Sunday, June 7, 2026
HomeGeneralરિવાબા અને પૂનમ માડમની લડાઈ કે હરિફાઈ? કાકા-ભત્રીજી સમિકરણ ચાલે તો ભાજપને...

રિવાબા અને પૂનમ માડમની લડાઈ કે હરિફાઈ? કાકા-ભત્રીજી સમિકરણ ચાલે તો ભાજપને પણ ભારે પડે આ વિવાદ

- Advertisement -

નવજીવન ન્યૂઝ. જામનગર: Jamnagar News: ધારાસભ્ય રીવાબા જાડેજા (MLA Rivaba Jadeja) અને સાંસદ પૂનમ માડમ (MP Poonam Madam) વચ્ચે ચાલી રહેલું શીતયુધ્ધ હવે ચરમસીમા પર પહોંચ્યું છે. ગતરોજ એક કાર્યક્રમ દરમિયાન જાહેરમાં જ પૂનમ માડમ અને રિવાબા જાડેજા વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી. બાદમાં રિવાબા જાડેજાએ બેફામ રીતે સાંસદ અને જામનગરના મેયર બિનાબેન કોઠારીનો ઉધડો લઈ લીધો હતો. પરંતુ આ યુધ્ધની શરૂઆત વિધાનસભાની ચૂંટણીથી જ થઈ ગઈ હોવાનું જણાઇ રહ્યું છે. ત્યારે આજે આપણે પૂનમ માડમ અને રિવાબા વચ્ચે ચાલી રહેલી બબાલના મૂળ અને આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપનું (BJP) જામનગરમાં (Jamnagar) ભવિષ્ય અંગે ચર્ચા કરીશું.

ગઈકાલે જામનગરના લાખોટા તળાવ નજીક ભાજપના મેરી માટી મેરા દેશ કાર્યક્મમાં ભાજપનો આંતરિક કલહ સામે આવ્યો હતો. જેના કારણે માટી અને દેશ સાઈડમાં જતા રહ્યા હતા અને સાંસદ અને ધારાસભ્ય સામ-સામે આવી ગયા હતા.

- Advertisement -

રિવાબાએ ગતરોજ મીડિયાને સમક્ષ કરેલા કથન અનુસાર કાર્યક્રમમાં ચપ્પલ ઉતારવાની વાતમાંથી સાંસદ પૂનમ માડમે વાંકુ બોલ્યું અને ત્યાંથી બબાલ શરૂ થઈ હતી. જેમાં રિવાબાના કથન મુજબ પૂનમબેને કહ્યું હતું કે કેટલાક ભાન વગરના લોકો ઓવર સ્માર્ટ બની રહ્યા છે. જેના કારણે રિવાબાએ પણ રોકડું પરખાવી દિધું હતું.

આ બબાલમાં વચ્ચે પડેલા મેયર બિનાબેન કોઠારીને પણ રિવાબાએ આડેહાથ લઈ લીધા હતા અને કહી દિધું હતું કે ઔકાતમાં રહેજો. રિવાબાના કહેવા મુજબ આ લડાઈ સ્વાભિમાનની હતી પરંતુ, જો તાજો ભૂતકાળ અને આગામી લોકસભાની ચૂંટણી તરફ ધ્યાન કરીએ તો લડાઈ સ્વાભિમાન કરતા અસ્તિત્વની વધારે જણાય છે. મીડિયાના અહેવાલ પરથી માહિતી મળે છે કે રિવાબાના નણંદ નયનાબા જાડેજાએ પણ આ લડાઈને અસ્તિત્વની લડાઈ હોવાનું કથન કર્યું છે.

આ બબાલ બાદ રિવાબાએ તો ખુલીને મીડિયા સમક્ષ ચર્ચા કરી પણ રાજકારણમાં પીઢ બની ગયેલા પૂનમ માડમે આગથી રમવાના બદલે સિફત પૂર્વક જવાબ આપ્યા હતા… ત્યાં સુધી કે તેમણે બનાબેનને વડીલ અને રિવાબા મારા નાના બહેન કહ્યા હતા… આમ પૂનમ માડમે સમગ્ર મામલાના કારણે મચેલા હંગામાથી પોતાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.

- Advertisement -

ત્યારે સુત્રો જણાવી રહ્યા છે કે આ બબાલને લોકસભાની ચૂંટણી આવે ત્યાં સુધી અભેરાઈએ ચઢાવી દેવા માટે ભાજપ હાઈકમાન્ડે સૂચન કર્યા છે…. સાથે જ ભાજપ દ્વારા રિવાબા અને પૂનમબેન માડમને પ્રોટોકોલ મુજબના સૂચનો આપી દેવામાં આવ્યા છે. પરંતુ સવાલ એ છે કે આ બબાલનું મૂળ ક્યાં ? અને બબાલનું પરિણામ કેવું આવી શકે છે ?

તો આ ઘટનાને શરૂઆતથી સમજવી પડે તેમ છે. જે પ્રમાણે ગતરોજ રિવાબા બબાલ સમયે પૂનમ માડમને કહેતા જણાયા હતા કે વડીલ હતા તો ચૂંટણી સમયે વડીલપણું બતાવવાનું હતું. ટૂંકમાં વિધાનસભાની ચૂંટણી સમયથી ચાલી રહેલા ખટરાગની આ વાત હતી. માનવામાં આવે છે કે ગત વિધાનસભાની ચૂંટણી સમયે કંપની અને ભાજપે એક ધારાસભ્યનું પત્તુ કાપવા રિવાબાનો ઉપયોગ કર્યો. પરંતુ અચાનક જ રિવાબાની ટિકીટ આવતા ભાજપના જ નેતાઓમાં ચર્ચા ચાલી રહી હતી કે હેલિકોપ્ટર ઉતારી દેવાયું છે. ભાજપના કચવાટના કારણે રિવાબાની જીત પર સવાલ ન પેદા થાય માટે કંપની અને ભાજપે સૂચનો આપવા પડ્યા અને નેતાઓને કામે લગાડવા પડ્યા હતા. પરંતુ આ સમયથી જ રિવાબા પૂનમ માડમથી નારાજ ચાલી રહ્યા હતા તેવું પણ માનવામાં આવે છે. આમ આ વિવાદનું મૂળ વિધાનસભાની ચૂંટણીથી શરૂ થાય છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

પરંતુ રિવાબા જેને સ્વાભિમાનની લડાઈ કહે છે તે લડાઈ સ્વાભિમાન કરતા અસ્તિત્વની વધારે જણાય છે. કારણ કે, લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને સાંસદ પૂનમ માડમ જૂથ પહેલાથી જ પોતાની ખુરશી બચાવવા માટે રિવાબા જૂથની સામે ચાલી રહ્યા છે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે. સાથે જ પૂનમ માડમ જૂથને જે કંપનીના સહકારથી ખુરશી મળી તે કંપની જો ખસી જાય તો રિવાબા રાજકીય હરિફાઈમાં આગળ નિકળી જાય તેવો પણ ભય સાંસદ જૂથને જણાય રહ્યો છે. ત્યારે હવે કંપની પર મદાર રહેશે કે રાજકીય હરિફાઈમાં કંપની કોના વાહનમાં પેટ્રોલ (કોની તરફેણ કરે છે) ભરે છે.

- Advertisement -

પરંતુ એક સવાલ ચોક્કસ છે કે ભાજપે પણ ફૂંકીને છાસ પીવી પડે તેવી સ્થિતી જામનગરની લોકસભાની ચૂંટણીમાં સર્જાય શકે છે. કારણ કે, જામનગરની લોકસભાની બેઠકની વાત કરીએ તો ત્યાં, આહિર અને ક્ષત્રિયો બંને જાતિઓના સમિકરણો મજબૂત છે. માટે ભાજપને રિવાબા કે પૂનમ માડમ બંનેમાંથી એક નક્કી કરવા પડે તો ભાજપ પોતે અસમંજસમાં મુકાય તેવી સ્થિતી પેદા થઈ શકે છે. ઉપરાતં જો કાકા-ભત્રિજીનું સમિકરણ બેસી જાય તો ભાજપને આ બેઠક જીતવા માટે ધોળા દિવસે અંધારા આવી જાય તેવી સ્થિતીનું નિર્માણ થઈ શકે છે.

હવે જોવું રહ્યું કે ભાજપ હાઈકમાન્ડ લોકસભાની ચૂંટણી સમયે કેવો નિર્ણય કરે છે, તેમજ પૂનમ માડમ અને રિવાબા જાડેજાના વિવાદને કેવી રીતે હેન્ડલ કરે છે. કારણ કે જામનગરના રાજકારણ માટે ભાજપ સામાન્ય રીતે નિર્ણય કરે છે તે પ્રકારે નિર્ણય કરે તે ભાજપને પરવડે તેવું નથી એ ચોક્કસ ભાજપના નેતાઓ જાણે છે.

Tag: Jamnagar BJP Controversy, Jamnagar MLA vs MP, Rivaba Jadeja VS Poonam madam

પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
  5. દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
  6. નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular