Rajkot Indigo Flight Emergency landing: દુબઈ (Dubai)થી મુંબઈ (Mumbai) જઈ રહેલી ઈન્ડિગો (IndiGo)ની ફ્લાઇટનું રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Rajkot International Airport) પર ઈમર્જન્સી લેન્ડિંગ (Emergency Landing) કરાવવામાં આવ્યું હતું. ફ્લાઇટના કાર્ગો હોલ્ડ એરિયા (Cargo Hold Area)માં ધૂમાડો જોવા મળ્યાની માહિતી મળતા પાયલોટે સાવચેતીના ભાગરૂપે આ નિર્ણય લીધો હતો.
ઈમર્જન્સી લેન્ડિંગની માહિતી મળતા જ રાજકોટ એરપોર્ટ ઓથોરિટી (Rajkot Airport Authority) હાઈ એલર્ટ પર આવી ગઈ હતી. એરપોર્ટ પર તમામ ઈમર્જન્સી સેફ્ટી પ્રોટોકોલ (Emergency Safety Protocol) અમલમાં મૂકવામાં આવ્યા હતા. ઉપરાંત રાજકોટ ફાયર વિભાગ (Rajkot Fire Department)ની અનેક ફાયર બ્રિગેડ અને પાણીના ટેન્કરોને રનવે પર તૈનાત કરવામાં આવ્યા હતા. સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ પણ તાત્કાલિક એરપોર્ટ પર પહોંચી ગઈ હતી.
રાજકોટ એરપોર્ટના ડિરેક્ટર દિગંત બોરા (Digant Bora)એ જણાવ્યું કે કાર્ગો હોલ્ડ એરિયામાં ધૂમાડાની જાણ થતાં ફ્લાઇટને રાજકોટ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ફ્લાઇટનું સલામત લેન્ડિંગ થયું છે અને તેમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત હોવાનું તેમણે જણાવ્યું.
મુસાફરોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સહિતની ટીમ એરપોર્ટ પર તૈનાત કરવામાં આવી હતી. ઉપરાંત એમ્બ્યુલન્સ (Ambulance) અને તબીબી ટીમને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી.
એરપોર્ટ સૂત્રોના જણાવ્યા મુજબ, આ ઈન્ડિગોની ફ્લાઇટ નંબર IGO1452 હતી, જે A321 પ્રકારનું વિમાન હતું. ફ્લાઇટ દુબઈથી મુંબઈ જઈ રહી હતી અને તેમાં કુલ 194 લોકો સવાર હતા. ઘટનાને પગલે રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સંપૂર્ણ ઈમર્જન્સી જાહેર કરવામાં આવી હતી.








