નવજીવન ન્યૂઝ, વડોદરા : વડોદરા શહેરમાં દારૂડીયાએ રોડની વચ્ચે કરેલાં ખેલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ (Video of drunkard from Vadodara city goes viral) થયાં છે. ખેડૂતોને ભલે ડીઝલ ના મળતું હોય પરંતુ દારૂબંધીવાળા ગુજરાતમાં માગો ત્યારે અને જોઈએ એટલો દારૂ મળે છે. તેનો પુરાવો વડોદરાના મુજમહુડા સર્કલ પાસે બનેલી ઘટના રજૂ કરે છે. સામાન્ય અકસ્માતના બનાવમાં મોટર સાયકલ ચાલકે કારના કાચ તોડી નાંખી બિભત્સ ગાળો આપી મારામારી કરતા રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. નશામાં ધૂત શખસને સમજાવવા જતા લોકો પર તે ભડક્યો હતો અને પોલીસની હાજરીમાં લથડીયા ખાતા ખાતા દાદાગીરી કરતો નજરે પડ્યો છે.
રોડ ઉપર એક દારૂડીયો બાઈક ચાલક કારમાં તોડફોડ કરી મારામારી કરતો હોવાના મેસેજ મળતા પોલીસ સ્ટાફ તુરંત સ્થળ પર દોડી ગયો હતો. નશામાં ધૂત યુવકે કરેલા નાટકના કારણે રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. આ મામલે જે. પી. રોડ પોલીસ સ્ટેશન (J P Road Police Station) ખાતે પ્રકાશ સોમાભાઈ રોહીત (રહે. કલાલી ગામ, વડોદરા) સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.








