Sunday, November 22, 2026
HomeGujaratDGP ને માથાનો DIG મળ્યોઃ રામના એન્કાઉન્ટર કેસને પણ જોડી દીધો નિઝામના...

DGP ને માથાનો DIG મળ્યોઃ રામના એન્કાઉન્ટર કેસને પણ જોડી દીધો નિઝામના એન્કાઉન્ટર કેસમાં | શતરંજ-97

- Advertisement -

પ્રશાંત દયાળ (શતરંજ-97, નવજીવન ન્યૂઝ): પીએસઆઇ દિવ્યાંગ ભટ્ટની જમણી આંખ ફરકી રહી હતી. સવારથી કોણ જાણે દિવ્યાંગને અજાણ્યો ડર લાગી રહ્યો હતો. જ્યારથી દિવ્યાંગના એસપી જે. કે. વછરાજાનીની ધરપકડ થઈ હતી, ત્યારથી સાબરકાંઠા એસપી ઑફિસમાં સન્નાટો હતો. હજી કોઈ નવા એસપીની નિમણૂક થઈ ન હતી, તેના કારણે તેમના સ્ટ્રાઇકિંગ ફૉર્સમાં રહેલા પીએસઆઇ દિવ્યાંગ પાસે પણ કોઈ ખાસ એક્સાઇટમેન્ટ ન હતું, છતાં આજે સવારે ઊઠ્યા ત્યારથી દૃશ્યમાં એક પ્રકારનું ભારેપણું લાગતું હતું. એક વખત એવો વિચાર પણ આવ્યો કે ક્યાંક હાર્ટઍટેક તો નહીં આવે ને? પણ દિવ્યાંગ સ્પૉર્ટ્સમૅન હતો. પોલીસમાં જોડાયા પછી હજી રોજ સાંજે પોલીસવાળા સાથે દિવ્યાંગ વૉલિબૉલ રમતો હતો. તો પછી હૃદય આજે કેમ વધારે ધડકી રહ્યું હતું. વછરાજાનીને પકડ્યા તે દિવસે દિવ્યાંગને બહુ ડર લાગ્યો હતો, પણ તેનો નિઝામ કેસ સાથે દૂર દૂર સુધી કોઈ સંબંધ ન હતો. થોડા સમય પછી દિવ્યાંગે જ પોતાની જાતને સમજાવી લીધી હતી.

આજે વછરાજાનીની ધરપકડને એક અઠવાડિયું થઈ ગયું હતું. તે રોજ પ્રમાણે તૈયાર થઈ યુનિફૉર્મ પહેરી ઑફિસ પહોંચી ગયો હતો. એસપી ઑફિસ અને હિંમતનગર પોલીસ સ્ટેશન એક જ બિલ્ડિંગમાં હતાં. દિવ્યાંગ જેવો પોતાની જિપ્સીમાંથી ઊતર્યો તેની સાથે હિંમતનગર પોલીસ સ્ટેશનનો ઑફિસર હાથમાં એક ડાયરી લઈ દોડતો આવ્યો. તેણે દિવ્યાંગને સલામ કરતા કહ્યું, “સર, તમારા માટે એક મૅસેજ છે.” દિવ્યાંગ ડાયરી હાથમાં લઈ મૅસેજ વાંચવા લાગ્યો. જેમ જેમ મૅસેજ વાંચતો હતો તેમ તેમ તેના ચહેરા ઉપર પરસેવાની બુંદો ઊપસી રહી હતી. સામે ઊભા રહેલા પીએસઓને કંઈક વિચિત્ર લાગ્યું, કારણ કે મૅસેજ તો તેણે પોતે જ લખ્યો હતો. તેને તો આ કોઈ ગંભીર મૅસેજ હોય તેવું લાગ્યું નહીં પછી પીએસઆઇ ભટ્ટ કેમ આટલા ડિસ્ટર્બ થઈ ગયા હશે તે તેને સમજાયું નહીં. તેણે પૂછી જ નાખ્યું : “સાહેબ, શું થયું?” દિવ્યાંગે તરત પોતાના ચહેરા ઉપર ફરી વળેલી પરસેવાની બુંદો સાફ કરતાં કહ્યું : “કંઈ નહીં.” તરત તેણે પોતાના હાથમાં રહેલી ડાયરી પીએસઓને પરત કરી અને તે પોતાની ઑફિસ તરફ જવા રવાના થયો.

- Advertisement -

ડીઆઇજી વિવેક પંતની કાર હજી ડીજીપી ઑફિસમાં દાખલ જ થઈ રહી હતી ત્યારે તેમના મોબાઇલ ફોનની રિંગ વાગી. તેમણે બાજુની સીટમાં પડેલો ફોન હાથમાં લીધા વગર ફોનની સ્ક્રીન તરફ નજર કરી. તેમણે સ્ક્રીન ઉપર નંબર જોતાં તરત ફોન ઉપાડતાં કહ્યું, “જયહિંદ સર.” ફોન ડીજીપી રામકિશોર ચૌબેનો હતો. ચૌબેએ ‘જયહિંદ’નો જવાબ આપવાને બદલે સવાલ પૂછ્યો : “વિવેક? કહાં હો.” સર, બસ ઑફિસ મેં એન્ટ્રી હી લે રહા થા.” પંતે જવાબ આપ્યો. “કોઈ બાત નહીં. સીધા મેરી ઑફિસ મેં આ જાઓ.” “સર” કહી પંતે ફોન મૂક્યો. કારમાંથી ઊતરી પંત સીધા ડીજીપીની ચેમ્બરમાં પહોંચી ગયા. ચૌબેએ પંતને જોતાં જ ફાઈલ બાજુ ઉપર મૂકી દેતાં નિરાશાજનક રીતે સવાલ પૂછ્યો : “વિવેક, ક્યા કર રહે હો…” પંતે પૂછ્યું, “ક્યા હુવા સર? ક્યા હુવા?” “અરે તુમને વો વછરાજાનીને કે સ્ટ્રાઇકિંગ ફૉર્સ કે પીએસઆઇ કો સમન્સ ક્યૂં કિયા? ક્યા અબ તુમ રામ કા ઍન્કાઉન્ટર કેસ ભી હૅન્ડલ કરોગે?” પંત કંઈ જવાબ આપે તે પહેલાં ચૌબેએ કહ્યું, “નહીં વિવેક, તુમ યહ નહીં કર સકતે. દેખો, સુપ્રીમ કોર્ટ કે ઑર્ડર કે મુતાબિક હમેં નિઝામ કેસ કા હી ઇન્વેસ્ટિગેશન કરના હૈ.”

પંતે શાંતિથી કહ્યું, “સર, આપ પરમિટ કરે તો મૈં કુછ કહ સકતા હૂં.” ચૌબેએ આંખના ઇશારે હા પાડી. પંતે પોતાની વાત મૂકતાં કહ્યું, “સર, આપ જો કહતે હો વહ બાત સહી હૈ. ગુજરાત સીઆઇડી ક્રાઇમ કે પાસ સિર્ફ નિઝામ કેસ હી હૈ, રામ કા નહીં હૈ. લેકિન સર, યહ દો કેસ અલગ ભી નહીં હૈ, કન્ટિન્યુએશન મેં ચલા રહા એક કેસ. આજ મેરે પાસ રામ કા નકલી ઍન્કાઉન્ટર હુવા ઐસા કોઈ એવિડન્સ નહીં હૈ… લેકિન…” પંતના શબ્દો પકડી લેતાં ચૌબેએ કહ્યું, “તો ફિર છોડો ના! ક્યોં હર કેસ કો ખીંચ કે લંબા કરતે હો?” “સર” પંતે ફરીથી પોતાની વાત આગળ વધારતાં કહ્યું, “હુબલી જાને વાલી બસ સે કુલ તીન પૅસેન્જરોં કો ઉતારા ગયા થા. યહ બાત વિટનેસ ઔર સોલાપુર પુલિસને હમેં બતાઈ. નિઝામ ઔર રૂપા કો હમનેં આઇડેન્ટિફાય કર લિયા. તીસરા વ્યક્તિ રામ હી થા જો રાજસ્થાન પુલિસ કો સોંપને કે પહલે ગુજરાત એટીએસ કી ઑફિસ મેં થા જિસકા એવિડન્સ મેરે પાસ હૈ.

“અબ ઉસકી ભી હત્યા કર દી, ઔર તબ… જબ હમારે ઇન્સ્પેક્ટર વિનોદ પરમારને ઉસકો ઇન્ટ્રોગેટ કરને કે લિયે રાજસ્થાન જાને કી પરમિશન માંગી ઔર તબ ઉસકા ઍન્કાઉન્ટર હો જાતા હૈ.” ડીજીપી રામકિશોર ચૌબેને લાગ્યું કે, પંત ઇરાદાપૂર્વક આખી વાત તેમને સંભળાવી રહ્યા હતા. ચૌબે આખી ઘટનાના સક્રિય સાક્ષી હતા. તે વાત તેઓ પોતે જ જાણતા હતા, છતાં તેમને એવું લાગી રહ્યું કે, પંત પણ જાણે છે. તેમની સ્થિતિ ‘ચોર કી દાઢી મેં તીનકા’ જેવી હતી. પંતે જે વાત સમજાવી તેમાં તસુભાર પણ કંઈ ખોટું ન હતું. છતાં પંત એટલું બારીક કાપી રહ્યા હતા કે, કેસ આગળ વધી રહ્યો હતો. ચૌબેએ એક ટૅક્નિકલ પ્રશ્ન ઊભો કર્યો : “વિવેક, મૈં માન લેતા હૂં કિ યહ સબ સહી હૈં… તો ભી ક્યા હમારે પાસ રામ કા કેસ હૈ?” પંતે એક ક્ષણ વિચાર કરતાં કહ્યું. “અગર પૂછો તો નહીં. લેકિન યહ કેસ કો હમ નકાર ભી નહીં સકતે. જબ તક સુપ્રીમ કોર્ટ કા સવાલ હૈ, તબ હમેં અપને સ્ટેટ્સ રિપોર્ટ — રામ કા કેસ રખના પડેગા ઔર નિઝામ-રૂપા ઔર રામ કી હત્યા એક હી કેસ કી ચલતી કડી હૈ યહ બતાના પડેગા.” ચૌબેએ પોતાના કપાળ અને મોઢા પર હાથ ફેરવ્યો. તે આવું ત્યારે જ કરતા જ્યારે તેમની પાસે કોઈ દલીલ ના હોય. ચૌબેને ખબર હતી કે વિવેક તેની કોઈ વાત માનવાનો નથી અને વિવેક જે કંઈ કહી રહ્યો હતો તેમાં ખોટું પણ કંઈ ન હતું.

- Advertisement -

ચૌબેએ પોતાની સમસ્યા સમજાવતાં કહ્યું, “દેખો વિવેક, એક દિન તુમ ભી ડીજીપી બનોગે તબ તુમ્હેં મેરી હાલાત સમજ મેં આયેગી.” વિવેક પંત ખડખડાટ હસી પડ્યા : “સર, મુઝે ડીજીપી બનાયેગા તો શામત (આફત) આ જાયેગી.” ચૌબેએ પોતાની વાત ઉપર આવતાં કહ્યું, “મુઝે હોમ-મિનિસ્ટર ઔર હોમ-સેક્રેટરી કો મિલને જાના હૈ. ઉનકી હી ઑફિસ સે મુઝે ફોન આયા થા, કિ તુમને વો સાબરકાંઠા પીએસઆઇ કો ભી સમન્સ કિયા હૈ?” પંતે દૃઢપણે જવાબ આપતાં કહ્યું, “હા સર, મૈંને હી આજ ઉસકો બુલાયા હૈ. મેરે પાસ અભી હાથ પે કુછ હૈ નહીં, ફિર ભી મેં આજ ઉસસે બાત કરના ચાહતા હૂં.” આટલું કહી પંત ડીજીપીની રજા માગ્યા વગર સલામ કરી પોતાની ઑફિસ તરફ ચાલવા લાગ્યા. પીએસઆઇ દિવ્યાંગ ભટ્ટને પીએસઓએ જે મૅસેજ વંચાવ્યો હતો તે સીઆઇડી ક્રાઇમનો હતો. તેણે કેટલાક સિનિયર પોલીસ-અધિકારીના ધ્યાન ઉપર આ વાત મૂકી હતી તે બધાનો જવાબ સરખો હતો કે, અમે ઉપર વાત કરીએ છીએ.

દિવ્યાંગનું ટેન્શન વધી રહ્યું હતું. કંઈ સૂઝતું ન હતું. તે પોતાની ઑફિસમાં એકલો હતો. તેના મનમાં અનેક સવાલો હતા કે સીઆઇડી ક્રાઇમે નિઝામ કેસમાં તેને કેમ બોલાવ્યો હશે. તેણે ડીઆઇજી વિવેક પંત અંગે માત્ર સાંભળ્યું હતું. તેમની સાથે કામ કરવાનો કે મળવાનો મોકો મળ્યો ન હતો. પણ તે બહુ કડક અને પ્રામાણિક અધિકારી છે તેવું સાથી કર્મચારીઓ પાસેથી સાંભળ્યું હતું. દિવ્યાંગને હવે પ્રામાણિક શબ્દથી ડર લાગવા લાગ્યો હતો. રામનું ઍન્કાઉન્ટર થયું ત્યારે એક વખત ઇન્સ્પેક્ટર વિનોદ પરમારને તો મળ્યો હતો. પણ તે સારા માણસ લાગ્યા હતા. બોલચાલમાં પણ સાલસ હતા. પીએસઓએ જે સંદેશો બતાવ્યો તે વિનોદ પરમારના નામનો જ હતો. દિવ્યાંગે તેમને જ મળી રિપોર્ટ કરવાનો હતો. પણ આજે સ્થિતિ એવી હતી કે, સીઆઇડી ક્રાઇમ કેવા પ્રકારના સવાલો પૂછશે અને તેના જવાબો શું હશે તેવી સલાહ આપનાર પણ કોઈ ન હતું. એક તબક્કે તો લાગ્યું કે, આ વછરાજાની સાહેબ તેને ફસાવતા ગયા. તેને સાહેબ અને પોતાની ઉપર ગુસ્સો આવી રહ્યો હતો. તે ઑફિસની બહાર નીકળ્યો અને ગાંધીનગર સીઆઇડી ક્રાઇમની ઑફિસે જવા પોતાની જિપ્સી કારમાં રવાના થયો.
(ક્રમશઃ)

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular