Sunday, July 19, 2026
HomeGeneralજો તમને સીસ્ટમ સામે ગુસ્સો છે, તો તમારૂ સીસ્ટમમાં હોવું જરૂરી છે

જો તમને સીસ્ટમ સામે ગુસ્સો છે, તો તમારૂ સીસ્ટમમાં હોવું જરૂરી છે

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.ગાંધીનગર): 2003ની વાત છે હું ગુજરાતના એક મોટા અખબારમાં ક્રાઈમ રિપોર્ટર તરીકે જોડાયો, પહેલા દિવસે મેં સ્ટાફમાં કોણ કોણ કામ કરે છે તેની જાણકારી મેળવી તો મને ખબર પડી કે એક સાવ જુનિયર રિપોર્ટર જે મારી અગાઉ ક્રાઈમ રિપોર્ટર તરીકે કામ કરતો હતો તેને હું અખબારમાં જોડાઈ રહ્યો છું તેવી ખબર મળતા તેણે રાજીનામુ આપી દીધું, મને આશ્ચર્ય થયું કે જે માણસને હું મળ્યો જ નથી તેણે માત્ર મારી હાજરીને કારણે કેમ રાજીનામું આપ્યું હશે? મેં તેના અંગે તપાસ કરી તો જાણકારી મળી કે તેણે જતી વખતે એવું કારણ આપ્યું કે મારે ક્રાઈમ રિપોર્ટર જ થવુ છે પરંતું પ્રશાંત દયાળ જો આ સંસ્થામાં હોય તો મને ક્યારેય કામ કરવાની તક મળશે જ નહીં એટલે હું નોકરી છોડી રહ્યો છું. સમયાંતરે હું આ વાત ભુલી ગયો, બે વર્ષ પછી 2005માં એક યુવાન ફરી હું જે અખબારમાં કામ કરતો હતો ત્યાં નોકરી મેળવી આવ્યો, મને મારા તંત્રીએ કહ્યું આ તારા સહાયક ક્રાઈમ રિપોર્ટર તરીકે કામ કરશે તેને મદદ રૂપ થજો.



જે નવો યુવાન ક્રાઈમ રિપોર્ટર તરીકે મારી સાથે જોડાયો હતો, તેના વિશે કોઈએ આવીને મને કહ્યું કે બે વર્ષ પહેલા તમારા કારણે જેણે નોકરી છોડી તે આ જ છોકરો છે. મેં તેને બોલાવ્યો મેં તેને પુછ્યું તને મારી સામે કોઈ વાંધો છે? તેણે કહ્યું ના. તેણે મને બે વર્ષ પહેલા નોકરી છોડી તેનું કારણ આપ્યું જે હું જાણતો જ હતો. મેં તેને મારી પાસે બેસાડયો અને કહ્યું આપણે એસટી સ્ટેન્ડ ઉપર જઈએ અને બારી પાસેની સીટ મળે તેવી આપણી ઈચ્છા છે, આપણે જે સ્ટેન્ડ ઉપર ઊભા છીએ ત્યાં જેટલી બસ આવે છે તે બધી ભરાયેલી આવે છે, આપણે ખાલી બસ આવે અને તે બસમાં બારી પાસેની સીટ ખાલી હોય તેવી અપેક્ષા રાખીએ, એક પછી એક બસ આવતી જાય છે અને બધી જ બસ મુસાફરો ભરેલી આવે છે, એક પછી એક બસ જાય અને આપણે ત્યાં જ ઊભા રહી જઈએ છીએ. બારી પાસેની સીટ મળે તેવી ઈચ્છા હોય તો આપણે ભરેલી બસમાં પણ ચઢી જવાનું, શકય છે કે આગળના સ્ટેન્ડ ઉપર અથવા પછીના સ્ટેન્ડ ઉપર કોઈ મુસાફર ઉતરે અને આપણને બારી વાળી સીટ મળે.



પરંતું બારીવાળી સીટ મળે તે માટે આપણું બસમાં હોવું જરૂરી છે. જો આપણે બસમાં દાખલ જ થઈશું નહીં તો બારીવાળી સીટ મળશે જ નહીં તે યુવાનને મારી વાત સમજાઈ અને આજે તે એક રાષ્ટ્રીય અખબારમાં આસીસ્ટન્ટ એડીટર તરીકે ફરજ બજાવે છે. આમ જેઓ પણ બીજા કરતા જુદુ વિચારે છે, તે તમામનું સીસ્ટમમાં હોવું જરૂરી છે કારણ સીસ્ટમ ખરાબ છે અથવા સીસ્ટમ ચલાવનાર માણસો ખોટા છે તેમ કહી સીસ્ટમ છોડી દેવી સહેલી બાબત છે, પણ તકલીફો અને મુશ્કેલી વચ્ચે મેદાનમાં ઊભા રહેવુ જરૂરી છે કારણ જો મેદાનમાં ઊભા રહીશું તો આપણને અનુકુળ બોલ આવશે અને આપણે રમી શકીશું પણ સીસ્ટમની બહાર નીકળ્યા પછી લોકોનું તો ઠીક આપણું પણ ભલુ નહીં થાય મારી કેરીયરના પ્રથમ વીસ વર્ષમાં મારી અઢાર નોકરી બદલાઈ, કયાંક સીસ્ટમ ખરાબ છે તેમ કહી મેં નોકરી છોડી ક્યાંકે સીસ્ટમે તમે અમને અનુકુળ નથી તેમ જણાવી મારી નોકરી લઈ લીધી. જો કે સદ્દનસીબે મને તરત નોકરી મળી જતી હતી, પણ બધા મારા જેવા નસીબદાર હોતા નથી કારણ એક વખત સીસ્ટમમાંથી નીકળી ગયા પછી ફરી એન્ટ્રી લેવી બહુ અઘરી હોય છે.



મારા અનુભવ પછી હું શીખ્યો, લડી ઝઘડી સીસ્ટમની બહાર જઈ બધુ જ ખાડે ગયું છે તેવી ટીકા કરવી સહેલી છે, હું કાયમ મારા પત્રકારત્વના વિદ્યાર્થીઓને કહું છું કોઈ આપણી કોલર પકડી આપણને આ સીસ્ટમમાં લાવ્યું નથી આપણે જાતે આ રસ્તો પસંદ કર્યો છે ત્યારે તકલીફ તો રહેવાની એટલે મુશ્કેલી અંગે ફરિયાદ કરવા કરતા કેવી રીત બીજા માટે સારૂ કામ થઈ શકે તેવો પ્રયાસ કરવાનો, આપણા માટે પ્રતિકુળ સ્થિતિ હોય ત્યારે એક ખુણામાં ચુપચાપ ઊભા રહેવાનું પણ સીસ્ટમ છોડી જતા રહેવાનું નહીં, જ્યારે આપણી અનુકુળ સ્થિતિ આવે ત્યારે ચોક્કા છક્કા મારી લોકો માટે ઉત્તમ થાય તે કામ કરવાનું. હું માત્ર પત્રકારત્વની જ વાત કરતો નથી આપણે જ્યાં પણ કામ કરીએ છીએ ત્યાં તમામ સ્થળે વત્તા ઓછા પ્રમાણમાં આવી જ સ્થિતિ છે પણ સીસ્ટમ અને સીસ્ટમ ચલાનાર લોકોને દોષ આપી આપણે તેમાંથી બહાર જતા રહીએ તે આપણા જીવનનવો સૌથી ખોટો નિર્ણય સાબીત થતો હોય છે.

- Advertisement -

થોડા દિવસ પહેલા હું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પગારના મુદ્દે આમરણાંત ઉપવાસ કરનાર મહિલા કોન્સટેબલ નીલમ મકવાણાને મળવા ગયો હતો તેને સીસ્ટમ સામે ખુબ નારાજગી હતી. તેણે મને કહ્યું મને લાગે છે કે મારે પોલીસની નોકરીમાંથી રાજીનામુ આપી દેવું જોઈએ. મેં તેને કહ્યું મુશ્કેલી અને નારાજગીને કારણે નોકરી છોડી દેવી તે તો સહેલો રસ્તો છે, પણ તારુ પોલીસમાં હોવું જરૂરી છે કારણ જો તું પોલીસમાં નોકરી કરીશ તો જ તારા પોલીસ સ્ટેશનમાં આવનાર કોઈ ગરીબ અને સામાન્ય માણસનું તું ભલુ કરી શકીશ. જો તું પોલીસમાં નોકરી જ નહીં કરે તો તારી અંદર લોકોને મદદ રૂપ થવાની ઈચ્છા હશે તો પણ સત્તા નથી તેના કારણે તું કંઈ જ કરી શકીશ નહીં. સીસ્ટમમાં તે તકલીફ છે તે કદાચ કાલે દુર પણ થઈ જાય અને સીસ્ટમ સારી રીતે ચાલવા લાગે ત્યારે આપણી પાસે કામ નહીં હોય તો શું કરીશું. આખી સીસ્ટમમાં આપણી ભૂમિકા એક મોટા મશીનના નટ બોલ્ટ જેવી હોય છે પણ નટ બોલ્ટ પણ સારી રીતે ફીટ હોય તે જરૂરી છે. આપણું યોગદાન નાનુ હોવા છતાં આપણે તે કામ પ્રમાણિકપણે કરીએ તે પણ જરૂરી છે, પણ તેના માટે સૌથી અગત્યની બાબત છે મશીનરૂપી સીસ્ટમમાં આપણી હાજરી હોવી અનિવાર્ય છે.

(આભાર સહ ગુજરાતમિત્ર)




- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)
૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)
૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.




Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular