Tuesday, July 28, 2026
HomeNationalવિદ્યાર્થિનીના આત્મહત્યા કેસમાં રાજસ્થાન હાઈકોર્ટનો શિક્ષકોને રાહત, અભ્યાસ અને હાજરી અંગે ઠપકો...

વિદ્યાર્થિનીના આત્મહત્યા કેસમાં રાજસ્થાન હાઈકોર્ટનો શિક્ષકોને રાહત, અભ્યાસ અને હાજરી અંગે ઠપકો આપવો આત્મહત્યા માટે ઉશ્કેરણી નહીં

- Advertisement -

Abetment of Suicide Rajasthan High Court: રાજસ્થાન હાઈકોર્ટ (Rajasthan High Court)એ એક મહત્વપૂર્ણ નિર્ણયમાં કહ્યું છે કે વિદ્યાર્થી અથવા વિદ્યાર્થિનીને અનિયમિત હાજરી, નબળા શૈક્ષણિક પ્રદર્શન અથવા શિસ્તભંગ બદલ ઠપકો આપવો કે શિસ્તાત્મક કાર્યવાહી કરવી તેને આત્મહત્યા માટે ઉશ્કેરણી (Abetment of Suicide) ગણી શકાય નહીં. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આત્મહત્યા માટે ઉશ્કેરવા, જાણબૂઝીને મદદ કરવા અથવા જરૂરી ગુનાહિત ઇરાદાના સ્પષ્ટ પુરાવા વિના ભારતીય દંડ સંહિતા (Indian Penal Code – IPC)ની કલમ 305 હેઠળ ગુનો બનતો નથી.

જસ્ટિસ કુલદીપ માથુર (Justice Kuldeep Mathur)ની બેન્ચે ધોરણ 12ની એક વિદ્યાર્થિનીના આત્મહત્યા કેસમાં શિક્ષકો સામે કલમ 305 હેઠળ ટ્રાયલ કોર્ટ દ્વારા નક્કી કરાયેલા આરોપોને રદ કરી દીધા છે.

- Advertisement -

હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું કે શિક્ષકની જવાબદારી શાળામાં શિસ્ત જાળવવાની હોય છે. કોઈ વિદ્યાર્થિને અનિયમિત હાજરી, અભ્યાસમાં નબળા પ્રદર્શન અથવા શિસ્તભંગ બદલ સમજાવવું કે ઠપકો આપવો તેમના વ્યવસાયિક કર્તવ્યનો ભાગ છે. આવા સામાન્ય શિસ્તાત્મક પગલાંને કોઈપણ સંજોગોમાં આત્મહત્યા માટે ઉશ્કેરણી અથવા જાણબૂઝીને મદદ તરીકે ગણાવી શકાય નહીં.

કેસમાં વિદ્યાર્થિનીના પિતાએ ફરિયાદ નોંધાવી હતી કે શિક્ષકો તેમની પુત્રીને સતત હેરાન અને અપમાનિત કરતા હતા તેમજ તેને શાળામાંથી કાઢી મૂકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ કારણસર તેણે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું. ફરિયાદ મુજબ વિદ્યાર્થિનીએ એક સુસાઇડ નોટ (Suicide Note) પણ છોડી હતી.

બીજી તરફ શિક્ષકો તરફથી કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે પોલીસ તપાસમાં તેમના સામેના આરોપો સાચા સાબિત થયા નહોતા. તપાસમાં સામે આવ્યું હતું કે વિદ્યાર્થિની નિયમિત રીતે શાળામાં આવતી નહોતી અને અભ્યાસમાં પણ ધ્યાન આપતી નહોતી. તેથી શિક્ષકોએ તેને અનેક વખત સમજાવી હતી અને ઠપકો આપ્યો હતો.

- Advertisement -

શિક્ષકોએ કોર્ટમાં દલીલ કરી હતી કે IPCની કલમ 305 હેઠળ ગુનો ત્યારે જ બને જ્યારે પહેલા કલમ 107 હેઠળ ઉશ્કેરણી અથવા જાણબૂઝીને મદદ જેવા જરૂરી તત્ત્વો સાબિત થાય. આ કેસમાં આવા કોઈ પુરાવા ઉપલબ્ધ નથી.

બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ હાઈકોર્ટે નોંધ્યું કે તપાસ એજન્સીને એવું જાણવા મળ્યું હતું કે વિદ્યાર્થિની નિયમિત રીતે શાળામાં હાજર રહેતી નહોતી. શિક્ષકોએ તેને નિયમિત હાજરી આપવા, અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને પરીક્ષામાં બેસવા માટે અનેક વખત સલાહ આપી હતી. સાથે જ ગેરહાજરી ચાલુ રહેશે તો તેના પિતાને શાળામાં બોલાવવા પણ કહેવામાં આવ્યું હતું.

હાઈકોર્ટે કહ્યું કે રેકોર્ડ પર એવું કોઈ પ્રથમ દૃષ્ટિએ પુરાવું નથી કે જેના આધારે કહી શકાય કે શિક્ષકોએ વિદ્યાર્થિનીને આત્મહત્યા માટે ઉશ્કેરી હતી અથવા એવી પરિસ્થિતિ ઊભી કરી હતી કે તેની પાસે આત્મહત્યા સિવાય કોઈ વિકલ્પ બાકી રહ્યો હોય.

- Advertisement -

કોર્ટે વધુમાં જણાવ્યું કે શિક્ષકનું કર્તવ્ય માત્ર શિક્ષણ આપવાનું જ નહીં પરંતુ શિસ્ત જાળવવી અને વિદ્યાર્થીઓને શૈક્ષણિક માર્ગદર્શન આપવાનું પણ છે. તેથી આવા સામાન્ય શિસ્તાત્મક પગલાંને આત્મહત્યા માટે દૂષ્પ્રેરણ ગણાવી શકાય નહીં. આ ટિપ્પણીઓ સાથે હાઈકોર્ટે શિક્ષકોની પુનરીક્ષણ અરજીઓ સ્વીકારી ટ્રાયલ કોર્ટ દ્વારા તેમના સામે નક્કી કરાયેલા આરોપો રદ કરી દીધા.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular