કોઈ પણ ગુનાને લાંબો સમય થઈ જાય એટલે ગુનેગાર માનતો હોય છે કે હવે તે પોલીસની પક્કડ બહાર છે, એટલે તે કોઈને કોઈ એવી ભુલ કરે છે કે બીલાડીની જેમ પાછળ લાગેલી પોલીસ તેને ઝડપી લે છે. 2009માં આશારામના આશ્રમમાં દિપેશ-અભીષેક નામના બે માસુમ બાળકોના થયેલા અપમૃત્યુ કેસમાં મહત્વના સાક્ષી રાજુ ચાંડક ઉપર અચાનક સાબરમતી વિસ્તારમાં ત્રણ ગાઉન્ડ ગોળીબાર થાય છે, સદ્દનસીબે ગોળી વાગ્યા પછી રાજુ બચી જાય છે પરંતુ તેની ઉપર ગોળીબાર કરનાર આરોપી જાણે હવામાં ઓગળી ગયો હોય તેવી સ્થિતિ ઉભી થાય છે, આ મામલે તપાસ કરી રહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની સમસ્યા એવી હતી કે તેણે આરોપીની ઓળખ તો કરી લીધી હતી, પરંતુ ક્રાઈમ બ્રાન્ચ પાસે તેનો કોઈ ફોટો ન્હોતો અને ક્રાઈમ બ્રાન્ચના તેને ચહેરાથી ઓળખી શકે તેવો એક પણ પોલીસવાળો ન્હોતો.
ઘટનાને એક પછી એક વર્ષો વિતવા લાગ્યા અને આ કેસના આરોપીની કોઈ ભાળ મળતી નથી, ગત વર્ષે ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી પદે ચૈતન્ય માંડલીક આવે છે તેઓ ક્રાઈમ બ્રાન્ચના વોન્ટેડ આરોપીઓની યાદી તપાસે છે તેમાં એક નામ આવે છે સંજય વૈધ, તે છેલ્લાં 12 વર્ષથી પોલીસને થાપ આપી રહ્યો હતો તે મુળ વતની ઉત્તર પ્રદેશના ગાજીયાબાદનો હતો, દિપેશ અભીષેકમાં આશારામનો અનુયાયી રહેલા રાજુ ચાંડકને આશારામના અસલી ધંધાની ખબર પડે છે ત્યારે રાજુ આ મામલે હિમંતપુર્વક મિડીયા સામે આવી આશારામના ધંધાનો પર્દાફાશ કરે છે તેની સાથે તેની સાથે આ મામલે તપાસ કરી રહેલા જસ્ટીશ ડી કે ત્રીવેદ્દી તપાસ પંચ સામે પણ જુબાની આપે છે,. રાજુ ચાંડક આશારામ માટે જોખમી બની રહ્યો હતો, એટલે રાજુને આશ્રમમાં બોલાવી મોંઢુ બંધ રાખવા માટે ધમકાવવામાં આવે છે પણ રાજુ મચક આપતો નથી અને ડરતો પણ નથી.
તા 5 ડિસેમ્બર 2009ના રોજ રાજુ ચાંડક પોતાની મોટર સાયકલ ઉપરથી પસાર થતો હતો ત્યારે તેની અત્યંત નજીક એક મોટર સાયકલ આવે છે અને રાજુ ઉપર ધડાધડ ગોળી છુટવા લાગે છે. જેમાંથી એક ગોળી વાગતા રાજુ ત્યાં જ પડી જાય છે, રાજુ હવે મરી જશે તેવુ માની તેની ઉપર ગોળી છોડનાર પલાયન થઈ જાય છે. આ મામલે પહેલા સાબરમતી પોલીસે ગુનો નોંધ્યો અને પછી તે તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. ક્રાઈણ બ્રાન્ચ હરકતમાં આવે છે અને તેમની સામે એક નામ આવે છે કાર્તિક હલદર, તે મુળ રહેવાસી બંગાળનો છે પણ તે આશ્રમનો અનુયાયી હોવાને કારણે મોટેરા આશ્રમમાં રહેતો હતો, ક્રાઈમ બ્રાન્ચ કાર્તિકને ઉપાડી લાવે છે અને તે પોલીસનો તાપ સહન કરી શકતો નથી,. તેની પાસે મોંઢુ ખોલવા સિવાય કોઈ વિકલ્પ ન્હોતો, તે કબુલ કરે છે કે રાજુને કાયમ શાંત કરી આપવા માટે આશારામનો આદેશ થતાં તેણે આ કામ કરવાનું નક્કી કર્યુ હતું.
કાર્તિક હલદરે રાજુ ચાંડકનો કાંટો કાઢવા માટે સંજય વૈધનો સંપર્ક કર્યો અને તેને અમદાવાદ બોલાવી હથિયાર અને મોટર સાયકલની વ્યવસ્થા કરી રાજુ ચાંડક બતાડી તેના આવવા જવાના રસ્તા ઉપર રેકી કરાવી રાજુને પુરો કરવાની સુચના આપી હતી, સંજય પોતાનું કામ પુરુ કરી અમદાવાદથી રવાના થઈ જાય છે, ક્રાઈમ બ્રાન્ચ સામે 2009માં જ સંજય વૈધનું નામ આવી ગયુ હતું પણ તે કેવો છે કેવો લાગે છે તેની કોઈ માહિતી ન્હોતી ડીસીપી ચૈતન્ય માંડલીકે આ મામલે પોતાના સંપર્ક સુત્રોને એકટીવ કરવા એસીપી ડી પી ચુડાસમાને સુચના આપી હતી, 12 વર્ષના ગાળામાં ક્રાઈમ બ્રાન્ચના પણ નાના મોટા અધિકારીઓની બદલી થઈ ગઈ હતી અને નવા અધિકારીઓ અને નવો સ્ટાફ આવ્યો હતો,
એસીપી ડી પી ચુડાસમાએ સંજય વૈધને શોધી કાઢવા માટે પોલીસ ઈન્સપેકટર પી બી દેસાઈને કામગીરી સોંપતા પીઆઈ દેસાઈનો સ્ટાફ 12 વર્ષથી ફરાર સંજયને શોધવા એકશનમાં આવ્યો હતો, લાંબા સમયની મહેનત પછી પંદર દિવસ પહેલા જાણકારી મળી કે સંજય વૈધ નાસીક ખાતે આવેલા આશારામના આશ્રમમાં જ રહે છે, નાસીકની ભુગોળથી ડીસીપી માંડલીક વાકેફ હતા તેમણે સમગ્ર ઓપરેશને ,સફળ અંજામ આપવાની યોજના બનાવી, ઓપરેશન નાસીક માટે સબઈન્સપેકટર જે વાય પઠાણ અને તેમના સ્ટાફને એક સપ્તાહ પહેલા નાસીક રવાના કરવામાં આવ્યો હતો, પીએસઆઈ પઠાણનું પહેલુ કામ હતું કે ખરેખર જે માહિતી મળી છે તે પ્રમાણે સંજય આશ્રમમાં રહે છે કે નહીં, તેની ખાતરી કરવાની હતી.
પરંતુ પઠાણની સમસ્યા એવી હતી કે તેમણે પોતાની પોલીસની ઓળખ છુપાવી કામ કરવાનું હતું અને બીજુ આશ્રમમાં પ્રવેશ કર્યા વગર માહિતી મેળવવાની હતી, લાંબી મથામણ પછી માહિતી મળી કે સંજય આશ્રમમાં જ છે, પરંતુ ઓપરેશન ટીમને સ્પષ્ટ સુચના હતી કે તેઓ આશ્રમમાં પ્રવેશ કરશે નહીં કારણે પોલીસ આશ્રમમાં દાખલ થઈ છે તેવી ખબર પડતા સાધકો સાથે ઘર્ષણ થવાની ભીતી હતી અને તે દરમિયાન સંજયને ભાગી છુટવાની ફરી તક મળે તેમ હતી, નાસીક પોલીસને આ બાબતની ગંધ આવે તે પણ યોગ્ય ન્હોતુ, ખાનગી કપડા અને ખાનગી વાહનોમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ નાસીકના ગંગાપુરમાં આવેલા આશ્રમની બહાર વોચમાં હતી. આ દરમિયાન સંજય આશ્રમની બહાર આવે છે, સ્થાનિક બાતમીદાર પોલીસને ઈશારો કરે છે આ સંજય છે કારણ ઓપરેશનમાં રહેલી ટીમ સંજયને ઓળખતી જ ન્હોતી.
જો કે ડીસીપીની સુચના મળે નહી ત્યાં સુધી સંજયને ઉપાડવાનો ન્હોતો., પીએસઆઈ પઠાણને પુરતી ખાતરી થઈ કે આ સાધક જ સંજય છે એટલે તે આદેશને રાહ જુવે છે અને અમદાવાદથી આદેશ મળે છે કે હવે ફરી તે આશ્રમની બહાર નિકળે તેની સાથે ઉપાડી લે જો ક્રાઈમ બ્રાન્ચનું નસીબ તેમને સાથ આપે છે બીજા દિવસે સંજય ફરી કોઈ કામ માટે આશ્રમની બહાર આવે છે, ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફની આંખમાં ચમક આવે છે, સંજય આશ્રમથી થોડેક દુર પહોંચે છે અને ખાનગી વાહનોમાં રહેલી ટીમ તેને દબોચી કારમાં બેસાડી અમદાવાદ તરફ રવાના થાય છે જયારે ક્રાઈમ બ્રાન્ચ સંજયને પોતાનો પરિચય આપે છે ત્યારે સંજયની સમજાય છે કે તેની 12 વર્ષથી ભાગદોડનો હવે અંત આવ્યો છે..









