નવજીવન ન્યૂઝ. ગાંધીનગર: દિવસે ને દિવસે આત્મહત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. મોટાભાગે માનસિક અકળામણના કારણે લોકો આત્મહત્યા જેવા આત્મઘાતી પ્રયાસો તરફ વળતા હોય છે. પણ જ્યારે લોકોની સુરક્ષાની જવાબદારી લઈને બેઠેલા સુરક્ષા જવાનો જ આવું આત્મઘાતી પગલું ભરે ત્યારે ચર્ચાનો વિષય બને છે. આવી જ ઘટના ગાંધીનગરથી સામે આવી છે. જેમાં CRPFમાં ગાર્ડ તરીકેની ફરજ બજાવતા સબ ઈન્સ્પેકટરે AK-47 થી ગોળી મારી આપઘાત કર્યો છે.
મળતી માહિતી મુજબ આજરોજ 59 વર્ષીય કિશનભાઈ મોહનભાઈ રાઠોડે ગાંધીનગરના સી.આર.પી.એફ. કેમ્પમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા સબ ઈન્સ્પેક્ટરે ચાલુ ફરજ દરમ્યાન આ આત્મઘાતી પગલું ભર્યુ છે. CRPF કેમ્પમાં QAT બેરેકમાં તેઓએ લોખંડના પલંગ પર સૂતાં સૂતાં જ પોતાની AK-47 સર્વિસ ગનથી ફાયરિંગ કરીને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે.
વધુ વાંચો- વકીલના કપડા અને ઘંટડી સાથે જામનગર મહાનગરપાલિકામાં વિરોધ પક્ષનો વિરોધ
અચાનક ફાયરિંગનો અવાજ આવતા અન્ય જવાનો તેમની બેરેકમાં દોડી આવ્યા હતા અને ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં ચીલોડા પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ગુનો નોંધીને કેમ્પસમાં તપાસની કાર્યવાહી શરુ કરી દીધી છે. જેમાં પરિવારજનો અને કેમ્પસમાં ઉપસ્થિત કેમ્પના કર્મચારીઓની પૂછપરછ હાથ ઘરવામાં આવી હતી. આ ઘટનાથી કેમ્પસમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
સુત્રોની માહિતી પ્રમાણે પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યુ હતું કે, છેલ્લાં ઘણા સમયથી કિશનભાઈનાં પગનું હાડકું વધી રહ્યું હતું. જે બીમારીના કારણે તેઓ સખત પીડાઈ રહ્યા હતા. જો કે આત્મહત્યા કરવા પાછળનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી પોલીસને હાથ લાગ્યું નથી.
વધુ વાંચો- ચકચારી શ્રદ્ધા હત્યા કેસમાં મીડિયા રિપોર્ટિંગ મામલે હાઇકોર્ટનો મોટો આદેશ
પરિવારની અને સહકર્મચારીઓની પૂછપરછમાં એ પણ સામે આવ્યુ હતું કે, કિશનભાઈ મૂળ દસ્કોઈના બીલાસિયા ગામના વતની છે. 2 દિવસ પહેલાં જ તેઓ અમદાવાદ રખિયાલ સૂરધારા સોસાયટી ખાતે રહેતાં તેમના પરિવારને મળવા માટે ઘરે ગયા હતા. એક વર્ષ પછી કિશનભાઈ રિટાયર્ડ થવાના હતા.
ત્યારે આ માહિતી સામે આવતા પ્રાથમિક દૃષ્ટિએ એવુ દેખાઈ રહ્યુ છે કે, તેમની બીમારી અને રીટાયર્મેન્ટના કારણે કદાચ કોઈ મૂંઝવણમાં હોઈ આ પગલું ભર્યુ હોય? જો કે પોલીસની તપાસમાં જ તેમના આત્મહત્યાનું સાચુ કારણ સામે આવશે.








