નવજીવન ન્યૂઝ,અમદાવાદ : અમદાવાદ શહેરમાં અનેક વખત વન વિભાગે દરોડા પાડીને પ્રાણી/પક્ષીઓ વેચતા લોકો સામે કાર્યવાહી કરી છે. જો કે, આ વખતે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે શહેરના પોશ વિસ્તાર એવા નવરંગપુરામાં આવેલા રહેણાંક એપાર્ટમેન્ટમાં ચાલતા વિદેશી પ્રાણી/પક્ષીના વેચાણના રેકેટનો પર્દાફાશ કર્યો છે. રેકેટના પર્દાફાશ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC), વન વિભાગ (Forest Department) અને કસ્ટમ્સ વિભાગ (Customs Department)ને આગળની કાર્યવાહી માટે જાણ કરવામાં આવનારી છે. વિદેશી પક્ષી/પ્રાણીઓ વેચતો શખસ મૂળ તામિલનાડુનો છે અને વર્ષોથી તેના પિતા પણ આ જ ધંધો કરતા આવ્યા છે. પશુ/પક્ષીઓનું વેચાણ કરતો તામિલ પરિવાર ખેડા જિલ્લામાં પણ ફાર્મ હાઉસ ધરાવે છે.
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે એક ચોક્કસ બાતમીના આધારે નવરંગપુરા વિસ્તારના ‘રાવલભાઈ એપાર્ટમેન્ટ’માં દરોડો પાડી, રહેણાંક મકાનમાં અત્યંત જોખમી અને ગેરકાયદેસર રીતે ચાલતા વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓના મોટા પ્રજનન (Breeding) અને વેચાણના રેકેટને ઝડપી પાડ્યું છે. વાંદરાની એક પ્રજાતિ રેડ હેન્ડ ટેમરીન (Red-handed Tamarin), પર્સિયન કેટ અને તેના અડધો ડઝન બચ્ચા, 14 નાના-મોટા હેમ્સ્ટર (Hamsters), 15 મીની લો સસલા અને 9 લેધર લેબ ડોફ (Leather Lab Dwarf) પ્રાણીઓ ફલેટમાંથી મળી આવ્યાં છે. જ્યારે પક્ષીઓમાં આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચી કિંમત ધરાવતા 6 આફ્રિકન ગ્રે પેરોટ (African Grey Parrot), 5 બ્લુ એન્ડ ગોલ્ડ મકાઉ (Blue and Gold Macaw), 3 એક્લેક્ટસ પેરોટ (Eclectus Parrot), 4 સન કોનીપોર (Sun Conure), 2 ગાલા કોકાટુ (Galah Cockatoo), એક સલ્ફર કોકાટુ (Sulphur-crested Cockatoo) તેમજ મોટી સંખ્યામાં આફ્રિકન લવ બર્ડ્સ, કોનીયોર્સ, કોકાટીલ, બજરીગર અને ફેનીપીક મળી આવ્યાં છે.
પોલીસ દરોડા સમયે આરોપી દ્વારા રજૂ કરવામાં આવેલા ‘પરિવેશ’ (PARIVESH) પોર્ટલના દસ્તાવેજો પ્રાથમિક દ્રષ્ટિએ અધૂરા અને શંકાસ્પદ જણાયા છે. ગીચ રહેણાંક વિસ્તારમાં કોઈપણ પ્રકારની બાયોસિક્યુરિટી કે વૈજ્ઞાનિક સુવિધા વિના આટલી મોટી સંખ્યામાં જંગલી અને વિદેશી જીવો રાખવા એ ‘ઝૂનોટિક’ (Zoonotic) રોગો ફેલાવવાનું મોટું જોખમ ઊભું કરે છે અને સ્થાનિક રહીશોના સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે.
આ સમગ્ર મામલાની ગંભીરતા, આંતરરાષ્ટ્રીય વન્યજીવ વ્યાપારના નિયમો અને જાહેર આરોગ્યના જોખમોને ધ્યાને લેતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, વન વિભાગ અને કસ્ટમ્સ વિભાગને સત્તાવાર રીતે જાણ કરવામાં આવશે. આ ત્રણેય વિભાગો સાથે મળીને દસ્તાવેજોની ખરાઈ, આયાતની કાયદેસરતા અને રહેણાંક વિસ્તારમાં આરોગ્યના જોખમો અંગે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાશે.








