. મુફતી પણ સમજી શકતા નહોતા કે, તેમને ફરી શું કામ બોલાવ્યા! સિંઘલ સતત મુફતીની આંખોમાં જોઈ રહ્યા હતા. તેમના ચહેરા પર સ્મિત હતું, પણ મુફતી નજર ફેરવી લેતા હતા. ગિરીશ સિંઘલે ખુરશીમાં ટટ્ટાર થતાં કહ્યું, “કયુમ સાહેબ, મેં વણઝારા સાહેબ સાથે વાત કરી. મેં તેમને કહ્યું કે, મુફતી કશું જ જાણતા નથી અને કોઈને મળ્યા પણ નથી.”
મુફતી મનમાં વિચાર કરવા લાગ્યા કે, સિંઘલ તેમની ઉપર ભરોસો કરે છે કે વ્યંગમાં વાત કરી રહ્યા છે? ગિરીશ સિંઘલે એક નજર બારીની બહાર નાખી. ત્યાં ઝાડ પર બેસીને કોયલ ટહુકા કરી રહી હતી. સિંઘલે ડ્રોઅરમાંથી ચીઠ્ઠી કાઢી અને ટેબલ ઉપર મૂકતાં કહ્યું, “આ ટેરરિસ્ટ પાસેથી મળેલી ચીઠ્ઠી તમે લખી નથી. એ વાત હમણા હું માની લઉં છું, પણ તમને ઉર્દૂ લખતાં તો આવડે છે.”
તેમ કહી સિંઘલે એક કોરો કાગળ અને પેન મુફતી સામે મૂક્યાં અને કહ્યું, “આ ચીઠ્ઠીમાં જે કંઈ લખ્યું છે, તેવું જ લખાણ તમે આ કાગળ ઉપર લખી આપો.”
મુફતી વિચાર કરવા લાગ્યા કે, આ કોઈ નવો દાવ છે! પણ સિંઘલે અવાજ થોડો મોટો કરતાં કહ્યું, “અરે લખો.”
(ક્રમશ:)
Part 34 : ગિરીશ સિંઘલે મુફતી સામે એક ચીઠ્ઠી મૂકી. હવે મુફતી પાસે સાચું બોલવા સિવાય કોઈ વિકલ્પ નહોતો
આ ઓપરેશનમાં NSG ના બે અને ગુજરાત પોલીસના બે જવાનો શહિદીને ભેટ્યા હતા. આ ધારાવાહિક કોઈપણ રાજકીય પક્ષ, ધર્મ, જાતિ, જ્ઞાતિ અને કોઈપણ વિચારધારાનું સમર્થન કે વિરોધ કરતી નથી. સત્ય બાબત જેટલી સરળતાથી સામાન્ય લોકો સુધી મૂકી શકાય; એ દિશામાં થયેલો એક પ્રયાસ છે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796