Ahmedabad fireworks factory blast : બાળકો, મહિલાઓ સહિત 9 લોકોને ભરખી જનારા અમદાવાદની ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ (9 killed in firecracker factory blast) માં પોલીસે મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડાયેલા આરોપીઓમાં ફટાકડા ફેક્ટરી ચલાવતી રમીલા ભાઈલાલભાઈ ડોડીયા, રમીલાબહેનનો પુત્ર મેહુલ અને ભાગીદાર સાદીક સૈયદનો સમાવેશ થાય છે. છેલ્લાં એક દસકાથી ધમધમતી ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીને તંત્રના આર્શીવાદ હોવાનું સામે આવ્યું છે. સપ્ટેમ્બર-2025થી માર્ચ-2026 દરમિયાન પરમીટ રદ કરવા બબ્બે વખત પોલીસે રિપોર્ટ તેમજ અભિપ્રાય આપ્યો હોવા છતાં તંત્રએ આંખઆડા કાન કર્યા હતા. આખી ઘટનામાં દોષનો ટોપલો કોના માથે ઢોળાય છે તે જોવાનું રહ્યું.
વર્ષ 2014માં જે સ્થળે ફટાકડા ફેક્ટરીમાં આગ લાગવાથી એક વ્યક્તિનું મોત થયું હતું તે સ્થળે ફરીથી રમીલાબહેન ડોડીયાના બદલે વર્ષ 2020થી મેહુલના નામે ફેક્ટરીનો પરવાનો આપી દેવાયો હતો. ડીસા ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ (Deesa fireworks factory blast) કેસ બાદ રાજ્યભરમાં તંત્રએ ચેકીંગ શરૂ કર્યું હતું. દરમિયાન સપ્ટેમ્બર-2025માં રામોલ પોલીસે નકશા પ્રમાણે બાંધકામ ન હોવાથી મેહુલ ડોડીયાનો પરવાનો રદ કરવા રિપોર્ટ કર્યો હતો. ત્યારબાદ માર્ચ-2026માં રામોલ પોલીસે પરવાના રિન્યુ વખતે રદ કરવા સ્પષ્ટ અભિપ્રાય આપ્યો હતો. મેહુલ ડોડીયાની ફટાકડા ફેક્ટરીમાં નકશા અનુસાર બાંધકામ નહીં હોવા છતાં અમદાવાદ ફાયરબ્રિગેડ વિભાગે નો ઑબ્જેક્શન સર્ટી (Ahmedabad Fire Department NOC) આપ્યું છે. ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીના માલિકોને ફેકટરી ઈન્સ્પેક્ટર (Factory Inspector) તેમજ શ્રમ અને રોજગાર વિભાગ (Labor and Employment Department) ના છુપા આર્શીવાદ હતા. સરકારી વિભાગોની બેદરકારી ગણો કે મેળાપીપણું 9 લોકોને ભરખી ગયું છે.








